• Home
  • News
  • તુર્કી-સીરિયાની સ્થિતિ જોઈ મોદી ભાવુક થયા:ભુજમાં આવેલાં ભૂકંપને યાદ કરીને કહ્યું- જાણું છું તેઓ કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હશે; બંને દેશોમાં અત્યાર સુધી 5000 મોત
post

તુર્કી અને સિરિયામાં સોમવારે આવેલા ભૂકંપે તબાહી મચાવી છે. બંને દેશોમાં હજારો ઈમારતો ધરાશાયી થઈ, જેના કાટમાળ નીચે મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-07 18:05:19

અંકારા: તુર્કી અને સિરિયામાં મંગળવારે ફરી ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ગઈકાલે આવેલા વિનાશક ભૂકંપના 3 મોટા આંચકા બાદ બંને દેશોના અનેક શહેરોમાં વિનાશ વેરાયો હતો. 24 કલાક બાદ પણ અહીં કાટમાળમાં દટાયેલા મૃતદેહો મળવાનું ચાલુ જ છે. ધરાશાયી થઈ ગયેલી મોટી મોટી ઈમારતોના અનેક ટન કાટમાળની નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાનું ચાલુ છે. બાળકો, વૃદ્ધો, મહિલાઓ જે લોકો પણ મળી રહ્યા છે, તેમની હાલત જોઈને રેસ્ક્યુ ટીમના સભ્યોના હાથ પણ ધ્રૂજી રહ્યા છે. જો કોઈ જીવતું હોવાના સમાચાર મળે છે તો તરત જ તેને બચાવવા માટે ઝડપી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તુર્કીની સ્થિતિ જોઈને ચિંતા વ્યક્ત કરી છે. મોદી આજે ભાજપા સંસદની બેઠકમાં પહોંચ્યા હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદીએ કહ્યું- આજે તુર્કી જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, તેને હું સમજી શકું છું. 2001માં ભુજમાં જ્યારે ભૂકંપ આવ્યો હતો, ત્યારે હું મુખ્યમંત્રી હતો. મને ખ્યાલ છે કે રેસ્ક્યૂ ઓપરેશનમાં કેવી મુશ્કેલીઓ આવે છે. ભુજમાં આવેલાં ભૂકંપમાં 16 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઘાયલોનો આંકડો 68 હજારથી વધારે હતો.

તુર્કીના સાનલિઉર્ફા શહેરમાં એક મહિલાને 22 કલાક બાદ જીવતી કાઢવામાં આવી છે. રેસ્ક્યુ ટીમને આ મહિલા બેભાન હાલતમાં મળી આવી હતી. આ તરફ સિરિયાના અલેપ્પોમાં પણ લોકોને ઈમારતોની છત કાપીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બંને દેશોનાં અનેક શહેરોમાં લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યાં છે. ભૂકંપથી અત્યાર સુધીમાં 5000 લોકોના મોત થયા છે

મધ્ય પૂર્વના ચાર દેશો તુર્કી, સિરિયા, લેબેનોન અને ઈઝરાયલ સોમવારે સવારે ભૂકંપથી હચમચી ગયા હતા. અહીં 12 કલાકમાં મોટા ભૂકંપ આવ્યા હતા. સૌથી વધુ તબાહીમાં થઇ છે. એપી સેન્ટર તુર્કી અને તેની નજીકના સિરિયાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. તુર્કીનું હવે નવું નામ તુર્કિયે કરવામાં આવ્યું છે.

ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર- તુર્કી અને સિરિયામાં અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોનાં મોત થયાં છે. લેબનોન અને ઈઝરાયલમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, પરંતુ અહીં કોઈ નુકસાન થયું નથી. તુર્કીમાં અત્યાર સુધીમાં 2921 લોકોએ જીવ ગુમાવ્યા છે. 15 હજારથી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. જ્યારે, સિરિયામાં 1444 લોકો માર્યા ગયા અને 2 હજારથી વધુ ઘાયલ થયા છે.

