• Home
  • News
  • રાજ્યસભા સાંસદ ભારદ્વાજની સ્થિતિ નાજુક, ફેફસાંમાં કાણા પડતા એક્મો ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી: તબીબ
post

સારવાર દરમિયાન ફેફસાંમાં તકલીફ થતા છેલ્લા 48 કલાકથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-16 10:50:35

સાંસદ અભયભાઈ ભારદ્વાજને કોરોનાને કારણે ફેફસાંમાં વ્યાપક તકલીફ ઊભી છે. ફેફસામાં ગઠ્ઠા જામી જતા ઓક્સિજન પહોંચતું નથી તેથી વેન્ટિલેટર પર છે તેમજ લોહી પાતળું કરવાની, લોહીના ગઠ્ઠા ઓગાળવા સહિતની દવાઓ આપી દીધી છે, છતાં સુધારો ન આવતા તેમજ ફેફસામાં કાણા પડી ગયાનું તબીબોએ જણાવ્યું છે. અમદાવાદથી આવેલી ટીમે પણ તબિયત નાજુક હોવાથી એક્મોની તૈયારી હોવાનું તબીબે જણાવ્યું છે. આ માટે ફેફસાના નિષ્ણાંત ડો. સમીર ગામી મોડીરાત્રે ચાર્ટડ પ્લેનથી સુરતથી રાજકોટ આવ્યા હતા. ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું કે, અભયભાઈની સારવાર શરૂ છે, તબિયત સ્થિર છે. રાજકોટના કલેકટર રેમ્યા મોહન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓ હોમ આઈસોલેટ થયા છે.

સ્પેશિયલ તબીબોની ટીમ સારવાર માટે બોલાવી
રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ કોરોના પોઝિટિવ આવતા 31 ઓગસ્ટથી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને છેલ્લા 3 દિવસથી તબિયત નાજુક થતા વેન્ટિલેટર પર મુકાયા છે. તબિયત બગડતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 3 તબીબની ટીમને અમદાવાદથી રાજકોટ મોકલી હતી અને સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આવ્યા હતા. તબીબોની ટીમ સિવિલ ગઈ હતી અને સારવાર અંગે ચર્ચા કરી હતી.

કિડની બગડે તો ડાયાલિસિસ કરવું પડેઃ તબીબ
ડો. અતુલ પટેલે સાંસદના હેલ્થ બુલેટિન અંગે જણાવ્યું કે અભયભાઈના શરીરમાંથી વાઇરસ તો નીકળી ગયો છે પણ વાઇરસને નિષ્ક્રિય બનાવવા જે રોગપ્રતિકારક શક્તિ સક્રિય થઈ છે તેના કારણે ફેફસાંમાં ગઠ્ઠા જામવા લાગ્યા છે. આ કારણે ફેફસાંમાં ઓક્સિજન ઘટી રહ્યું છે અને કાર્બન ડાયોક્સાઈડ વધ્યું છે. શ્વસન માટે વેન્ટિલેટર પર મુકાયા છે. લોહી પાતળું કરવાની દવા અપાઈ હતી પણ અસર ન કરતા હૃદયરોગના હુમલામાં જે ગઠ્ઠા ઓગાળી દે તેવી દવા પણ અપાઈ હતી જો કે બાદમાં ફરીથી ગઠ્ઠા થયા છે. ડો. તુષાર પટેલ અને ડો. આનંદ શુક્લાએ પણ જણાવ્યું છે કે, ફેફસાંમાં રિકવરી નહીં આવે તો એક્મો એટલે કે જે રીતે કિડની બગડે તો ડાયાલિસિસ કરવું પડે છે તેમ ફેફસાંમાં ખામી આવે તો તેના ડાયાલિસિસને એક્મો કહેવાય છે. મશીન દ્વારા ઓક્સિજન આપી કાર્બન ડાયોક્સાઈડ બહાર કઢાય છે.

ચાર તબીબોની ટીમ સુરતથી આવી
ડૉ. સમીર ગામી, ડૉ. હિરેન વસ્તાપરા, ડૉ. નિલય અને ડૉ. ગજેરા એમ ચાર તબીબો સાથે ધારાસભ્ય હર્ષ સંઘવી મધરાત્રે રાજકોટ આવી પહોંચ્યા હતા. ડૉ સમીર ગામી છાતી, ફેફસાંના નિષ્ણાત તબીબ છે. જ્યારે ડૉ હિરેન વસતાપરા શ્વાસનળી સહીતના સ્પેશિયાલિસ્ટ છે.

