• Home
  • News
  • અમદાવાદમાં પોતાની વાછરડીની સારવાર કરાવવા ગાયે દોડી દોડીને ‘એનિમલ ઈમર્જન્સી વાન’નો રસ્તો રોક્યો, ભાંભરીને ઘેરી વળી ટીમને વાડામાં લઈ ગઈ
post

પહેલીવાર ફોન કોલ આવતા જ 1962ની ટીમે સ્થળ પર પહોંચીને વાછરડીને સંપૂર્ણ સારવાર આપી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-13 12:08:07

ઇશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતો ન હોવાથી તેણે માતાનું સર્જન કર્યું છે. બાળકના જન્મથી ઉછેર સુધી કોઇપણ જીવ હોય માતૃત્વની લાગણી એક સમાન જ હોય છે. તેમાં પણ પશુઓને તો બચ્ચાંની માવજત કે સારવાર કરવા તબીબ પણ પોતે જ હોય છે. જો કે ગુજરાતમાં 1962-એનિમલ ઈમરજન્સી સેવા કાર્યરત હોવાથી હવે પશુઓને પણ સારવાર મળી રહે છે. પશુઓ અબોલ હોવાથી પોતાની લાગણી વ્યક્ત તો કરી શકે છે પણ માણસ તેને જલ્દી સમજી શકતો નથી. પશુ રડે પણ છે અને ભાવુક પણ થાય છે. ખાસ કરીને તેમના બચ્ચા માટે સતત ચિંતિત પણ રહે છે. તેનો આજે વધુ એક પુરાવો મળ્યો છે. વટામણ રોડ પર એક ગાય માતા પોતાની વાછરડીની સારવાર કરાવવા માટે 1962-વાનનો રસ્તો રોકી બેસી રહેતી જોવા મળે છે.

એનિમલ ઈમર્જન્સી પર કોલ આવતા જ વાછરડીનો પગ કાપી ડ્રેસિંગ કર્યું
6 ઓક્ટોબર 2020ના રોજ 1962-એનિમલ ઇમર્જન્સી પર કોલ આવ્યો. ગાયની સાથે ફરતી એક વાછરડીનો વટામણ રોડ પર અકસ્માતમાં એક પગ તૂટી ગયો હતો. જ્યારે બીજો એક પગ માઇનર ફ્રેક્ચર થયો હતો. આ ફોન કોલ આવતા જ 1962ની ટીમે સ્થળ પર પહોંચીને વાછરડીને સંપૂર્ણ સારવાર આપી. તબીબી ટીમે તૂટેલા પગને કાપીને દૂર કરી તેનું ડ્રેસિંગ કર્યું હતું અને ફ્રેક્ચર વાળા પગને પ્લાસ્ટર કર્યું હતું. તેની સાથે સાથે જ ઇન્જેકશન આપ્યું અને બોટલ પણ ચડાવી હતી.

બે દિવસ બાદ ગાય 1962-વાનને ઘેરી વળી અને સારવાર કરવા આવવા સંકેત આપ્યો
આશ્ચર્યજનક વાત તો એ છે કે ત્યાર પછી બે દિવસ બાદ એટલે કે 8 ઓક્ટોબર 2020ના રોજ ‘1962’ ટીમ તે સ્થળેથી નીકળી ત્યારે તે ગાય 1962-ગાડી જોઈ ટીમને ઓળખી ગઈ. જાણે તે એનિમલ ઈમરજન્સી ટીમની રાહ જોઇ બેસી રહી હતી. ગાય દોડતી-દોડતી 1962-ગાડી સાથે આવી અને વાનને ઘેરી વળી. માત્ર એટલું જ નહીં જેમ એક માતા પોતાના સંતાન માટે ડૉક્ટરને બોલાવતી હોય એમ ગાય તેની વાછરડીની સારવાર માટે ટીમને તેમની સાથે આવવાનું કહેતી હોય એમ ભાંભરતી હતી. જેને પગલે ટીમને પણ ગાયની ભાવનાઓ સમજાઈ ગઈ એટલે ટીમે પણ પોતાની ફરજ બજાવવા અને ગાયની પછળ-પાછળ જઈ વાછરડીને સારવાર આપી રિ-ડ્રેસિંગ કર્યું હતું. રુટિન વિલેજ વિઝીટ દરમિયાન પણ આ જ ઘટનાક્રમનું 10 ઓક્ટોબરના રોજ પણ પુનરાવર્તન થયું. ‘1962’ ટીમના પ્રયાસો બાદ હાલ આ ગાય માતા અને વાછરડીને ગામના જ એક પશુપાલકના વાડામાં આશ્રય આપવામાં આવ્યો છે.