તુર્કીના મીડિયા અનુસાર- 3 મોટા આંચકા આવ્યા. તુર્કીના સમય મુજબ પહેલો, સવારે લગભગ 4 વાગ્યે (7.8) અને બીજો લગભગ 10 વાગ્યે (7.6) અને ત્રીજો બપોરે 3 વાગ્યે (6.0). આ સિવાય 78 આફ્ટરશોક્સ નોંધાયા હતા. તેમની તીવ્રતા 4 થી 5 હતી.

 

ભૂકંપનું કેન્દ્ર તુર્કી શહેર ગાઝિયાંટેપ હતું.
ભૂકંપનું કેન્દ્ર તુર્કીનું ગાઝિયાંટેપ શહેર હતું. તે સિરિયા બોર્ડરથી 90 કિમી દૂર છે. તેથી જ તેની આસપાસના વિસ્તારોમાં વધુ વિનાશ જોવા મળ્યો હતો. દમિસ્ક, અલેપ્પો, હમા, લતાકિયા સહિત અનેક શહેરોમાં ઇમારતો ધરાશાયી થવાના અહેવાલ છે. જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તુર્કીમાં આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મોદીએ કહ્યું કે 140 કરોડ ભારતીયોની લાગણી તુર્કીની સાથે છે. ભારત સરકાર તુર્કીને મદદ માટે રાહત સામગ્રી સાથે NDRFની ટીમો અને બચાવ ટીમો અને મેડિકલ ટીમો મોકલી રહ્યું છે.

ભૂકંપ સંબંધિત અન્ય અપડેટ્સ...

·         યુરોપિયન યુનિયનની સાથે ભારત તુર્કીને પણ મદદ મોકલશે. ભારત સરકારે કહ્યું- વિશેષ રીતે પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ અને જરૂરી સાધનો સાથે 100 કર્મચારીઓની એનડીઆરએફની 2 ટીમો ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં જવા માટે તૈયાર છે.

·         ઈઝરાયલ, અઝરબૈજાન, રોમાનિયા, નેધરલેન્ડ પણ બચાવ માટે ટીમો મોકલી રહ્યા છે.

·         તુર્કીમાં ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં રક્તદાન કેમ્પો લગાવવામાં આવ્યા છે.

·         રશિયાએ પણ તુર્કી અને સિરિયાને મદદ મોકલવાની જાહેરાત કરી છે. પુતિન હાલમાં 100 બચાવ કર્મચારીઓ સાથે બે ઇલ્યુશિન-76 એરક્રાફ્ટ મોકલવાની તૈયારી કરી રહ્યા છે.

·         અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન પણ મદદ મોકલવા તૈયાર છે.

આ શહેરોમાં સૌથી વધુ વિનાશ
અંકારા, ગાઝિયાંટેપ, કહરામનમારસ, ડિયર્બકીર, માલત્યા, નુરદાગી સહિત 10 શહેરોમાં ભારે વિનાશ થયો છે. અહીં 1,710થી વધુ ઈમારતો ધરાશાયી થયાના સમાચાર છે. ઘણા લોકો કાટમાળ નીચે દટાયા છે. લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. અનેક વિસ્તારોમાં ઈમર્જન્સી લાદવામાં આવી છે.

શાળા-કોલેજો એક સપ્તાહ સુધી બંધ રહેશે
તુર્કીના ઉપરાષ્ટ્રપતિ ફુઆત ઓક્ટેના કાર્યાલય દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. કહ્યું- દેશનાં 10 શહેરોમાં ઈમર્જન્સી અને રેડ એલર્ટ ચાલુ રહેશે. તમામ શાળા-કોલેજો એક સપ્તાહ માટે બંધ રહેશે. હાલમાં 200 ફ્લાઈટો રદ કરવામાં આવી છે. અમે સૈન્ય માટે એર કોરિડોર બનાવી રહ્યા છીએ. તેમાં માત્ર એરક્રાફ્ટ લેન્ડ અને ટેકઓફની મંજૂરી આપવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post