લોહીના ગઠ્ઠા જામી ગયા હોવાથી સ્થિતિ સ્ટેબલ નથીઃ ડૉક્ટર અતુલ પટેલ
અમદાવાદથી રાજકોટ દોડી ગયેલા ડો. અતુલ પટેલ, ડો. તુષાર પટેલ અને ડો.આનંદ શુક્લએ અભય ભારદ્વાજના આરોગ્યની તપાસ કરી હતી. આ તપાસ બાદ ડો. અતુલ પટેલે જણાવ્યું હતું કે, ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. લોહીના ગઠ્ઠા જામી ગયા હોવાથી સ્થિતિ સ્ટેબલ નથી. તેમજ કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધુ છે. રોગ પ્રતિકારક શક્તિ ઘટી છે. ઓક્સિજન લોહીમાં પહોંચતું નથી. આથી મશીનથી સારવાર કરવામાં આવશે. તેમજ ડોક્ટરોએ સિવિલ હોસ્પિટલના તબીબો સાથે પણ ચર્ચા કરી હતી.

એકમો મશીન પણ તૈયાર કરી રાખવામાં આવશેઃ ડો.અતુલ પટેલ
ડો. અતુલ પટેલે જણાવ્યું હતું કે, હું ચેપી રોગોનો નિષ્ણાંત ડોક્ટર છું. ભારદ્વાજ સાહેબને કોરોના સારવારના ત્રણ અઠવાડિયા પૂરા થઈ ગયા છે. લોહીની નળી જે ફેફસાંની અંદર બંધ થાય છે તેને ખોલવા માટે અહીંના તમામ ડોક્ટરે પ્રયત્ન કર્યા હતા. લોહી પાતળુ કરવા માટેના ઇન્જેક્શન આપ્યા છે. લોહીના ગઠ્ઠા ઓગાળવા માટેની દવા પણ આપી ચૂક્યા છીએ. ફ્લોટીંગ પ્રોસેસ છે તે ઓન ગોઇંગ છે. આથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ બંને મિસ મેડ જોવા મળે છે. વેન્ટિલેટરમાં ડો.તુષારભાઈએ સેટિંગ કર્યા છે અને ક્લોઝલી અમે મેનેજ પણ કરતા રહીશું. જરૂર પડ્યે અમે એકમો મશીન પણ તૈયાર કરી રાખવામાં આવશે.

મુખ્યમંત્રીએ ચિંતા કરીને ડોક્ટરોને મોકલ્યા છેઃ ભુપેન્દ્રસિંહ ચુડાસમા
રાજકોટ આવી પહોંચેલા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અભયભાઈની તબિયત અંગે હું કહી ન શકું. આ વિષય ડોક્ટરોનો છે. મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી ત્રણ ડોક્ટરોને મોકલ્યા છે. અભયભાઈ માકા જૂના મિત્ર છે. મુખ્યમંત્રીની સુચના મુજબ આ જિલ્લાના પ્રભારી તરીકે હું ત્રણ ડોક્ટરને લઈને આવ્યો છું. ડો. અતુલ પટેલ આ રોગના નિષ્ણાંત અને યુ.એન. મહેતા હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ છે. ડો. તુષાર પટેલ એ ફેફસાંના ડોક્ટર છે. ઈશ્વરને હૃદયપૂર્વક પ્રાર્થના કરૂ છું કે મારો મિત્ર જલ્દીથી સાજા થઈ જાય.

48 કલાકથી અભય ભારદ્વાજને વેન્ટિલેટર પર રખાયા છે રાજ્યસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજ છેલ્લા 16 દિવસથી કોરોનાની સારવાર સિવિલ હોસ્પિટલમાં લઇ રહ્યા છે. સારવાર દરમિયાન અચાનક તેમને ફેફસાંમાં તકલીફ થતા છેલ્લા 48 કલાકથી તેમને વેન્ટિલેટરથી કુત્રિમ શ્વાસ આપવામાં આવી રહ્યા છે. ભારદ્વાજની તબિયત ખરાબ થતાં ખાનગી હોસ્પિટલના ડોક્ટર સિવિલ હોસ્પિટલમાં આવી સારવાર આપી રહ્યા છે.