અમદાવાદ જિલ્લામાં ગ્રામ્યમાં 11 અને શહેરમાં 3 હરતા-ફરતા પશુ દવાખાના
આ અંગે પ્રોગ્રામ મેનેજર જીતેન્દ્ર શાહીના જણાવ્યા અનુસાર, અમદાવાદ જિલ્લામાં ગ્રામ્યમાં 11 અને શહેરમાં 3 હરતા-ફરતા પશુ દવાખાના મુકવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં 10 ગામ દીઠ 1 વાન મૂકવામાં આવી છે. આ હરતું-ફરતું પશુ દવાખાનું રોજ ત્રણ ગામની નિયમિત મુલાકાત લે છે અને બે કલાક સુધી રોકાય છે અને ગામડાના બીમાર પશુઓને સારવાર આપે છે. આમ કુલ 6 કલાકની વિલેજ વિઝીટ કરે છે. આ ઉપરાંત બીજા 6 કલાક માટે ઇમર્જન્સી સેવા માટે ખડે પગે રહે છે એમ કુલ 12 કલાક માટે હરતું-ફરતું પશુ દવાખાનું ઉપલબ્ધ રહે છે. વિલેજ વિઝીટ દરમિયાન જો કોઈ ઇમરજન્સી કોલ આવે તો વિલેજ વિઝીટને ત્યાં જ અટકાવી ઇમરજન્સી કોલને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ ગ્રામીણ પશુપાલકોને ઓન કોલ 1962 સેવાથી 365 દિવસ માટે સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા દરમિયાન ઘરે બેઠા નિ:શૂલ્ક પશુ સારવાર ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે હરતું-ફરતું પશુ દવાખાનું-1962 ઇમરજન્સી સેવા 22મી જૂનના રોજ મુખ્યમંત્રીએ રાજ્યભરમાં શરૂ કરાવી હતી.


2019માં કેશોદમાં ગૌભક્તના અવસાન પછી ગૌમાતા બેસણાંમાં આવી ફોટો પાસે આંસુ સાર્યા હતા
વર્ષ 2019માં ગાય માતાની ગૌભક્ત પ્રત્યે છલકાતી લાગણીનો એક કિસ્સો જૂનાગઢના કેશોદમાં પણ સામે આવ્યો હતો. 25 એપ્રિલ 2019ના રોજ કેશોદના ગૌભક્ત ઉકાભાઈ ખીમજીભાઈ કોટડિયાનું અવસાન થયું હતું. ઉકાભાઈએ ગાયોની એવી તો સેવા કરી હતી કે, તેમના અવસાન બાદ ગાયો ઉકાભાઈને યાદ કરીને રીતસર રડતી જોવા મળી હતી. ઉકાભાઈના બેસણાંમાં તો એક ગાય હાજર રહી હતી અને આવીને ઉકાભાઈને જાણે કે પગે લાગતી હોય એમ તેમના ફોટો પાસે જઈ માથું ઝુકાવીને બેસી ગઈ હતી. મૂંગા જીવની લાગણી કેવી અમૂલ્ય હોય છે એની બીજી નિશાની એ કે ગાય ફોટો પાસેથી હટીને પછી બધા વચ્ચે જઈને એક બાજુએ બેસી ગઈ અને બેસણું પૂરું થયું ત્યાં સુધી બેસી રહી.ગાયની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યાં હતાં અને એ નરી આંખે જોઈ શકાતાં હતાં. બેસણાના બીજા દિવસે પણ ગાય ફરીથી આવી અને ઘરના ફળિયામાં આવીને રડવા માંડી એટલે પરિવારે ઉકાભાઈનો ફોટો બહાર મૂક્યો તો ગાય ફરી તેમની પાસે બેસી ગઈ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post