• Home
  • News
  • મોરબીની 17 વર્ષની સગીરાએ બાળકીને જન્મ આપ્યો:વકીલે પરિવારની મરજીથી પસંદગીના લોકોને દત્તક આપવા અરજી કરી; હાઇકોર્ટે ઇનકાર કરી કહ્યું- સરકારી પોલિસી પ્રમાણે જ કાર્યવાહી થશે
post

અરજી આવી હોય ત્યાં સરકારી અધિકારીઓ ચેકિંગ માટે જાય

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-15 17:13:59

ગુજરાત હાઇકોર્ટમાં મોરબીની 17 વર્ષની સગીરાની ગર્ભપાત માટેની અરજી એડવોકેટ સિકંદર સૈયદ મારફત કરવામાં આવી હતી, જેને છેલ્લે 8 મહિના જેટલો ગર્ભ હતો. આ સગીરાનો POCSO અને IPC 376 અંતર્ગત કેસ દાખલ કરેલો છે. એની ગર્ભપાત અંગેની સુનાવણી જજ સમીર દવેની કોર્ટમાં ચાલી હતી. કોર્ટના આદેશ પ્રમાણે, સગર્ભા સગીરાને ગર્ભપાતની મંજૂરી ન મળતાં તેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે પ્રસૂતિ થઈ હતી, જ્યાં 8 ઓગસ્ટે તેણે તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો.

કાયદા મુજબ ચાર મહિના સુધી માતા બાળકને રાખી શકે છે
એના બીજા દિવસે એડવોકેટે સગીરાની બાળકીને પસંદગીના લોકોને દત્તક આપવા કોર્ટનું ડિરેક્શન મગાયું હતું. ગર્ભપાતની સુનાવણી દરમિયાન પણ વકીલે સારા લોકો બાળક દત્તક લેવા તૈયાર છે, એમ વૈકલ્પિક વ્યવસ્થામાં જણાવ્યું હતું, કારણ કે બાળકને ફેમિલી રાખવા નથી માગતી. કાયદા મુજબ ચાર મહિના સુધી માતા બાળકને રાખી શકે છે. ત્યાં સુધી બાળકને રાખવું કે નહીં એનો નિર્ણય કરવાનો રહે છે. બાદમાં તે બાળક સરકારને આપી દેવું પડે છે.

અરજી આવી હોય ત્યાં સરકારી અધિકારીઓ ચેકિંગ માટે જાય
આ મુદ્દે કોર્ટમાં સરકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારમાં સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીનું લાઇવ પોર્ટલ હોય છે. બાળક દત્તકની પ્રક્રિયા માટે માતા-પિતાએ તેની પર એપ્લિકેશન આપવાની હોય છે તેમજ ડોક્યુમેન્ટ ઓનલાઈન જમા કરાવવાના રહે છે. જે જિલ્લામાંથી અરજી આવી હોય ત્યાં સરકારી અધિકારીઓ ચેકિંગ માટે જાય છે. ડોક્યુમેન્ટ ફિઝિકલ વેરિફાય કરીને ફરી પોર્ટલ પર અપલોડ કરે છે.

એડોપ્શન કમિટીની મિટિંગ બાદ બાળક દત્તક અપાય
ત્યાર બાદ બાળક દત્તક લેવા ઇચ્છતા લોકોના લિસ્ટ પ્રમાણે નંબર આવે ત્યારે બાળક દત્તક આપવાની કાર્યવાહી કરાય છે. સામાન્ય રીતે છોકરો, છોકરી, ભાઈ-બહેન, બે ભાઈ, બે બહેન એમ કેટેગરી પ્રમાણે દત્તક અપાય છે. કેટેગરી પ્રમાણે માતા-પિતાને મેસેજ જાય છે. દત્તક લેનાર પેરેન્ટ્સ બાળકનો મેડિકલ ફિટનેસ ટેસ્ટ કરાવી શકે છે. એડોપ્શન કમિટીની મિટિંગ બાદ બાળક દત્તક અપાય છે.

18 વર્ષ સુધીના બાળકને દત્તક આપવાની જોગવાઈ
કોર્ટે અરજદારના વકીલે કહ્યું હતું કે તમારી મરજી પ્રમાણે બાળક દત્તક ના અપાય. બાળક તમારે રાખવું કે કેમ એ ચાર મહિનામાં નક્કી કરો. સરકારી અધિકારીના કહ્યા પ્રમાણે જો બાળક સરકાર લઈ લે તો તેના 61મા દિવસથી બાળક પરત મળશે નહીં. કોર્ટે કહ્યું હતું કે તમે બાળકને રાખી શકો છો, જ્યારે દત્તક આપવાની ઈચ્છા થાય ત્યારે સરખી જ કાર્યવાહી ફોલો કરવી પડશે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે 18 વર્ષ સુધીના બાળકને દત્તક આપવાની જોગવાઈ છે.

adv

Related News

post
post
post
post
post
post
post