• Home
  • News
  • મેઘરાજા મન મુકીને વરસ્યા:નડિયાદમાં માત્ર 3 કલાકમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ ખાબક્યો, તમામ અંડર બ્રિજ પાણીથી છલોછલ, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા
post

ઠેરઠેર પાણી ભરાઈ જવાના કારણે નડિયાદ પાલિકાનું પ્રી મોનસુન પ્લાન કાગળ પર જ જોવા મળ્યું તેવો ચિતાર જોવા મળ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-26 17:14:08

નડિયાદ: ખેડા જિલ્લામાં આજે મેઘરાજા મનમુકીને વરસ્યા છે. નડિયાદ સહિત સમગ્ર પંથકમાં સારો વરસાદ પડ્યો છે. સાર્વત્રિક વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા જેથી લોકોને હાલાકી પણ પડી હતી. નડિયાદમાં પડેલા વરસાદને લઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત રેલવેના ચારેય અંડરબ્રીજ પાણીથી છલોછલ થઇ ગયા હતા. જેના કારણે નડિયાદ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. ઠેરઠેર પાણી ભરાઈ જવાના કારણે નડિયાદ પાલિકાનું પ્રી મોનસુન પ્લાન કાગળ પર જ જોવા મળ્યું તેવો ચિતાર જોવા મળ્યો હતો. વરસાદની રાહ જોતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો હતો.

વરસાદને લઈ ડાંગર માટે નાખેલા ધરૂવાડીયા હવે ખીલશે તેવું ખેડૂતો કહી રહ્યા છે. નડિયાદ જિલ્લામાં આજે સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. હવે ચોમાસું જમ્યું છે નડિયાદની વાત કરીએ તો આજે સવારથી બપોરે બે વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડા જોતા 99 મીમી એટલે કે ચાર ઇંચ વરસાદ પડ્યો છે જેને લઇ નડિયાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી થઈ ગયું છે. સરદાર ભવન પાસે, ગાજીપુર વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી.

તો ઘણા વાહનોના સાઇલેન્સરમાં પાણી ભરાઈ જતા વાહનો પાણીમાં ફસાયા હતા તો વળી નડિયાદના ચારે ચાર ગળનાળાઓ પાણીથી છલોછલ થઈ ગયા હતા એટલે કે નડિયાદ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું હજુ પણ નડિયાદના ગરનાળામાં પાણી યથાવત છે. નડિયાદ નગરપાલિકાના પ્રિ મોનસુન પ્લાનની એસી તેસી માત્ર ચાર ઇંચ વરસાદમાં થઈ ગઈ છે. નડિયાદમાં માત્ર ચાર ઇંચ વરસાદને લઈ પ્રજા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. સરદાર ભવનમાંથી નીકળવાના ગેટ આગળ પાણી ભરાઈ જતા ભારે મુશ્કેલીનો માહોલ સર્જાયો હતો.

નડિયાદ ઉપરાંત મહેમદાવાદમાં પણ ચાર ઇંચ કરતાં વધુ વરસાદ આજે ખાબકી ગયો હતો. જેને લઇ ત્યાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના બાદ કરતા તમામ તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

ખેડા જિલ્લાના ફ્લડ કંટ્રોલમાંથી મળતી માહિતી મુજબ સવારે 10થી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડા જોઈએ તો નડિયાદમાં 99 મિમી, ઠાસરામાં 8 મિમી મહેમદાવાદમાં 98 મિમી, કઠલાલમાં 5 મિમી, ખેડામાં 33 મિમી, ગળતેશ્વરમાં 40મિમી, મહુધામા 51 મિમી, માતરમા ચાર અને વસોમાં 30 મિમી વરસાદ પડ્યો હતો. ખેડા જિલ્લામાં આજે સવારે વરસાદની ધમાકેદાર એન્ટ્રીને લઈને જગતનો તાત ખુશ થઈ ગયો છે, હવે ખેડૂતો ચોમાસુ પાકની આશા સેવી રહ્યા છે ડાંગરના ધરવાળીયા આ વરસાદમાં ફુલશે ફાલસે જેથી રોપણીમાં મજા આવશે તેવું ખેડૂતો કહી રહ્યા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post