• Home
  • News
  • રાજ્યમાં મેઘરાજાની ધબધબાટી:સુત્રાપાડા અને મેંદરડામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ, જસદણના કડુકામાં વીજળી પડતા યુવતીનું મોત
post

સુરતના લિંબાયત​​માં ​બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-18 18:37:15

​​​​ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. વહેલી સવારથી જ સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં બે કલાકમાં ચાર ઇંચ ખાબક્યો હતો. તો ગીર સોમનાથના સુત્રાપાડામાં છ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે જનજીવનને અસર પહોચી છે. કામકાજ અર્થે નીકળેલા લોકોને પણ ભારે વરસાદમાં ઓફિસ કે કામ ધંધે જવાની ફરજ પડી હતી. એક ધારો વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. તો બપોર પછી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. જ્યારે અમરેલીમાં ધોધમાર વરસાદ પડતાં રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે.

સોમનાથમાં મેઘરાજાની ધબધબાટી
આ તરફ ગીર સોમનાથમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. સુત્રાપાડામાં છ ઇંચ વરસાદ ખાબકતાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો કોડીનારમાં સવાપાંચ ઇંચ વરસાદ ખાબકતાં ખેતરો બેટમાં ફેરવાયાં છે અને રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. તો તાલાલા પંથકમાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસતાં આંબળાશ ગામની શેરીઓમાં નદીઓ વહેતી જોવા મળી રહી છે.

અમરેલી જિલામાં ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લામાં મેઘરાજા દરરોજ ધબધબાટી બોલાવે છે. ત્યારે આજે પણ બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અમરેલી શહેર, લાઠી શહેર, બાબરા, રાજુલા, ખાંભા અને ધારી સહિત મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ છે.

જસદણના કડુકા ગામમાં વીજળી પડતા એકનું મોત
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે કડુકા ગામમાં વીજળી પડવાના કારણે ખેતરમાં કામ કરી રહેલા પાયલ સંજયભાઈ બેરાણી નામની યુવતીનું મોત નિપજ્યું હતું. યુવતીના મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સુરતના સહારા દરવાજા પાસે પાણીમાં બસ ફસાઈ
સુરતના સહારા દરવાજા પાસે સરકારી બસ પાણી ભરાવાને કારણે બંધ થઈ ગઈ હતી. સુરત એસટી ડેપો તરફથી નીકળેલી બસ અધવચ્ચે જ બંધ થઈ જતાં બસમાં સવાર યાત્રીઓ ફસાઈ ગયા હતા. યાત્રીઓના શ્વાસ અધ્ધર થઈ જતાં તેમને બારીમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી.

 

સ્મિમેરના હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાણીનું ભારે લીકેજ
સુરતની સ્મિમેરના હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાણીનું ભારે લીકેજ થતાં સીટી સ્કેન અને એક્સરે તેમજ લોન્ડ્રી સહિતના ડિપાર્ટમેન્ટમાં પાણી ભરાયાં છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં વરસાદી પાણીનું લીકેજ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યું છે. ગ્રાન્ટ રોડ પર કેટલાક ડિપાર્ટમેન્ટમાં પાણી લીકેજને કારણે દર્દીઓની મુશ્કેલીમાં વધારો થતો દેખાયો છે. લીકેજનાં દૃશ્યો સામે આવતાં આશ્ચર્ય ફેલાયું છે. સીટી સ્કેન અને લોન્ડ્રી વિભાગ તરફ પાણી ફરી વળ્યું હતું.

સુરતના લિંબાયત​​માં ​બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો
સુરત શહેરના લિંબાયતમાં માત્ર 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. એને લઇને ચારેતરફ પાણી પાણી થઈ ગયું છે. લિંબાયત ઝોનમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. તો આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને તાલાલાના ગ્રામ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.

સુરતમાં ચારેતરફ પાણી જ પાણી
સુરતમાં વહેલી સવારથી ભારે વરસાદને કારણે ઉધના દરવાજા, લિંબાયત, અડાજણ, સિવિલ પાસે, મીઠીખાડી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાનાં દૃશ્યો સામે આવ્યાં હતાં. ઉધના દરવાજા પાસે મેઈન રોડ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. લોકોનાં વાહનો પણ ભરાયેલા પાણીમાં બંધ પડતાં નજરે ચડ્યાં હતાં. તો બીજી તરફ લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં પણ ગોઠણ સમા પાણી ભરાઈ ગયાં હતાં. અહી બાળકો જાણે તળાવમાં નાહતાં હોય તેવાં દૃશ્યો સામે આવ્યાં હતાં. તો બારડોલીનગરના પ્રવેશદ્વાર પાસે આવેલા ગરનાળામાં પાણી ભરાઈ જતાં એક કાર ફસાઈ ગઈ હતી. આજુબાજુ વિસ્તારના સ્થાનિકોએ કારને ધક્કો મારી બહાર કાઢી હતી.

મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ
મહીસાગર જિલ્લામાં પણ આજે મંગળવારે વહેલી સવારથી આકાશમાં વાદળો ઘેરાયેલાં જોવા મળી રહ્યાં હતાં. ત્યારે બપોર બાદ એકાએક જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાંથી ઘૂંટણ સમા પાણી વહેવા લાગ્યાં હતાં. શહેરના માંડવીબજાર, હુસૈનીચોક, દરકોલી દરવાજા, હાટડિયા બજાર સહિતના જે વિસ્તારો છે એમાંથી ઘૂંટણ સમા પાણી વહેવા લાગ્યું હતું. બીજી તરફ, ધોધમાર વરસાદ વરસવાના કારણે ગરમીથી પણ લોકોને રાહત મળી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post