• Home
  • News
  • મચ્છુને ખાઈ રહ્યા છે ખનન માફિયા:રાજકોટના રફાળા પાસે ખનન માફિયાઓએ કરોડોની રેતી સટ્ટો કરી વેચી નાખી, 1 કરોડની કિંમતનો 400 ટ્રક માલ ઉસેડે તે પહેલા પર્દાફાશ, ફરિયાદ નોંધાઈ
post

રાજકોટથી 48 કિ.મી. દૂર શનિવારે મધરાતથી સવારે 6 સુધી રફાળામાં વહીવટી તંત્રનું ઓપરેશન

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-07 11:55:50

રાજકોટથી 48 કિ.મી. દૂર આવેલા રફાળા ગામની સીમમાં મચ્છુ નદીમાં લોકડાઉન સાથે જ રાતના અંધકારમાં રેતી ચોરો બેફામ બન્યા હતા. છેલ્લા 23 દિવસથી રજે રજની વિગત અને સમગ્ર નેટવર્ક પર ઈન્વેસ્ટિગેશન કરી રહ્યું હતું શનિવારની મધરાતે 12 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી ચાલેલા આ ઓપરેશન થકી ગેરકાયદે ખનન વૃત્તિ પરથી પડદો ઊંચકી દીધો છે સાથો સાથ પૂરું નેટવર્ક કઈ રીતે ચાલે છે તેનો પર્દાફાશ પણ કર્યો છે. સ્થળ પરથી 400 ટ્રક ભરાય તેટલી રેતીનો જથ્થો મળ્યો છે. જ્યારે બે ટ્રક, એક કાર અને એક લોડર સહિતના વાહનોએ નાસી જવાનો પ્રયત્ન કર્યો પણ રસ્તામાં જ વાહનો અને 6 શખ્સને પકડી લેવાયા છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાતમીને આધારે કરી કાર્યવાહી
રફાળામાં મોડી રાત્રે રેતી ચોરી શરૂ થઈ હોવાની બાતમી મળતા ભાસ્કરની ટીમ સક્રિય થઈ હતી અને કલેક્ટરને જાણ કરાતા તેઓએ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના સ્ટાફને ઓપરેશનની જવાબદારી સોંપી હતી. પ્રાંત અધિકારી ઉપરાંત નાયબ મામલતદાર મહેન્દ્રસિંહ જાડેજા, રેવન્યુ તલાટી પવન પટેલ અને ધીરેન્દ્ર પુરોહિત તેમજ જયુભા અને રાહુલભાઈ સહિતનો સ્ટાફ રાત્રે 1 વાગ્યે જામનગર રોડથી બે કાર સાથે નીકળ્યા. કુવાડવા પહોંચતા પહેલા જ બે કોન્સ્ટેબલને સાથે લીધા હતા ઓપરેશનની ગુપ્તતા જળવાય તે માટે તેમને માહિતી અપાઈ ન હતી. ટીમ કુવાડવા પહોંચી ત્યાં જ એક ખાલી ટ્રક રફાળા તરફ જતો દેખાયો હતો જેથી હજુ પણ વાહનો હોવાની પુષ્ટિ થઈ હતી.

આરોપીઓએ ધાકધમકી આપી
મઘરવાડા ગામ પાસે પહોંચતા જ એક નંબર વગરની કાળા કાચવાળી સફેદ કાર સામેથી આવી હતી. તે કારને ઊભા રાખવા જતા ચાલકે હંકારી મૂકી હતી. ટીમ બે કારમાં હતી અને બીજી કાર થોડા અંતર પર હોવાથી તે કારમાં બેઠેલા મામલતદાર મહેન્દ્રસિંહ જાડેજાએ કાર આડી રખાવી રસ્તો બ્લોક કરી દીધો હતો જેથી શંકાસ્પદ કાર અટવાઈ હતી અને તેમને મઘરવાડા તરફ લઈ જવાયા હતા. આ શખ્સો પૈકી કોન્સ્ટેબલ મનીષ ચાવડાનો ભાઈ ભાવેશ ચાવડા, દેવલ માલા અને ભાવેશ માલા સહિત 4 શખ્સ સવાર હતા. મઘરવાડા ગામમાંથી રેતીની એક ટ્રક જતી હતી રોકી તેમાંથી ડ્રાઈવરને ઉતારી લીધો અને પાંચેયને એક જગ્યાએ ભેગા કર્યા જ્યાં ભાવેશ અને દેવલે લુખ્ખાગીરી આચરવાની શરૂઆત કરી ધાકધમકીઓ આપી હતી. જો કે પ્રાંત અધિકારીએ પરચો બતાવતા ત્રણેયની શાન ઠેકાણે આવી હતી જ્યારે ભાવેશ તો ભાગી જ ગયો હતો. મઘરવાડાથી આગળ વધુ એક ટ્રક મળી હતી જેના ડ્રાઈવરને પકડી ચાવી અને મોબાઈલ કબજે કર્યા હતા. તેને ગલ્લાં તલ્લાં કર્યા પણ આગળ જ તાજો ખાલી કરાયેલો રેતીનો ઢગલો ચાડી ખાઈ ગયો હતો. ડ્રાઈવરનો ફોન જોતા સ્પષ્ટ થયું કે, ભાવેશ અને દેવલે બધાને ફોન કરી એલર્ટ કરી દીધા હતા.

