• Home
  • News
  • જાહેર રોડ પર રિલ્સ બનાવવી મોંઘી પડી:જામનગરના બેડીબંદર રોડ પર ગરબાની પ્રેક્ટિસ કરાવનાર સામે કાર્યવાહી, વીડિયો વાઇરલ બાદ સંચાલક -કોરિયોગ્રાફરની અટકાયત
post

કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે થશે કાર્યવાહી

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-25 17:35:19

આજના સમયમાં યુવાનોને સોશિયલ મીડિયામાં છવાઈ જવાનું ઘેલું લાગ્યું છે. આ માટે યુવાનો જીવનું જોખમ લઈને સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવી રહ્યા છે. જોકે, આ પ્રકારે જીવનું જોખમ લઈને રીલ્સ બનાવવું યુવાનોને ભારે પણ પડી શકે છે. આ વચ્ચે જામનગરમાં એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં કેટલાંક યુવક-યુવતીઓ જાહેર રોડ પર ગરબા રમી રહ્યાં હતાં. અન્ય નાગરિકોને પડતી અગવડતાની અવગણના કરી તેમજ ગંભીર અકસ્માત થવાની શક્યતા હોય તે રીતે રોડ શેફ્ટીના નિયમોનો ભંગ કરીને આ ગ્રૂપ ગરબા રમી રહ્યું હતું. જેનો વીડિયો વાઇરલ થતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને જાહેરમાં ગરબા કરાવતા ગરબા સંચાલક અને કોરિયોગ્રાફરની અટકાયત કરી છે.

રોડ શેફ્ટીના નિયમોનો ભંગ કરીને ગરબે રમ્યા
જામનગર શહેરના જાગૃત નાગરિક મિત્રો તથા સોશિયલ મીડિયા મોનિટરિંગ દ્વારા માહિતી મળેલી કે, જામનગર શહેરના બેડી-બંદર ખાતેના જાહેર રોડ પર અન્ય નાગરિકોને પડતી અગવડતાની અવગણના કરી તથા ગંભીર અકસ્માત થવાની શક્યતા હોય તે રીતે રોડ શેફ્ટીના નિયમોનો ભંગ કરીને બેફિકરાઇથી એક યુવા ગ્રૂપને ગરબાની પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે. જે અંગેનો વીડિયો પણ વાઇરલ થયો હતો.

સાયબર ક્રાઇમ સેલે કાયદેસરની કાર્યવાહી કરી
આ સમગ્ર બાબતે પોલીસે તપાસ કરી રાસ રસિયા ગરબા કલાસીસના સંચાલક તથા કોરિયોગ્રાફરની અટકાયત કરી તેઓને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા. તેઓ સામે કલમ 151 હેઠળનાં પગલાં લેવામાં આવ્યાં છે, અને કાયદેસરની કાર્યવાહી જામનગર સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી છે.

કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે થશે કાર્યવાહી
ઉપરાંત જામનગરના તમામ નાગરિકો અને યુવા વર્ગને અપીલ કરાઈ હતી કે, સહેલાઇથી પ્રસિધ્ધિ મેળવવાની ઇચ્છામાં કાયદાનું ઉલ્લંઘન કરશો નહીં, અને સોશિયલ મીડિયાના ઉપયોગ વખતે તમામ નિયમોનું પાલન કરશો. જેનો ભંગ થયો જણાશે તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી અપાઇ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post