• Home
  • News
  • વડોદરા નજીક 5 ગામોમાં ‘કમલમ’નો દર વર્ષે સવા કરોડનો પાક, આગામી વર્ષોમાં પાકમાં 70% વધારો થવાની શક્યતા
post

ગુજરાતમાં ઉત્પાદન થતા અંદરથી લાલ રંગના ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને રાજ્ય સરકારે કમલમ રાખ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-29 11:28:53

અનેક ગુણકારી તત્વો ધરાવતા ડ્રેગન ફ્રૂટનું ગુજરાતમાં ઉત્પાદન અને ઉપયોગ વધતા રાજ્ય સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ રાખ્યું છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે વડોદરાની આસપાસના 5 ગામોમાં દર વર્ષે આશરે સવા કરોડ રૂપિયાના કમલમનો પાક ખેડૂતો લઇ રહ્યાં છે. તેના ભાવ અને મબલખ પાક ઉતરતાં કેટલાક વર્ષથી દર વર્ષે કમલમના ઉત્પાદનમાં 70 ટકાનો વધારો થઇ રહ્યો છે.

વડોદરાની આસપાસ ઉગતા કમલમ માર્કેટમાં પ્રતિ કિલો રૂ.250માં વેચાતા હોવાથી ખેડૂતો તેનો પાક લેવા તરફ આકર્ષાયા છે. આ ગામોના 10 ખેડૂતો 7.60 હેક્ટર જમીનમાં તેની ખેતી કરે છે.

હેકટરમાં 25000 કિલો ફ્રુટનો પાક
કમલમનો પાક લેવા માટે ખેડૂતો એટલા માટે પણ આકર્ષાયા છે કારણ કે એક હેક્ટરમાં 25000 કિલો ફ્રુટનો પાક નીકળે છે. એક કિલોના રૂ. 250ની આસપાસના ભાવની ગણતરી મૂકીએ તો એક હેકટરમાં જ લગભગ રૂ.60 લાખની ધીકતી કમાણી વર્ષમાં એક વાર કરી આપે છે. આ જ કારણસર અગાઉ 3 ખેડૂતો જ કમલમનો પાક લેતા હતા. હવે આ ખેડૂતોની સંખ્યા 10 પર પહોંચી ગઇ છે. જ્યારે કુલ વિસ્તાર પણ 7.60 હેક્ટર પર પહોંચી ગયો છે. બાગાયત વિભાગના નાયબ બાગાયત નિયામક અશ્વિન પટેલ કહે છે કે, કમલમની મબલખ આવકને લીધે વર્ષે 70 ટકા પાક વધે તેવી શક્યતા છે. આ જ બતાવે છે કે, વડોદરા જિલ્લો આગામી સમયમાં કમલમનો બમ્પર પાક લેશે.

મેગ્નેશિયમથી ભરપૂર કમલમ બીપ-હ્રદય રોગના દર્દી માટે અકસીર
કમલમ એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે. તેનું િનયમિત સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમાં રહેલું મેગ્નેશિયમ બીપી અને હાર્ટ ડિસિઝ માટે અકસીર છે. જ્યારે ફાઇબર્સ પાચન શક્તિ વધારે છે. જ્યુસ અથવા મિલ્કશેક બનાવીને પી શકાય છે. પ્રો. નિકિતા જોશી, આસિ.પ્રોફેસર, ફેકલ્ટી અોફ ફેમિલી એન્ડ કમ્યૂનિટી સાયન્સિસ

ડ્રેગનની 3 વરાઇટી પણ કમલમ એક જ
આજથી 300 વર્ષ પહેલા આ ફળની ખેતી વિયેતનામમાં શરૂ કરવામાં આવી હતી. જોકે આપણા દેશમાં આજથી 31 વર્ષ પહેલા એટલે કે 1990માં ડ્રેગન ફ્રૂટ આવ્યું હતું. આ ફ્રુટને ગુજરાતમાં કચ્છ અને વડોદરાની આસપાસ લાલ ડ્રેગન ફ્રૂટની ખેતી થાય છે જેનુ નામ કમલમ કરવામાં આવ્યું છે. જ્યારે માર્કેટમાં મળતા અંદરથી સફેદ અને પીળા ફ્રૂટને ડ્રેગન ફ્રૂટ જ કહેવાય છે.

એક વાર રૂ.6 લાખનું રોકાણ, 1 વર્ષ પછી ફળ આવે અને 25 વર્ષ સુધી ખેતી શક્ય
છેલ્લા 5 વર્ષોથી કમલમ ફ્રૂટની ડભોઇમાં ખેતી કરતા હરમાન પટેલે જણાવ્યું હતું કે,એક વાર રૂ. 5 થી 6 લાખ જેટલુ રોકાણ કરવાથી આવનારા 25 વર્ષ સુધી ખેતી થાય છે. ચોમાસામાં વાવેતર કરવાથી 1 વર્ષ પછી ફ્રૂટ આવે છે. સામાન્ય રીતે ચોમાસા પછી આ ફ્રૂટ છોડ પર 35 દિવસમાં ખાવા લાયક બને છે.​​​​​​​

 

adv

Related News

post
post
post
post
post
post
post