• Home
  • News
  • કચ્છના માંડવીમાં મેઘો ઓળઘોળ, દરિયાકાંઠાનું શહેર ધોધમાર વરસાદથી જળબંબાકાર
post

કચ્છના માંડવીમાં બે કલાકમાં 4.1 ઇંચ વરસાદ ખાબક્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-22 11:57:32

ભુજ: સામાન્ય રીતે કચ્છમાં સત્તાવાર ચોમાસું કચ્છી નવા વર્ષ અષાઢી બીજથી શરૂ થયા છે. પરંતુ છેલ્લા બે દિવસથી કચ્છ જિલ્લામાં મેઘો ઓળઘોળ થયો હોય તેવો માહોલ સર્જાયો છે. ગઇ કાલે કચ્છના માંડવીમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આજે સવારે પણ બે કલાકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સવારે 6થી 8 વાગ્યા સુધીમાં માંડવીમાં 4.1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેના કારણે દરિયાકાંઠે વસેલા માંડવી શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે. 

જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ મેઘ મહેર
કચ્છ જિલ્લના અનેક વિસ્તારોમાં પણ મેઘ મહેર જોવા મળી છે. આજે સવારે કચ્છના અબડાસા, મુંદ્રા, ગાંધીધામ, નખત્રાણામાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં વાવણી લાયક વરસાદના પગલે જગતનો તાત ખુશીથી ઝૂમી ઊઠ્યો હતો.

માંડવીમાં પોલીસ, હોસ્પિટલ અને મામલદાર ક્વાર્ટરમાં પાણી ભરાયા
ધોધમાર વરસાદથી પોલીસ, મામલદાર અને આરોગ્ય વિભાગના ક્વાર્ટરમાં પાણી ઘુસી જતા કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવનારા સરકારી કર્મીઓ મુસીબતમાં મુકાયા હતા. પાલિકાએ પાણી ઉલેચવા ત્રણ યાંત્રિક સાધનો કામે લગાડયા હતા. રવિવારે પોલીસ, મામલદાર અને સિવિલ હોસ્પિટલના ક્વાટરમાં પાણીનો પ્રવેશ થતા ગ્રાઉન્ડ ફલોરના આરોગ્ય વિભાગના 16 કર્મચારીઓને ઘરમાં સમાન ઉચો રાખવાની ફરજ પડી હતી. રસોડામાં પાણી ઘુસી જતાં ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઇ હતી. 

જૈન મંદિર પાસે પાણી ભરાયા
માંડવી-ભુજ હાઇવે પર જૈન આશ્રમની સામે ઓક્સ વુર્ડ ડેવલોપર્સ દ્વારા પાણીના વહેણ પર નાના પાઇપરૂપી આડસ મુકાતાં પાણી સ્વામિનારાયણ મંદિરની ગૌશાળા અને જૈન આશ્રમમાં પ્રવેશ્યા હતા. આશ્રમના વડીલો મુશ્કેલીમાં મુકાયા હતા તો વળી ગૌશાળાના વાડામાં પાણી ભરાતાં લીલાચારાનો સોથ વળ્યો હતો. ડેવલોપર્સ દ્વારા મૂકાયેલી આડસ અંગે વરસાદ અગાઉ કલેક્ટર, મામલતદારને લેખિત રજૂઆત કરાઇ હતી. પાણી ભરાતાં મામલતદાર, પોલીસ સ્થાનિકે દોડી આવ્યા હતા અને ડેવલોપર્સે અંતે જેસીબી લગાવી પાણીનો નિકાલ કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post