• Home
  • News
  • ગુજરાતમાં ફરી માવઠાંની વકી:5થી 7 એપ્રિલે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે
post

અલ-નિનોની અસર હેઠળ આ વર્ષે એપ્રિલ મહિનો ગરમ રહી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-03 18:37:19

અમદાવાદ: રાજ્યમાં ફરી એકવાર ત્રણ દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 5, 6 અને 7 એપ્રિલના રોજ રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદી વાતાવરણ રહેશે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ એટલે કે 5 થી 7 એપ્રિલના રોજ રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 5 અને 6 એપ્રિલના રોજ કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ દ્વારકા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ પડી શકે છે. જ્યારે 7 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, તાપી સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

ઉનાળાની સિઝનમાં બે-ત્રણ વાર વરસાદ પડ્યો
રાજ્યમાં માવઠાની વધુ શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રહેશે. રાજ્યમાં વિવિધ શહેરોમાં તાપમાન સામાન્ય રહેશે. હાલમાં અમદાવાદમાં 36 ડિગ્રી જેટલું તાપમાન છે. માવઠા બાદ બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં માવઠાની સાથે ગરમીનું પ્રમાણ પણ યથાવત્ રહેશે, પરંતુ તાપમાન સામાન્ય જેટલું જ રહેશે. અમદાવાદમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ડિસ્ટર્બન્સની અસર આ વખતે ગુજરાતમાં વધુ થઈ છે જેના કારણે બેથી ત્રણ વખત ઉનાળાની સિઝન દરમિયાન પણ વરસાદ પડ્યો છે.

એપ્રિલ મહિનાની શરૂઆત થતાં જ ગરમીની અસર શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ 1 એપ્રિલના રોજ વડોદરાનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 22 ડિગ્રી રહ્યું હતું. પાછલા બે દાયકા દરમિયાન શહેરમાં એપ્રિલ મહિનામાં 44 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાઈ ચૂક્યું છે.

અલ-નિનોની અસર હેઠળ આ વર્ષે એપ્રિલ મહિનો ગરમ રહી શકે છે. પરંતુ જો અરબી સમુદ્ર અને બંગાળની ખાડી વિસ્તારમાં દબાણને લઈને ચક્રવાતી અસર સર્જાય તો તેવા સંજોગોમાં આ સમય પૂરતું તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે. મધ્ય એપ્રિલ સુધીમાં ગરમીમાં 1 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે, જે સામાન્ય સરેરાશ તાપમાન કરતાં સહેજ ઓછું હશે. આ સમયગાળામાં હીટવેવની શક્યતા દેખાતી નથી. જોકે માવઠાની શક્યતા છે.

વાતાવરણ સાફ રહેશે, 38થી 40 ડિગ્રી રહેશે
​​​​​હવામાન ખાતાના માસિક પૂર્વાનુમાન રિપોર્ટ મુજબ એપ્રિલમાં વડોદરામાં વાતાવરણ સાફ રહેવાની સંભાવના રહેલી છે. શહેરમાં એપ્રિલ મહિનામાં 3 ડિગ્રી સુધી મહત્તમ પારો વધી શકે છે. મોટાભાગે એપ્રિલ મહિનામાં 38 થી 40 સે. તાપમાન વડોદરામાં નોંધાતું હોય છે. એસએસજીના આરએમઓ ડી.કે.હેલૈયાના અનુસાર,એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રી કે તેથી વધે તો સામાન્ય રીતે શરીરમાં પાણીની ઊણપ, ઝાડા-ઊલટી જેવા કેસો જોવા મળી શકે છે.

માવઠું પડ્યું તો ઘઉંના પાકને નુકસાન થશે
કૃષિ વિશેષજ્ઞ ડો.નારણસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. જો આગાહી મુજબ માવઠું પડ્યું તો ઘઉંના પાકને નુકસાન પહોંચી શકે છે. જેથી ઉત્પાદન પણ ઓછું થવાની સંભાવના રહે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post