• Home
  • News
  • 'મહા' વાવાઝોડું પોરબંદરથી માત્ર 480 કિ.મી. દૂર
post

અરબી સમુદ્રમાં સર્જાયેલા મહા વાવાઝોડાની અસર ધીમી થઇ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડું દીવનાં દરિયાકાંઠા પાસે ટકરાઇ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-06 12:00:30

અરબી સમુદ્રમાં સર્જાયેલા મહા વાવાઝોડાની અસર ધીમી થઇ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડું દીવનાં  દરિયાકાંઠા પાસે ટકરાઇ શકે છે. ત્યારે આજે વાવાઝોડાનાં અંતરની વાત કરીએ તો મહા પોરબંદરનાં દરિયાથી 480 કિલોમીટર દૂર છે, વેરાવળનાં દરિયા કિનારાથી 520 કિમી દૂર છે જ્યારે દીવનાં દરિયાકિનારેથી 570 કિમી દૂર છે. વાવાઝોડાએ વળાંક લીધા બાદ 100 કિમીનું અંતર વાવાઝોડાએ કાપ્યું છે. જેના કારણે 7 નવેમ્બરનાં રોજ એટલે ગુરૂવારે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરા સહિત અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 8 નવેમ્બરથી હવામાન સામાન્ય થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડાની સિસ્ટમ છઠ્ઠી તારીખે સૌરાષ્ટ્ર અને 7મીએ દક્ષિણ ગુજરાતને વધુ નુકસાન પહોંચાડશે. જ્યારે બે દિવસ દરમિયાન આ બંને દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે અમદાવાદ તથા બોટાદ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. વાવાઝોડાને કારણે જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, આણંદ, અમદાવાદ, બોટાદ, પોરબંદર, રાજકોટ, સુરત, નવસારી, વલસાડ, સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની સાથે પ્રતિ કલાક 70થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.'મહા' વાવાઝોડાની સામે તંત્ર સજ્જ બની ગયું છે. NDRFની 32 ટીમ અને 10 હેલિકોપ્ટર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તહેનાત કરવામાં આવ્યા છે. તમામ પોર્ટ પર હાલ યલો એલર્ટ છે. આગામી ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. જો કે મહાવાવાઝોડું 220 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.

મહા વાવાઝોડું વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠા વચ્ચે ટકરાવાનું છે. વાવાઝોડાની ટક્કર બાદ થનારી સ્થિતિને ઘ્યાનમાં રાખીને રાહત અને બચાવનાં કામ માટે આર્મીની ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા 10 કોલમ સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. એક કોલમમાં 68 જવાન લેખે કુલ 680 જવાનોને સ્થાનિક વહીવટી તંત્રની માગણી પ્રમાણે બોટ, તબીબી રાહતની વસ્તુઓ, ડોક્ટરો, ર્નિંસગ સ્ટાફ સાથે મુકવામાં આવ્યા છે.