• Home
  • News
  • એસટી ફરી શરૂ થતાં એક જ દિવસમાં 23 હજારથી વધુ લોકો બસ સેવાનો લાભ લીધોઃ અશ્વિની કુમાર
post

20 મેના રોજ 46 એક્સપ્રેસ અને 6545 લોકલ ટ્રીપ મળીને કુલ 6600 જેટલી ટ્રીપ કરવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-22 08:53:42

ગાંધીનગર: લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેના ભાગરૂપે એસટી વિભાગ દ્વારા અમદાવાદને બાદ કરતા સમગ્ર રાજ્યમાં બસ સેવા શરૂ કરવામાં આવી છે. 20 મેએ શરૂ કરવામાં આવેલી આ સેવાના પ્રથમ દિવસે 46 એક્સપ્રેસ અને 6545 લોકલ ટ્રીપ મળીને કુલ 6600 જેટલી ટ્રીપના માધ્યમથી 23069 લોકોએ પરિવહન સેવાનો લાભ લીધો હોવાની માહિતી મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે આપી છે. 

પ્રત્યેક ટ્રીપે બસને સેનિટાઇઝ કરવામાં આવે છે
પ્રવર્તમાન સંજોગોમાં મુસાફરો ઈ-ટીકીટ અથવા મોબાઈલ ટીકીટ મારફતે મુસાફરી કરે તે ઈચ્છનીય છે. તેમ છતાં સામાન્ય મુસાફરોને અગવડતા ન પડે તે માટે સોશિયલ ડીસન્ટસીંગનું પાલન થાય તે રીતે બસ સ્ટેન્ડ પરના કાઉન્ટર પરથી તેમજ બસમાં કંડકટર મારફતે રોકડ નાણાથી પણ ટીકીટ આપવામાં આવે છે. મુસાફરે બસ ઉપડતા પહેલાં ઓછામાં ઓછા 30 મિનીટ પહેલા બસ સ્ટેન્ડ પર પહોંચવાનું રહેશે. બસની ક્ષમતાના 60 ટકા મુસાફરો સાથે સંચાલન કરવામાં આવે છે. દરેક બસ ટ્રીપ પૂર્ણ થતા જ સેનેટાઈઝ કરીને બીજી ટ્રીપમાં ઓપરેટ કરવામાં આવી રહી છે. 

નિયમોનું પાલન કરનારને જ બસ ડેપોમાં પ્રવેશ
માસ્ક પહેરેલા હોય તેઓને જ બસ સ્ટેન્ડ કે ડેપોમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મુસાફરોના સ્વાસ્થ્ય માટે બસ સ્ટેન્ડમાં પ્રવેશ સમયે જ ટેમ્પરેચર ચેક કરીને કોરોનાના લક્ષણ વિનાના મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવે છે. સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. બસમાં બેસતા તમામ મુસાફરોને સેનેટાઇઝરથી હાથ સાફ કરી બસની અંદર પ્રવેશ તેમજ બસમાં મુસાફરોને બેસતા અને ઉતરતા સમયે પણ સોશિયલ ડીસન્ટસીંગનું પાલન કરવામાં આવે છે. 

પાંચ ઝોનમાં બસ વ્યવસ્થા શરૂ કરવામાં આવી
હાલના તબક્કે સમગ્ર અમદાવાદ જિલ્લા સિવાય રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં એસ.ટી. નિગમના સામાન્ય સંચાલનના ભાગરૂપે બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે ગાંધીનગર શહેરથી અમદાવાદ શહેર વચ્ચે તેમજ આંતરરાજ્ય સંચાલન સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યુ છે. રાજયના પાંચ ઝોનમાં એસ.ટી. નિગમ દ્વારા તબક્કાવાર સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તર ઝોનમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મધ્ય ઝોનમાં ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા, દાહોદ, આંણદ, છોટાઉદેપુર, દક્ષિણ ઝોનમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટ, મોરબી, જુનાગઢ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છ ઝોનમાં ભુજથી ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય શહેરોને બસ દ્વારા જોડીને સંચાલન કરવામાં આવી રહ્યું છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post