• Home
  • News
  • NRI સાથે લગ્નનો મોહ ભારે પડ્યો!:પટેલ ઉદ્યોગપતિની દીકરીને મૂકી પતિ અમેરિકા જતો રહ્યો, સોનાના દાગીના અને લાખો રૂપિયા પડાવ્યા
post

મારી દીકરીની જિંદગી NRI યુવકે બરબાદ કરી: માતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-09 19:06:45

આજે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી થઈ રહી છે. સાત સમંદર પાર વસીને ભારતીયો ઘણી સમૃદ્ધિ મેળવી રહ્યા છે. આ સમૃદ્ધિની આંધળી દોટમાં ઘણાં માતા-પિતા પોતાની દીકરીઓ એવા NRIના હાથમાં આપી દેતા હોય છે, જેમને પાછળથી પસ્તાવાનો પાર રહેતો નથી. આવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ભારતમાં અને ગુજરાતમાં લોકોની ઘેલછાને કારણે દીકરીઓનાં જીવન નર્કાગાર જેવાં બની જાય છે. જે રીતે માતા-પિતા પોતાનાં બાળકોને વિદેશમાં ભણવા મોકલવા પાછળ ગાંડપણ બતાવે છે તેમજ વિદેશના યુવકો સાથે પોતાની લાડકવાયી દીકરીના લગ્ન કરવામાં ગર્વ અને ખુશી અનુભવે છે. સમાજમાં આવા કેટલાય ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આજે સુરતમાં જ એવા અનેક કિસ્સાઓ છે કે લગ્ન કરી લીધાના વર્ષો બાદ પણ પોતાની પત્નીને વિદેશ લઈ જતા નથી. ઘણા કિસ્સાઓમાં તો પતિ વિદેશ જતો રહ્યો છે અને પત્ની અને તેનાં બાળકો વર્ષોથી અહીં જ છે. એક પટેલ પરિવારની ઉદ્યોગપતિની દીકરી સાથે લગ્ન કરીને તેનો પતિ અમેરિકા જતો રહ્યો છે. જ્યારે સોનાના દાગીના અને લાખો રૂપિયા પડાવ્યા બાદ પતિ હવે સંપર્ક પણ ન કરતો હોવાનું સામે આવ્યું છે.

શરૂઆતમાં મોટી મોટી વાતો કરી
NRI
યુવક અમેરિકાથી લગ્ન કરવા માટે સુરત પરિવાર સાથે આવ્યો હતો. યુવકની જે આર્થિક સ્થિતિ હતી તેના કરતાં યુવતીની ચાર ગણી સારી સ્થિતિ જોઈને પરિવારે લગ્ન માટે હા પાડી હતી. લગ્ન નક્કી થયા બાદ લગ્ન પહેલાંની તમામ વિધિઓ અને લગ્ન અને ત્યાર બાદની પારંપરિક રીતે રીવાજના નામે યુવતીના પરિવારને જાણે લૂંટવાની માનસિકતા સાથે આવ્યા હોય એ પ્રકારની માગણીઓ કરી હતી. શરૂઆતના તબક્કામાં તો જાણે યુવતી પોતાની દીકરી હોય એ પ્રકારનો વ્યવહાર કરતા હતા. લગ્ન પહેલાં પોતાને દીકરી નથી, પરંતુ અમે જે દીકરીને અમારા ઘરે લઈ જઈ રહ્યા છે તેને અમારી પોતાની દીકરી જેટલું જ વહાલ આપીશું, એવી મોટી મોટી વાતો કરી હોવાનું પીડિત પરિવારે જણાવ્યું હતું.

