• Home
  • News
  • દારૂ-ડ્રગ્સ કરતાંય વધુ દર્દીને મોબાઈલનો નશોઃ 'વ્યસનમુક્તિ'માં ચોંકાવનારાં તથ્યો
post

કોરોના સમયે મોબાઈલનું વળગણ વધ્યાં પછી લોકો સારવાર તરફ વળ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-12 11:57:46

દારૂ, ડ્રગ્સ કે અન્ય નશાકારક પદાર્થો કરતાં પણ વધુ દર્દીઓને મોબાઈલનો નશો છે. વાત માન્યામાં ન આવે તેવી લાગે પણ વાસ્તવિક છે. અમદાવાદના છેવાડે આવેલા ભાટ ગામે આવેલી વ્યસનમુક્તિ માટેની કાનોરિયા હોસ્પિટલમાં મોબાઈલ ફોનનું વળગણ કે નશો છોડવા આવનારાંઓની સંખ્યા અન્ય કોઈ નશા કરતાં વધુ છે. કોરોના સમયે લોકોને મોબાઈલ ફોનનું વળગણ વધ્યું હતું અને હવે જનજીવન સામાન્ય બની રહ્યું છે ત્યારે આ વાતની ગંભીરતા સમજી લોકો સારવાર તરફ વળ્યાં છે. આ હોસ્પિટલમાં વર્ષ 2010માં એક હજાર દર્દીએ માંડ ત્રણ દર્દી મોબાઈલ એડિક્શનનાં હતાં. વર્ષ 2020થી 2022 દરમિયાન એટલો ઉછાળો આવ્યો કે, 1000 દર્દીએ મોબાઈલ એડિક્શનની સારવારના દર્દીઓની સંખ્યા 400 આસપાસ પહોંચી હતી. ચાલુ વર્ષે હજારે 500 દર્દીઓ મોબાઈલના નશાની પરેશર્થી સારવાર લઈ રહ્યાં છે. મોબાઈલ ફોન પછી 400 દર્દીઓ દારૃ છોડવા માટે આવનારાં અને 100 દર્દીઓ ચરસ, ગાંજો, અફીણ, દવા સુંઘવાની આદત અને ડ્રગ્સનો નશો છોડવા આવે છે.

મોબાઈલ ફોનનો નશો!

કોઈપણ નશાનું વળગણ દૂર કરવા માટે મનોબળ મજબૂત કરવાનું કામ કરતાં કાનોરિયા હોસ્પિટલના મનોચિકિત્સક અને વ્યસનમુક્તિ નિષ્ણાત ડો. સાજન વી. લિમ્બાચિયાનું કહેવું છે કે, મોબાઈલ ફોનનો નશો અત્યારે ચિંતાનું સૌથી મોટું કારણ છે. દરેક વ્યક્તિને મોબાઈલ ફોન વગર નહીં જ ચાલે તે માનસિકતાએ ગુલામ બનાવ્યાં છે. વાસ્તવિકતા એ છે કે, મોબાઈલ ફોનના સતત, નિરંકુશ  ઉપયોગની અસર મગજના સ્નાયુઓ ઉપર પડે છે. આ કારણે માણસ ડિપ્રેશન અને એન્ઝાયટીનો ભોગ બને છે. અનેક લોકો થાઈરોઈડ અને પિચ્યૂટરી ગ્રંથીને અસર પહોંચવાથી બિમારી અનુભવે છે. આવા વ્યક્તિઓ તેમના નિયમીત કામ અને જીંદગીમાં ખુશ રહી શકતાં નથી. મોબાઈલ ફોનના સતત ઉપયોગથી માનસિક ઉપરાંત શારીરિક બિમારીના કિસ્સા સતત વધી રહ્યાં છે. લોકોને ખભા, ગરદન, આંગળીના દુખાવાની સમસ્યાથી પણ પિડાય છે. મોબાઈલનું વળગણ હોય છે તેવા વ્યક્તિઓ મોટાભાગનો સમય યુ ટયૂબ શોટસ, ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ સહિતની સોશિયલ મીડિયા સાઈટ્સ ઉપર વિતાવે છે. લાઈક, ફોલો - અનફોલો સહિતની અનેક બાબતો માનસિક સ્વસ્થતાને અસર કરે છે.

મોબાઈલની પેલે પાર થવાની જરૂર 

સમાજને લાલબત્તી ધરતાં ડો. લિમ્બાચિયા કહે છે કે, આધુનિકતામાં જીવતાં યુવા માતા-પિતા ત્રણ માસથી લઈ 14 વર્ષ સુધીના બાળકને મોબાઈલ ફોન પકડાવી દે છે. બાળકોને ગમતાં કાર્ટૂન, વીડિયો ચાલુ કરી મુક્તિ મેળવાય છે. વાંચન અને ઈત્તર પ્રવૃત્તિની સમજ કેળવવાની હોય તેવા બાળકને મોબાઈલ ફોન પકડાવી માતા-પિતા આઝાદી મેળવી લે છે અને આ સમય પોતે મોબાઈલ ફોન ઉપર વાતચિત કે સોશિયલ મીડિયા ઉપર વિતાવતાં હોય છે. વર્તમાન યુગમાં સ્વજનો સાથે સરળ કનેક્ટિવિટી માટે મોબાઈલ ફોન જરૃરી છે પણ અનિવાર્ય તો નથી જ. આ સત્ય સમજવા 'મોબાઈલની પેલે પાર' થવું પડશે. આ માટે મોબાઈલથી મુક્તિના ઉપવાસ શરુ કરવા પડશે.

