• Home
  • News
  • જૂનાગઢમાં મેઘતાંડવથી તબાહી, જનજીવન અસ્તવ્યસ્ત:જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, દામોદરકુંડમાં પૂર આવ્યું, સોનરખ નદી ગાંડીતૂર બની, માંગરોળમાં તારાજી સર્જાઈ
post

માંગરોળ, કેશોદ અને માળિયા હાટીનામાં જળબંબાકાર

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-19 18:36:18

જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવ થતાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શહેર તેમજ તાલુકાઓમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માંગરોળમાં સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 12 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નદી-નાળાંમાં પૂર આવ્યું છે, તો કેશોદમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. કેટલાંક ગામમાં રહેણાક મકાનોમાં પાણી ઘૂસી ગયું હતું. ઘરોમાં પાણી ઘૂસતાં અનાજ, ઘરવખરી, માલઢોર, વાહનો પાણીમાં ગરકાવ થઇ ગયાં છે. જિલ્લાના કેટલાક હાઈવે બંધ થયા છે તેમજ અનેક લોકો ફસાયા છે. એમ્બ્યુલન્સ-રેસ્કયૂ ટીમને પણ પહોંવું મુશ્કેલ બન્યું છે.

રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહ્યું
જૂનાગઢ શહેરના મધુરમ, ટીંબાવાડી, કાળવા ચોક, આઝાદ ચોક મજેવડી ગેટ, સાબલપુર ચોકડી, દોલતપરા સહિત વિસ્તારોના રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહી રહ્યું છે. ગિરનારમાં સવારથી જ ભારે વરસાદ પડવાના કારણે વિલિંગ્ડન ડેમ, નદી-નાળાં, ઝરણાં છલકાયાં છે. ગિરનાર અને દાતાર પર ધોધમાર વરસાદના કારણે ગિરનાર પર્વત પરથી ઝરણાં વહેતાં થયાં છે. સોનરખ નદી પણ વહેતી થઈ છે તેમજ દામોદર કુંડમાં નવા નીર આવ્યા છે. ગિરનારની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે.

માંગરોળના હુસેનાબાદ પાસે રસ્તામાં ગાબડું પડ્યું
જૂનાગઢના બાટવા ખારો ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. જેથી નિચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. સમેગા, કોડવાવ, ભલગામ, એકલેરા ગામને એલર્ટ કરાયા છે. બાટવા ખારા ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યાં છે. માંગરોળના હુસેનાબાદ પાસે રસ્તામાં ગાબડું પડ્યું હતું. ભારે વરસાદને કારણે રસ્તો ધોવાયો હતો. જેથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. રસ્તામાં મોટી તિરાડો પડી હતી.

જૂનાગઢની કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તેમજ ગીરિકુંજ સોસાયટીમાં પાણી સાથે મગર તણાય આવ્યો હતો. જેથી રહેવાસીઓમાં ભય જોવા મળી રહ્યો છે. ડેમનું પાણી ઓવેરફ્લો થતાં મગર તણાઈ આવ્યો હતો. જોકે, મગર પાણીમાં પરત ફરતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી.

જિલ્લાના 44 રસ્તા બંધ થયા, માંગરોળમાં SDRFની ટીમ તૈનાત
જૂનાગઢમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે ડિઝાસ્ટર સજ્જ બન્યું છે. જિલ્લાનાં ત્રણ તાલુકા સૌથી વધુ પ્રભાવિત થયા છે. જિલ્લાના 44 રસ્તા બંધ થયા છે. માંગરોળમાં એક SDRF ની ટીમ તૈનાત રાખવામાં આવી છે. એક NDRFની ટીમને રાજકોટથી રવાના કરાય છે, તેને માંગરોળ મોકલવામાં આવશે. હાલ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રએ તમામ તૈયારી કરી છે. જે રસ્તા બંધ થયા છે તે પાણી ઓસર્યા બાદ રાબેતા મુજબ ચાલુ થશે. માંગરોળ આજે 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત માળીયાહાટીનામાં 9 ઇંચ અને કેશોદમાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો.

માંગરોળ, કેશોદ અને માળિયા હાટીનામાં જળબંબાકાર
તાલુકાઓની જો વાત કરવામાં આવે તો માંગરોળ, કેશોદ અને માળિયા હાટીનામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. માંગરોળમાં ચાર કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં વિકટ પરિસ્થિતિ ઉદભવી છે. માંગરોળ, કેશોદ વેરાવળ રોડ પર પાણી ફરી વળ્યાં છે. વરસાદના લીધે ખેતરો બેટમાં ફેરવાયાં હોય એવું જોવા મળી રહ્યું છે. નદી-નાળાં છલકાયાં છે. વરસાદને કારણે માંગરોળ રોડ બંધ થયો હતો. ત્યારે પ્રસૂતિ માટે એક મહિલાને વેરાવળ-ગડું રોડ ઉપર એમ્બ્યુલન્સ મારફત લઈ જવાની ફરજ પડી હતી. આ મહિલાને વધુ સારવાર માટે કેશોદ ખસેડવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post