ખોટી ડીગ્રીઓ અને મોટી મિલકતોની વાતો કરી
સુરતમાં બીએસસીનો અભ્યાસ કરતી આ દીકરી સાથે યુવકે લગ્ન કર્યા હતાં. ત્યારે તેણે પોતે માસ્ટર ડીગ્રીનો અભ્યાસ ત્યાં કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ ત્યાં અલગ ઘર પણ ટૂંક સમયમાં લઈ લેવાની વાતો કરી હતી. એના માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાની વાત પણ કરી હતી. પોતાની પત્નીને માત્ર ત્રણ મહિનાની અંદર જ અમેરિકા લઈ જવાની ખોટી વાતો પણ કરી હતી. જોકે લગ્ન થયાના બે ત્રણ મહિના બાદ તેની પાસે જે ડીગ્રી છે એ સાચી છે કે કેમ એને લઈને પણ શંકા ઊભી થઇ હતી અને ત્યાર બાદ જે મકાન લેવાની પ્રક્રિયા પૂર્ણ થવા આવી છે એવી વાતો કરી હતી એ પણ ખોટી પુરવાર થઈ હતી.

ફોન પર સંપર્ક કરીને યુવતીને ભોળવી
યુવક અમેરિકામાં પોતાનાં માતા-પિતા સાથે રહે છે. યુવકે કહ્યું હતું કે ખૂબ જ સારી જગ્યાએ પર્મનન્ટ નોકરી અને વધુ પગાર મળી રહ્યો છે, એવી વાતો કરવામાં આવી હતી. રોજ યુવતી સાથે ફોન પર કલાકો સુધી વાતો કરીને યુવતીને પોતાની માયાજાળમાં ફસાવવામાં યુવક સફળ રહ્યો હતો. યુવતીને લગ્ન પહેલાંથી જ પાસપોર્ટ તૈયાર કરવા માટેની વાતો કરતો હતો. ડોક્યુમેન્ટ પણ તૈયાર રાખજે, ડીગ્રીના સર્ટિફિકેટ પણ તૈયાર રાખજે અને ટૂંક સમયમાં જ લગ્ન થયા બાદ તને લઈ જઈશ, એવી વાતો કરીને યુવતીને વિશ્વાસમાં લઈ લીધી હતી.

લાખો રૂપિયાની રોકડ અને સોનાના દાગીના હડપ કર્યા
પટેલ પરિવારની આ દીકરીના રીતિ-રિવાજના નામે લગ્ન પહેલાંથી જ યુવકના પરિવારજનોએ રૂપિયા લેવાના શરૂ કર્યા હતા. યુવતીના પરિવાર પાસેથી રિંગ સેરેમની વખતે અને લગ્ન પ્રસંગે કેટલાય તોલા સોનું અને ચાંદી યુવતીના પરિવાર પાસેથી પડાવી લીધાં હતાં. બધા જ સોના-ચાંદીનાં ઘરેણાંઓ લઈને તેઓ અમેરિકા જતા રહ્યા છે, જ્યારે દીકરીને હવે લઈ જવાની સ્પષ્ટ ના પાડે છે.

અમેરિકામાં મકાન લેવા માટે 40 લાખ રૂપિયાની માગણી કરી
યુવક અને તેનાં માતા-પિતાની લાલચ દિવસે ને દિવસે વધી રહી હતી. અમેરિકાથી જ્યારે તેઓ ભારત લગ્ન માટે આવ્યા હતા ત્યારે એક એક રૂપિયો યુવતીના પરિવાર પાસેથી લેતા હતા. ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરવાનું બહાનું આપીને અત્યારે તમારી પાસે છે એ પૈસા થોડા અમને વાપરવા માટે આપી દો. પછી અમે તરત જ તમને પરત આપી દઈશું એવી વાતો શરૂ કરી હતી. અમેરિકાથી આવીને ભારતમાં રહ્યા અને ત્યાર બાદ પરત ગયા. ત્યાં સુધીમાં મોટા ભાગના રૂપિયા તેમણે યુવતીના ઘરવાળા પાસેથી જ લીધા હતા. એટલું જ નહીં, લગ્ન કરીને યુવતીને અમેરિકા લઈ જવા માટે જે ફાઇલ મૂકવામાં આવી હતી. એ ફાઈલ મૂકતાંની સાથે જ માગણી કરી કે અહીં સારું મકાન મળી રહ્યું છે, પરંતુ એના માટે રૂપિયા 40 લાખની જરૂર પડે એમ છે. યુવક પોતાની પત્નીને સતત ફોન પર 40 લાખની વ્યવસ્થા ઝડપથી થાય તો કરો એવું કહેતો હતો. યુવતી જ્યારે અમેરિકાની ફાઈલ વિશે પૂછપરછ કરતી હતી તો તે ગોળ ગોળ જવાબ આપતો હતો. વારંવાર માત્ર મકાન લેવા માટે રૂપિયાની માગ કરતો રહેતો હતો.