3 માસથી લઈ 14 વર્ષના બાળકને મોબાઈલ પકડાવી દેવાની વૃત્તિ વધુ ભયજનક

દિવસના 24 કલાકમાંથી આઠ કલાક આરામના, આઠ કલાક નોકરી કે કામ-ધંધાના અને આઠ કલાક પરિવાર, ઘર અને સમાજના. આવી એક વણલખાયેલી વ્યવસ્થા દરેક વ્યક્તિના જીવનમાં ગોઠવાયેલી છે. મનોચિકિત્સકોએ કરેલા અભ્યાસમાં એવા ચાંકાવનારાં તથ્યો પ્રકાશમાં આવ્યાં છે કે, આઠ કલાકની નોકરીમાંથી ઘણાંખરાં લોકો માંડ ત્રણથી પાંચ કલાક કામ કરે છે. ઘર, પરિવાર અને સમાજને આપવાના સમયમાંથી સાથે બેઠાં હોઈએ ત્યારે પણ સહુ કોઈનો ઘણોખરો સમય મોબાઈલ ફોન ઉપર વ્યતિત થાય છે. જ્યારે, આરામના આઠ કલાકમાંથી પચ્ચીસથી પચાસ ટકા સમય મોબાઈલ ખાઈ જાય છે. ખાસ કરીને ઊંઘતાં પહેલાં મોબાઈલ ફોનના ઉપયોગની ઘેરી અસર મગજને મળનારાં આરામ ઉપર પડે છે. મોબાઈલ ફોનથી લોકોની કાર્યક્ષમતા અને સહનશક્તિને અતિ ઘેરી અસર પહોંચી રહી હોવાથી જીંદગીનું બેલેન્સ તૂટે છે.

લોકો છ કલાક સ્ક્રીન ઉપર વિતાવે તે  દેશ માટે ચિંતાનો વિષય છેઃ વડાપ્રધાન મોદી

દેશ માટે સૌથી મોટી ચિંતાનો વિષયછે કે દરરોજ લોકો છ કલાક સ્ક્રીન ઉપર વિતાવે છે. આપણી આ ક્રિએટીવ ઉંમર અને ક્રિએટીવિટીનું સામર્થ્ય જો છ કલાક સ્ક્રીન ઉપર વિતશે તો એ બહુ ચિંતાનો વિષય છે.'' તાજેતરમાં એક કાર્યક્રમમાં આ વાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ કરીને ૪૦ વર્ષની વય સુધીના યુવા વર્ગમાં સ્ક્રીન એટલે કે મોબાઈલ ફોનનો ઉપયોગ વધી રહ્યો છે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મોબાઈલ ફોનના ઉપયોગ ઉપર અંકુશ નહીં મેળવાય તો ભારતનું ભાવિ ચિંતાજનક હશે તેવી વાત પણ વડાપ્રધાને કરી હતી.

વર્ચ્યુઅલ વર્લ્ડથી એકબીજા સાથે કનેક્ટિવિટી છતાં માણસ ભીડ વચ્ચે પણ એકલો-અટૂલો થતો જાય છે

સારવાર માટે આવતાં દર્દીઓના અભ્યાસ પરથી એવું તારણ નીકળ્યું છે કે, આજે લોકો વર્ચ્યૂઅલ વર્લ્ડથી એકબીજા સાથે કનેક્ટિવિટી ધરાવે છે અને એ જ કારણે ભીડ વચ્ચે પણ માણસ પોતે એકલો-અટૂલો હોય તેવું મહેસૂસ કરે છે. લોકો વચ્ચે હોય તો પણ માણસ મોબાઈલ ફોન થકી કનેક્ટિવિટી અને તેના વિચારોમાં ગૂંચવાયેલો રહે છે. વર્ચ્યૂઅલ વર્લ્ડમાં જીવતી વ્યક્તિ કોઈના નિયમીત સંપર્કના અભાવથી પરેશાની ભોગવવા લાગે છે અને પરિવારના લોકો સાથે હોવા છતાં એકલાપણું અનુભવવા સાથે ચિડીયો બનવા લાગે છે. ઘણી વખત લોકો સાથે વાતચિતમાં તંદ્રાવસ્થામાંથી જાગીને જોડાવું પડે તેવી સ્થિતિ વારંવાર બને તે એલાર્મિંગ છે. આવા સંજોગોમાં પોતાના પરિવારના લોકો સાથેના સંપર્કો વધારી વર્ચ્યૂઅલ વર્લ્ડથી દૂર થવું હિતાવહ છે. મોબાઈલ ફોનના નિરંકુશ ઉપયોગથી મગજના સ્નાયુઓ ગરમ થાય છે. સ્વયં અંકુશના અભાવે શારીરિક-માનસિક બિમારીના કિસ્સામાં ચિંતાજનક ઉછાળો જોવા મળે છે.

adv

Related News

post
post
post
post
post
post
post