• Home
  • News
  • મમતા બેનર્જીએ કહ્યું- ગુજરાતથી આવેલા લોકો શા માટે પશ્ચિમ બંગાળ પર રાજ કરે?
post

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે મુખ્યમંત્રી મમતા બેનર્જીને તેમની અને કેન્દ્ર સરકારની સાથે ઘર્ષણનો માર્ગ છોડવા અપીલ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-22 12:21:35

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે વર્ચ્યુઅલ રેલી દ્વારા તૃણમૂલ કોંગ્રેસના ચૂંટણી અભિયાનની શરૂઆત કરતા કહ્યું કે, આ ચૂંટણીમાં ભાજપને રાજ્યની બહાર ફેંકી દઇશું. તૃણમૂલ કોંગ્રેસ ફરી સરકાર રચશે. આ ચૂંટણી રાજ્યને અને દેશને પણ એક નવી દિશા બતાવશે. પ.બંગાળમાં ભાજપ આઉટસાઇડર્સ’(બહારના લોકો) નો પક્ષ હોવાનું જણાવતાં મમતાએ કહ્યું કે, ‘શા માટે બધા ગુજરાતીઓ બધાં રાજ્યો પર રાજ કરે? સંઘીય માળખાની જરૂર શું છે? તો પછી વન નેશન, વન પાર્ટી સિસ્ટમ લાગુ કરી દો. પશ્ચિમ બંગાળ પર અહીંના લોકો રાજ કરશે, ગુજરાતીઓ-આઉટસાઇડર્સ નહીં. જેમને કોઇ રાજકીય અનુભવ નથી તેવા અમુક લોકો હિંસાની અને તંગદિલી ફેલાવવાની વાતો કરે છે. ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારો ડિપોઝિટ ગુમાવે તે માટે આપણે મક્કમપણે લડવાનું છે.

મમતાએ ઉમેર્યું કે કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ એજન્સીઓ અને મની પાવરનો ઉપયોગ કરીને બંગાળની ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનું કાવતરું ઘડાઇ રહ્યું છે. ભાજપ દેશમાં અત્યાર સુધીનો સૌથી વિધ્વંસક પક્ષ છે. દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે ભાજપ મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાન અને પશ્ચિમ બંગાળની સરકારોને અસ્થિર કરવામાં વ્યસ્ત છે. તે બીજાં રાજ્યોમાં ભલે ધારાસભ્યો ખરીદી રહ્યો હોય પણ બંગાળમાં તેવું નહીં થવા દઇએ.

કાનપુરની ઘટનાનો ઉલ્લેખ
યુપીના કાનપુરમાં વિકાસ દુબે અને તેની ગેંગ દ્વારા પોલીસ પર હુમલાની ઘટનાનો ઉલ્લેખ કરતા મમતાએ કહ્યું કે યુપીમાં ઠેર-ઠેર જંગલરાજ પ્રવર્તે છે. સ્થિતિ એ છે કે યોગી સરકારે પુરાવાનો પણ નાશ કરાવી દીધો. યુપીમાં લોકો પોલીસ પાસે જઇને ફરિયાદ નોંધાવતાં ફફડે છે. એક જ ઘટનામાં ઘણા પોલીસકર્મીઓ માર્યા ગયા.

ધનખડની અપીલ- મમતા રાજ્યપાલ-કેન્દ્ર સાથે ઘર્ષણ છોડે
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે મુખ્યમંત્રી મમતા બેનર્જીને તેમની અને કેન્દ્ર સરકારની સાથે ઘર્ષણનો માર્ગ છોડવા અપીલ કરી છે. ધનખડે ટ્વીટ કર્યું કે, કેન્દ્ર સરકાર અને રાજ્યપાલ સાથે ઘર્ષણ છોડવા મમતા સરકારને અપીલ. આપણે બંધારણ અને નિયમ-કાયદાના પાલન દ્વારા જ પીડિત જનતાની સેવા કરી શકીએ.

ભાજપનો જવાબ- મમતા સમજી ગયાં છે કે તેમની હાર નક્કી છે
મમતાના ચૂંટણી અભિયાનની શરૂઆત અંગે ભાજપના રાષ્ટ્રીય સચિવ રાહુલ સિન્હાએ કહ્યું કે મમતા સમજી ચૂક્યાં છે કે બંગાળની જનતાને તેમની સરકાર પર કોઇ ભરોસો નથી. તેથી તેમણે ભાજપ સામે નિશાન તાક્યું છે. સીપીએમના નેતા સુજન ચક્રવર્તીએ કહ્યું કે બંગાળના લોકો જાણી ગયા છે કે મમતા ખોટું બોલે છે. લોકો યોગ્ય સમયે જવાબ આપશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post