• Home
  • News
  • વર્લ્ડ કપની પહેલી જ મેચમાં મેજર અપસેટ!:નામ્બિયાએ એશિયન ચેમ્પિયન શ્રીલંકાને 55 રને હરાવ્યું, ફ્રાયલિંક અને સ્મિટ વચ્ચે મહત્ત્વની પાર્ટનરશિપ થઈ
post

નામ્બિયાએ આ મેચ જીતીને સુપર-12માં ક્વોલિફાય થવા માટે પોતાની પ્રબળ દાવેદારી નોંધાવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-17 19:05:20

વર્લ્ડ કપનો સૌથી મોટો અપસેટ પહેલી જ મેચમાં જોવા મળ્યો છે. રવિવારે રમાયેલી ક્વોલિફાઈંગ મેચમાં નામ્બિયાએ શ્રીલંકા જેવી દિગ્ગજ ટીમને 55 રને પરાજય આપ્યો હતો. નામ્બિયાએ 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રીલંકાની આખી ટીમ 108 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. નામ્બિયાના ઓલરાઉન્ડર્સે મેચનું પાસું ફેરવી નાખ્યું. જેન ફ્રાયલિંક અને જેજે સ્મિટે 69 રનની ભાગીદારી નોંધાવી હતી. બંનેએ મળીને આ મેચમાં શ્રીલંકાની ત્રણ મહત્ત્વની વિકેટો પણ લીધી હતી. તમને જણાવી દઈએ કે હાલમાં જ શ્રીલંકાની ટીમ પાકિસ્તાનને એશિયા કપમાં હરાવીને ચેમ્પિયન બની હતી.

આ જીતનો હીરો જેન ફ્રાયલિંક હતો. તેણે ઓલરાઉન્ડ પરફોર્મન્સ આપ્યું હતું. ફ્રાયલિંકે 28 બોલમાં 44 રન બનાવ્યા હતા. ત્યારપછી બે મહત્ત્વની વિકેટ પણ લીધી હતી. તેના સિવાય ડેવિડ વિઝે, બર્નાર્ડ સ્કોલ્ટ્ઝ અને બેન શિકોન્ગોને પણ બે-બે વિકેટ મળી હતી. ફ્રાયલિંકને પ્લેયર ઓફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

આવી રીતે શ્રીલંકાનો ધબડકો થયો

પહેલી વિકેટ: બીજી ઓવરના ચોથા બોલ પર, 12 રનના ટીમ સ્કોર પર કુશલ મેન્ડિસ (6) ડેવિડ વિઝને કીપર ગ્રીનના હાથે કેચ આઉટ થયો હતો.

બીજી: ટીમનો સ્કોર 21 રને હતો ત્યારે બેન શિકોન્ગો પથુમ નિસાંકા (9)ને સ્મિટની બોલિંગમાં આઉટ થયો હતો.

ત્રીજી: દનુષ્કા ગુણાથિલાકા 21 રન પર ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો.

ચોથી: 6.3 ઓવરના ત્રીજા બોલ ઉપર ધનંજય ડી સિલ્વા 12 રને આઉટ થયો હતો.

પાંચમી: રાજપક્ષે 11મી ઓવરમાં શોલ્ટ્ઝનો શિકાર બન્યો. તેને શોલ્ટ્ઝે કૂકના હાથે કેચ કરાવ્યો હતો.

છઠ્ઠી: હસરંગા પણ મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. તે 4 રન બનાવીને આઉટ થયો હતો.

સાતમી: શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાની મહત્ત્વની વિકેટ ફ્રાયલિંકે ઝડપી હતી.

આઠમી: પ્રમોદ મદુષન 14.2 ઓવરમાં ઝીરોમાં આઉટ થયો હતો. તે રનઆઉટ થયો હતો.

નવમી: ચમિકા કરુણારત્ને 5 રનમાં જ આઉટ થઈ ગયો હતો.

દસમી: ટીમની છેલ્લી વિકેટ દુષ્મંથા ચમીરાના રૂપમાં પડી હતી.

મેચનો ટર્નિંગ પોઇન્ટ

પહેલો: નામ્બિયાની 7મી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી, તે અહીંથી મજબૂત થઈ
પહેલી બેટિંગ કરતા નામ્બિયાની 6 વિકેટ 93 રનમાં જ પડી ગઈ હતી. ત્યારે 15મી ઓવર ચાલી રહી હતી. ત્યારે ફ્રાયલિંક અને જેજે સ્મિટે મેચને જીવંત રાખીને બન્ને વચ્ચે માત્ર 33 બોલમાં 69 રનની ભાગીદારી થઈ હતી અને ટીમના સ્કોરે 163 સુધી પહોંચાડ્યો હતો.

બીજો: મેચ 10મી ઓવર સુધી હાથમાં હતી, ત્યારબાદ રાજપક્ષે આઉટ થયો અને મેચ સરકી ગઈ.
164
રનનો ચેઝ કરતા શ્રીલંકાએ 4 વિકેટ ગુમાવી દીધી હતી. રાજપક્ષે અને શનાકા ઇનિંગને સંભાળી રહ્યા હતા. બન્નેએ 24 બોલમાં 34 રન બનાવ્યા અને સ્કોર 70ને પાર કરાવ્યો હતો. મેચ પર શ્રીલંકાની પકડ પણ મજબૂત હતી. પણ ભાનુકા રાજપક્ષે 11મી ઓવરમાં આઉટ થઈ ગયો હતો. ત્યાર પછી શ્રીલંકાનો ધબડકો થયો હતો અને અપસેટ સર્જાયો હતો.

નામ્બિયાએ પહેલી જ મેચ જીતી લીધી, હવે શ્રીલંકાએ ક્વોલિફાય થવા માટે બન્ને મેચ જીતવી પડશે
નામ્બિયાએ આ મેચ જીતીને સુપર-12માં ક્વોલિફાય થવા માટે પોતાની પ્રબળ દાવેદારી નોંધાવી છે. જોકે તેમની ટીમને હજુ ત્રણ મેચ રમવાની બાકી છે. બીજી તરફ 2014ની ચેમ્પિયન શ્રીલંકાની ટીમને મોટો ફટકો પડ્યો છે. ત્યારે હવે તેમને સુપર-12માં ક્વોલિફાય થવા માટે હવેની બન્ને મેચ જીતવી પડે તેમ છે.

નામ્બિયાની ટીમ 14મા સ્થાન ઉપર છે

ICC T20 રેન્કિંગમાં નામ્બિયાની ટીમ 14મા સ્થાન ઉપર છે. આ સ્થિતિમાં તેઓની ટીમે શ્રીલંકા જેવી મજબૂત ટીમ સામે જીત મેળવી છે. શ્રીલંકાની ટીમ ICC T20 રેન્કિંગમાં 8મા સ્થાને છે.

હાલમાં જ એશિયા કપની ચેમ્પિયન બની હતી શ્રીલંકા
શ્રીલંકાએ હાલમાં જ 11મી સપ્ટેમ્બરે રમાયેલી ફાઈનલ મેચમાં પાકિસ્તાનને 23 રને હરાવીને છઠ્ઠીવાર એશિયા કપનું ટાઈટલ જીત્યું હતું. ત્યારે તેઓની ટીમ T20 વર્લ્ડ કપ માટે અન્ડરડોગના ટાઈટલ સાથે ઊતરીી હતી. જોકે ક્વોલિફાઇંગ મેચમાં તેમને નામ્બિયાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.