ઓક્સિજન લેવલમાં સુધારો ન થતા અમદાવાદથી ત્રણ ડોક્ટર આવ્યા
અભય ભારદ્વાજના ઓક્સિજન લેવલમાં સુધારો ન થતા અમદાવાદથી ત્રણ ડોક્ટરો ખાસ મુખ્યમંત્રીએ મોકલ્યા છે. અભય ભારદ્વાજને સતત વેન્ટિલેટરની જરૂર પડી રહી છે. મુખ્યમંત્રીએ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, અભયભાઈ મારા જૂના મિત્ર છે અને તેની મને ચિંતા છે. હાલ તો ત્રણેય ડોક્ટરો સિવિલ પહોંચી ગયા છે અને તપાસ કર્યા બાદ જ અભય ભારદ્વાજની હાલત અંગે જણાવી શકશે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.

અભય ભારદ્વાજે ફેસબુક પર સ્વસ્થ હોવાની પોસ્ટ મૂકી
અભય ભારદ્વાજ દ્વારા ફેસબુક પર પોતે સ્વસ્થ હોવાની પોસ્ટ મૂકી છે. જેમાં લખ્યું છે કે, વર્તમાન પત્રોમાં મારા સ્વાસ્થ્યના સમાચાર પ્રસારિત થયા તેના અનુસંધાનમાં હું કહીશ કે હું સ્વસ્થ છું. થોડી શ્વાસમાં તકલીફ દેખાતી હતી તેથી સારવારના ભાગરૂપે ઓક્સિજનનું પ્રમાણ જળવાય રહે તે માટે સિવિલના ડોક્ટરોના માર્ગદર્શન અનુસાર મને વેન્ટિલેટર દ્વારા સારવાર અપાઈ રહી છે. ચિંતાનો કોઈ વિષય નથી.

અભય ભારદ્વાજ સાથે તેના પુત્રનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
સી.આર.પાટીલની રેલીનો રેલો રાજ્યસભાના સાંસદ સુધી પહોંચી ગયો છે. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેના પુત્ર અંશ ભારદ્વાજનો 16 દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અભય ભારદ્વાજની પુત્રી આસ્કા અને પુત્રને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ સિવિલના કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભય ભારદ્વાજ ખાનગી હોસ્પિટલના બદલે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.

સી.આર. પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસ ભાજપને ભારે પડ્યો
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસમાં ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. પ્રવાસ બાદ ભાજપના એક પછી એક નેતાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. ત્યારે ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી બાદ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહત્વનું છે કે સી.આર.પાટીલે જ્યારે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે અભય ભારદ્વાજ પણ હાજર હતા.

કોરોનાગ્રસ્ત ધારાસભ્ય રાઘવજી પટેલને અમદાવાદ ખસેડાયા
જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ અને ભાજપના પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ અને રાજ્ય મંત્રી હકુભા જાડેજાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ વધુ એક ભાજપના ધારાસભ્ય કોરોનાગ્રસ્ત જાહેર થયા છે. જામનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય રાઘવજી પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલાઈઝડ કરવામાં આવ્યા હતા. એક દિવસની સારવાર બાદ રાઘવજી પટેલને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.

સીઆર પાટીલનો કોરોના રિપોર્ટ નેગેટિવ, કાલે રજા અપાશે
8
સપ્ટેમ્બરે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર વહેતા થયા હતા, એ સમયે એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે નેગિટિવ આવ્યો હતો અને RT-PCRનો રિપોર્ટ બાકી હતો. 9 સપ્ટેમ્બરે પાટીલનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 7 દિવસની સારવાર બાદ પાટીલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ અંગે તેમણે ટ્વિટ કર્યું છે. જેમાં લખ્યું છેકે, મારો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને આવતીકાલે હોસ્પિટલમાંથી રજા મળશે. મારા સ્વાસ્થ્ય માટે પાઠવેલી શુભકામનાઓ બદલ આપ સૌનો હ્રદયપૂર્વક આભાર માનું છું.

ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાને રજા અપાઈ
8 સપ્ટેમ્બરના રોજ કમલમમાં 7ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આજે 8 દિવસ બાદ તેઓ કોરોનાને મ્હાત આપી છે અને તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભરત પડ્યાંએ આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે અને લખ્યું છેકે, હું અત્યારે સ્વસ્થ થઇને યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી રજા લઇ રહ્યો છું. ડોક્ટર્સ, પેરા મેડીકલ સ્ટાફને વંદન. તેમણે સંતો, નેતૃત્વ, કાર્યકર્તાઓએ ફોન-સંદેશા દ્વારા મારા સ્વાસ્થ્ય માટે લાગણી અને શુભેચ્છાઓ વ્યક્ત કરી તે બદલ આભાર માન્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post