• Home
  • News
  • ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી:જૂનાગઢના બાંટવામાં 50થી વધુ મૃત પક્ષી મળતાં અલર્ટ; ટિટોડી, નકટો, બગલી સહિત બતકનાં મોત નીપજ્યાં
post

જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે સંખ્યાબંધ મૃત પક્ષીઓ મળી આવતાં વહીવટીતંત્ર દોડતું થયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-04 09:26:36

દેશમાં વિવિધ રાજ્યોમાં બર્ડ ફ્લૂ ફેલાયા બાદ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે 2 જાન્યુઆરીએ સંખ્યાબંધ મૃત પક્ષીઓ મળતાં ખળભળાટ મચી ગયો છે. આ પક્ષીઓનાં મૃત્યુ બર્ડ ફ્લૂથી થયાં છે કે નહીં એ ચકાસવા માટે 53 જેટલાં પક્ષી (ટિટોડી, નકટો, બગલી, બતક)ના મૃતદેહ કબજે કરીને પોસ્ટમાર્ટમ માટે મોકલી અપાયા છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસરે રોગચાળાને પગલે આ પક્ષીઓનાં મૃત્યુ થયાં હોવાની આશંકા જતાવી છે. તો બીજી બાજુ, રાજ્યના વાઇલ્ડલાઇફ વિભાગે ભારત સરકારની એડવાઇઝરીને પગલે સમગ્ર રાજ્યમાં અલર્ટ જારી કર્યું છે. આ અંગે પશુપાલન નિયામકનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ થઈ શક્યો નહોતો.

પક્ષીઓનાં મોતની જાણ થઈ છે - ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન
ગુજરાતનાં ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન શ્યામલ ટીકાદારે જણાવ્યું હતું કે અમે બર્ડ ફ્લૂને પગલે અલર્ટ જારી કર્યું છે. બાંટવામાં ટિટોડી સહિત પક્ષીઓનાં મોતની મને જાણ છે. વધુ માહિતી કાલે જ મળી શકે છે. અમે આ મુદ્દે એનિમલ હસ્બન્ડરી વિભાગની પણ મદદ લઈશું.

વેટરિનરી વિભાગ કરી રહ્યો છે પોસ્ટમાર્ટમ
આ વિશે માણાવદર રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ.એ. ચાવડાએ જણાવ્યું હતું કે 53 જેટલાં મૃત પક્ષી મળી આવ્યાં છે. તેમનાં મોતનું કારણ ખબર નથી. કારણ જાણવા માટે વેટરિનરી વિભાગે પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

રાજસ્થાની વ્યક્તિએ જાણ કરી
રાજસ્થાનના ચિત્તોડથી બાંટવામાં પોતાનાં રિલેટિવને ત્યાં આવેલા પ્રહલાદગિરિ ગોસ્વામી બાંટવાના ખારા ડેમ વિસ્તારમાં ફરવા ગયા ત્યારે તેમને ટપોટપ પક્ષીઓ મરી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં બર્ડ ફ્લૂની મને જાણ હતી. મને અહીં જંગલ ખાતામાં કોઇ ઓળખતું ન હોઇ ઉદયપુર ખાતે કોઇ અધિકારીને એ વિશે જાણ કરી. જ્યાંથી ગુજરાતના જંગલ ખાતાને એની જાણ કરાઇ હતી. જંગલ ખાતાને જાણ થતાં 2 જાન્યુઆરીએ અડધી રાત સુધી જંગલ ખાતાએ તળાવ પાસે કામગીરી કરી હતી.

માઇગ્રેટરી બર્ડ્સ પણ આવે છે
વાઇલ્ડલાઇફ લવર મનીષ વૈદ્યે આ મુદ્દે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને જૂનાગઢના ઉચ્ચ અધિકારીઓને પત્ર લખીને વધુ પક્ષીઓનાં મોત અટકાવવા તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. વૈદ્યે જણાવ્યું હતું કે બાંટવામાં માઇગ્રેટરી પક્ષીઓ પણ આવે છે. શિયાળામાં માઇગ્રેટરી બર્ડ્સ આવતાં કેરિયર તરીકે ફ્લૂ ફેલાતો હોય છે. સરકારે કારણની તપાસ કરવી જોઇએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post