• Home
  • News
  • મુન્દ્રામાં મેઘાનું તાંડવ : 40 મિનિટમાં ઇંચ ચાર વરસાદ, તાલુકામાં 2થી 3 ઇંચ ખાબક્યો
post

હવે તો વાવણી સહિતના ખર્ચા પણ નહીં નીકળે તેવી ખેડૂતોને ભીતિ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-14 10:10:27

કચ્છમાં લોકલ સિસ્ટમ સક્રીય થયા બાદ જિલ્લા મથકે શનિવારે ધોધમાર સાડા ત્રણ ઇંચ બાદ રવિવારે જિલ્લામાં સવારથી જ ઉકળાટ સાથે ધુપછાંવ ભર્યો વાતાવરણ રહ્યો હતો. બપોર બાદ 4 વાગ્યાથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કચ્છમાં મુન્દ્રા તાલુકો 2થી 4 ઇંચથી તરબતર થયો હતો તો સતત બીજા દિવસે વરસાદી ઝાપટાંથી અન્ય 3 તાલુકા અબડાસા, માંડવી અને ભચાઉ તાલુકામાં વરસાદે હાજરી નોંધાવી હતી.

વરસાદનો બીજો રાઉન્ડ લાંબો રહ્યા બાદ વરસાદે થોડા દિવસ પોરો ખાધો હતો, જેથી ખેડૂતોને વાવણી સહિતનો ખર્ચ નીકળે તેવી આશા હતી પરંતુ છેલ્લા બે દિવસથી ફરી વરસાદ શરૂ થતાં તે આશા પણ ઠગારી નીવડે તેવી દહેશત ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. બીજા રાઉન્ડના વરસાદથી વાડી, ખેતરો સુકાયા નથી તેવામાં ત્રીજા રાઉન્ડ સાથે મેઘરાજા લીલા દુષ્કાળ ભણી આગળ ધપી રહ્યા છે.

મેઘરાજાએ એન્ટ્રી મારતા પ્રથમ વીજપુરવઠો ખોરવાયો
મુન્દ્રામાં ઢળતી સાંજે ધૂમધડાકા અને ભયાવહ વીજળી સાથે ધોધમાર વરસાદ ખાબકતા ચોમેર પાણીના ધુરિયા વહી નીકળ્યા હતા અને મામલતદાર કચેરીએ ચાલીસ મિનિટમાં 93 મી.મી. વરસાદ નોંધાયો હતો. સમગ્ર દિવસ દરમ્યાન વાદળછાયા વાતાવરણ બાદ સાંજે 6.30ના સમયગાળા દરમ્યાન ભારે ગાજવીજ સાથે મેઘરાજાએ એન્ટ્રી મારતા પ્રથમ વીજપુરવઠો ખોરવાયો હતો. ત્યારબાદ ભેંકાર શાંતી વચ્ચે ગગન ગડગડાટ અને વીજળીના ચમકારા જારી રહેતા નગરમાં ભયનું મોજું ફેલાયું હતું.નગરના નીચાણવાળા વિસ્તારો હસનપીર બજાર, નદીવાળું નાકુ, ઓસવાળ શેરી, ડો બાબાસાહેબ આંબેડકર નગર, ખારવા ફળિયું વગેરેમાં વહી નીકળેલા પાણીએ ઘરોના ઉંબરે દસ્તક દીધી હતી. જ્યારે ઝંડાચોક આદર્શ ટાવર, જૂના બંદર રોડ પર પાણીનો ભરપૂર કેડ સમો ભરાવો થતા અનેક દ્વિચક્રી વાહનો અટવાયા હતા.

કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો
જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સમાઘોઘા, ભુજપુર, ઝરપરા, દેશલપર, પ્રાગપર, કપાયા, બરાયા, બોચા, બાબિયા, બેરાજા, વડાલા, લુણી, શેખડિયા, ભદ્રેશ્વરમાં પણ ભારે ગાજવીજ સાથે કલાકમાં સરેરાશ બેથી ત્રણ ઇંચ પાણી પડ્યું હોવાના અહેવાલ સાંપડ્યા હતા. પંથકમાં ભારે વરસાદને પગલે મોડી સાંજે કોઈ નુકસાની કે, વીજ પ્રપાતના બનાવ અંગે નાયબ મામલતદાર યશોધર જોશીનો સંપર્ક સાધતા તેમણે હજી સુધી સદભાગ્યે આવો કોઈ બનાવ સામે આવ્યો ન હોવાનું જણાવ્યું હતું. ભચાઉ તાલુકામાં દિવસભરના બફારા બાદ વીજળીના ચમકારા સાથે કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. એકથી દોઢ ઇંચ પડી જતા ખરીફ પાકને સંપૂર્ણ નુકસાન થયું હતું. કપાસ વાવેતરના સમયથી શરૂ થયેલા વરસાદના કારણે ખેડુતોએ ચાર-ચાર વખત બિયારણ વાવવા છતા ઉપરાપરી વરસાદ પડતાં ફરીથી કપાસિયા બિયારણ ચોટી ગયા હોવાનું માણાબા સરપંચ અકબરભાઇ હાજી અલ્લારખાભાઇ રાઉમાએ જણાવ્યું હતું. તાલુકાના શિકારપુર, જંગી, સામખિયાળી, લલિયાણા, વાંઢિયા સહિતના ગામોમાં ઝાપટાંથી લઇને એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.

ફરી પડેલા વરસાદથી પાણી ભરાઇ ગયા
અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા સહિત તાલુકાના ગામોમાં રવિવારે બપોર બાદ મેઘરાજાની ડરામણી પધરામણી થઇ હતી. તાલુકાના નલિયા ઉપરાંત, કોઠારા, ડુમરા, જખૌ, તેરા, વાંકુ, લાખણિયા, બારા સહિતના ગામોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધીમી ધારે વરસાદ વરસવો શરૂ થયો હતો, જેથી અગાઉના વરસાદથી ખેતર, વાડીઓ સુકાઇ નથી તેવામાં ફરી પડેલા વરસાદથી પાણી ભરાઇ ગયા હતા. તો વળી નલિયા, ડુમરાની બજારોમાંથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા. તાલુકાના વાંકુમાં આકાશી વીજળીએ નંદીનો ભોગ લીધો હતો.

અબડાસા તાલુકાની હદ પૂર્ણ થયા બાદ નખત્રાણા તાલુકાના ઉગેડી સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટું વરસી ગયું હતું. માંડવીમાં એક ઇંચ તો તાલુકાના બિદડા, નાની ખાખર, ભોજાય સહિતના ગામોમાં ઝાપટાં રૂપે મેઘરાજાએ હાજરી નોંધાવી હતી. તાલુકાના ગઢશીશામાં સાંજે 5.10થી 6 વાગ્યા સુધી અંદાજે અડધો ઇંચ પાણી પડી ગયું હતું. રાત્રે 8 વાગ્યા બાદ જિલ્લા મથક ભુજ સહિત આસપાસના ગામોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થતાં માર્ગો ભીના થયા હતા.

ભચાઉ તાલુકાના વાંઢિયામાં ઉભા પાકને 100 ટકા નુકસાન
ભચાઉ તાલુકાના વાંઢિયામાં રવિવારે જોરદાર વ૨સાદથી ખેડૂતો પાયમાલ બન્યા છે અને પાકને 100 ટકા નુકસાન થયું છે. ગત વર્ષનું પાક નુકસાનીનો વીમા હજુ ચુકવાયો નથી કે, સહાય પેટેની રકમ રૂ. 13,600 ચુકવાયા નથી. વરસાદથી જિલ્લાના મોટાભાગના ખેતરો, વાડીઓમાં પાણી ભરાઈ ગયા છે અને મોલ પણ સડી ગયા છે તેમ છતાં હજુ સુધી સરકાર તરફથી કોઈપણ સરવે કરવા આવ્યું ન હોવાનું વાંઢિયાના પૂર્વ સરપંચ અંબાલાલ જેરામ પટેલે જણાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post