રેતીના 10 ફૂટ ઊંચા ઢગલા મળ્યાં
સીમમાં જવાનો એક જ રસ્તો હતો તેથી લોડર પણ ત્યાં ફસાઈ ગયું અને ડ્રાઈવર ભાગી ગયો હતો. જંગલ જેવા રસ્તામાંથી પસાર થઈ લોકેશન પર પહોંચતા બે વીઘા જેટલી સરકારી ખરાબા જગ્યામાં રેતીના 10-10 ફૂટ ઊંચા ઢગલા હતા અને આશરે 400 ટ્રક ભરાય તેટલો જથ્થો પડ્યો હતો. પ્રાંત અધિકારીએ ખાણખનીજ વિભાગના અધિકારીને ફોન કરી સ્થળ પર બોલાવ્યા હતા પણ આ બીકણ અધિકારીઓ આખી રાત ત્યાં ફરક્યા જ ન હતા. આ દરમિયાન કુવાડવા પોલીસ સ્ટેશન પી.આઈ. એમ.સી. વાળા પહોંચ્યા હતા અને બે ટ્રક, એક કાર, એક લોડર તેમજ બે ડ્રાઈવર અને ત્રણ શખ્સને પોલીસ સ્ટેશન લઈ જઈ ગુનો નોંધવા તજવીજ શરૂ કરી હતી.

સટ્ટો શું હોય છે અને કઈ રીતે ઓપરેશન પડાયું પાર?
રફાળા ગામની સીમમાં રેતી ચોરી થતી હોવાની માહિતી મળતા  ટીમે તપાસ શરૂ કરી હતી સ્થળ પર જતા રેતીના 10-10 ફૂટના ઢગલા કરી સટ્ટો કર્યાનું જોવા મળ્યું હતું અને સમયાંતરે તેમાંથી કેટલાક શખ્સો ટ્રક ભરી માલ લઈ જતા હતા. નદીમાંથી રેતી ભરીને વેચાણ કરી દેવામાં આવે તેનો ભાવ ઓછો મળતો હોય છે, પરંતુ રેતી કાઢી કાંઠાના વિસ્તારમાં એકઠી કરી ત્યારબાદ વેચવામાં આવે તેને સટ્ટો કહેવામાં આવે છે અને તેનો ભાવ વધુ હોય છે રફાળાની મચ્છુ નદીમાંથી લોકડાઉન સમયે રેતી કાઢીને સટ્ટો કરી રખાયો હતો, પરંતુ દરેક ધંધા બંધ થઈ જતા ખનન માફિયાઓએ માલ ઉપાડવાનું બંધ કર્યું હતું પરિસ્થિતિ રાબેતા મુજબ થતા ફરી સટ્ટાથી વેચવાનું શરૂ કર્યું હતું. 23 દિવસ સુધી ભાસ્કરની ટીમે સતત વોચ રાખી હતી. એ પણ જાણવા મળ્યું કે, આ ખનીજચોરીમાં પોલીસ કોન્સ્ટેબલ મનીષ ચાવડા અને દિલીપ બોરીચા સામેલ છે તેમના પરિવારજનો રેકેટ ચલાવતા હતા. 5 સપ્ટેમ્બરની રાત્રે 12 વાગ્યે રેતીચોરો નીકળ્યા હોવાની બાતમી મળતા તુરંત જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને જાણ કરતા તેમણે પ્રાંત અધિકારી શહેર-2 ચરણસિંહ ગોહિલ અને તેમની ટીમને મોકલી હતી અને કરોડો રૂપિયાના વાહનો તેમજ સટ્ટો કરાયેલી રેતી જપ્ત કરી હતી.

ઓપરેશન દરમિયાન રેતીચોરો સાથે થયેલા મુખ્ય સંવાદ
ભાવેશ : અમને શું કામ રોક્યા છે, જવા દો ચાલો
ટીમ : રેતી ચોરીની શંકા છે એટલે પૂછપરછ કરવી છે
ભાવેશ : એમ પૂછપરછ ન થાય, પછી આવજો
દેવલ : એ ભાઈ હું ધારાસભ્ય મારા ભાઈ છે ચલ જવા દે
ટીમ : ફોન કરો એ ધારાસભ્યને
ભાવેશ : નહીં થાય અમે પણ અહીંથી જશું થાઈ એ કરી લ્યો
પ્રાંત અધિકારી : હું આ વિસ્તારનો એસડીએમ છું હવે એક પણ શબ્દ વધારે નહીં બોલતા જે પૂછાય છે તેનો સીધો જવાબ આપો

23 દિવસ સુધી ટીમે સતત વોચ રાખી હતી
ટીમે સતત 23 દિવસ સુધી વોચ રાખી હતી. એ પણ જાણવા મળ્યું કે, આ ખનીજચોરીમાં પોલીસ કોન્સ્ટેબલ મનીષ ચાવડા અને દિલીપ બોરીચા સામેલ છે તેમના પરિવારજનો રેકેટ ચલાવતા હતા. 5 સપ્ટેમ્બરની રાત્રે 12 વાગ્યે રેતીચોરો નીકળ્યા હોવાની બાતમી મળતા તુરંત જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને જાણ કરતા તેમણે પ્રાંત અધિકારી શહેર-2 ચરણસિંહ ગોહિલ અને તેમની ટીમને મોકલી હતી અને કરોડો રૂપિયાના વાહનો તેમજ સટ્ટો કરાયેલી રેતી જપ્ત કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post