અમેરિકા લઈ જવાની ખોટી વાતો કરીને છેતરી ગયો:પત્ની
પીડિત પત્નીએ જણાવ્યું હતું કે લગ્ન પહેલાંથી મારા પતિ સાથે પરિવારની સંમતિથી વાતો કરવાનું શરૂ કર્યું હતું. એ દરમિયાન તેમનો વ્યવહાર ખૂબ જ સારો હતો. લગ્ન કર્યાના કલાકો બાદ જ તેમના સ્વભાવમાં ધરખમ બદલાવ જોઈને હું પોતે ચોંકી ઊઠી હતી. પતિની માતા, જે મને દીકરી-દીકરી કહીને બોલાવતી હતી તેણે એકાએક જ મારી સાથે તોછડાઈથી વાતો કરવાનું શરૂ કરી દીધું હતું. લગ્ન બાદ તરત જ નાની નાની વાતોને લઈને મારી મમ્મી અને મારી સાથે અયોગ્ય વ્યવહાર કરતી હતી. હું થોડા દિવસ સુધી તો મારા પરિવારને આ બાબતે કોઈ વિસ્તૃત વાત નહોતી કરી, પરંતુ પછી જ્યારે મને થોડીક શંકા થતાં મેં મારા પરિવારમાં વાત કરી, પરંતુ પહેલીવારમાં મારા પરિવારે પણ કહ્યું, નવી નવી જગ્યા હોય, નવા લોકો હોય તો એવું લાગે, પરંતુ થોડા દિવસમાં બધું સારું થઈ જશે, પરંતુ ગણતરીના દિવસોમાં જ મારી વાતો પરિવારને પણ સાચી લાગવા માંડી અને અમે સમજી ગયા કે હવે કંઈક મુશ્કેલી થશે. થયું પણ એવું જ. તે અમેરિકા જતો રહ્યો અને મને અહીં જ મૂકી ગયો. તેમના વ્યવહાર પરથી મને તેઓ લઈ જશે એવું લાગતું નથી અને મારી જિંદગી પોતાના સ્વાર્થને કારણે મુશ્કેલીમાં મૂકી દીધી છે.

મારી દીકરીની જિંદગી NRI યુવકે બરબાદ કરી: માતા
દરેક માતા-પિતા પોતાનાં સંતાનોનું ભલું ઇચ્છતી હોય છે. પોતાની દીકરીને સારું ઘર મળી જાય તો એનું જીવન સુધરી જાય એવી ઈચ્છા સાથે આપણે ઘણી વખત લગ્ન કરાવતા હોઈએ, પરંતુ સ્થિતિ ગઈકાલે જ આવીને ઊભી રહી જતી હોય છે. મારી એક દીકરી અને દીકરો છે. પરિવાર સુખીસંપન્ન હોવાને કારણે દીકરીને ખૂબ લાડકોડથી ઉછેરી હતી. તેના લગ્ન ખૂબ ધામધૂમથી કરાવ્યા અને સાસરી પક્ષે જે પણ માગ્યું એ ખૂબ આપ્યું. આજે મારી દીકરીને આપેલા લાખો રૂપિયાના દાગીના લઈને તેનો પતિ અને તેના પરિવારજનો અમેરિકા જતા રહ્યા છે. મારી દીકરીને લઈ જવાની વાત કરેલી હતી, પરંતુ હવે તેઓ લઈ જશે નહીં એવી અમને પૂરી ખાતરી છે. આવા લાલચુ પરિવાર પાસે હવે મારી દીકરીને મોકલવી કે કેમ એ પણ ચિંતા થાય છે. આવી કેટલીય દીકરીઓને એનઆરઆઇ છોકરાઓ ફસાવી દે છે. તેમનું જીવન નર્કાગારમાં ધકેલી દે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post