• Home
  • News
  • જાહેર રોડ પર ફરી નબીરાઓ ભાન ભૂલ્યા:સુરતમાં રસ્તા વચ્ચે મોંઘીદાટ કાર ઊભી રાખી, ફટાકડા ફોડી બર્થ-ડે પાર્ટી ઊજવી, વીડિયો વાઇરલ થતાં પોલીસે 7ને પકડી કાયદાનું ભાન કરાવ્યું
post

સુરતના ખડસદ ગામની સીમમાંથી પસાર થતા નવા બનેલા રિંગ રોડ ઉપર જાહેરમાં અન્ય વાહનચાલકોને જોખમ ઊભું થાય એ રીતે બર્થ-ડેની ઉજવણી કરવામાં આવી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-01 19:26:51

સુરતના આઉટર રિંગ રોડને નબીરાઓએ બર્થ-ડે પાર્ટીની કલબ બનાવી દીધી હોય એવાં દૃશ્યો સામે આવ્યાં છે. કામરેજના ખડસદ ગામની સીમમાંથી પસાર થતા રિંગ રોડના રસ્તા પર જાહેરમાં ગાડીઓ ઊભી રાખી, ફટાકડા ફોડી રસ્તા બ્લોક કરી બર્થ-ડેની ઉજવણી કરી રહ્યા હતા. આ પ્રકારની ઉજવણી બાદ સોશિયલ મીડિયામાં રોલો પાડવા માટે વીડિયો પણ વાઇરલ કર્યો હતો. કામરેજ પોલીસે વાઇરલ વીડિયોના આધારે 7 નબીરાની જાહેરનામા ભંગ મુજબ ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

રસ્તા રોકી બર્થ-ડે પાર્ટીનું ઉજવણી કરી
સુરતમાં બર્થ-ડે પાર્ટી ઉજવણીનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો હોય એમ નબીરાઓ દ્વારા જાહેર રસ્તાઓ ઉપર ઉજવણી કરવાનું શરૂ કર્યું છે. રસ્તા રોકી લોકોને મુશ્કેલી ઊભી થાય એ રીતે મોડી રાત્રે બર્થ-ડેની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આવી ઉજવણી સામે પ્રતિબંધ લગાવવા પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. એમ છતાં જાહેરનામાનો ભંગ કરીને નબીરાઓ આ પ્રકારની ઉજવણી કરતા રહે છે. ફરી એક વખત આવી જ ઉજવણી સુરતના નવા બનેલા રિંગ રોડ ઉપર નબીરાઓ દ્વારા કરવામાં આવી હતી. સુરતના ખડસદ ગામની સીમમાંથી પસાર થતા નવા બનેલા રિંગ રોડ ઉપર જાહેરમાં અન્ય વાહનચાલકોને જોખમ ઊભું થાય એ રીતે બર્થ-ડેની ઉજવણી કરવામાં આવી હતી.

રસ્તા પર ફટાકડા ફોડી ધમાલ મચાવી
થોડા સમય પહેલાં જ શરૂ કરાયેલો નવા આઉટર રિંગ રોડ પર નબીરાઓની ધમાલ-મસ્તીનો વીડિયો સામે આવ્યો છે. કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખડસદ ગામની સીમમાંથી પસાર થતા આઉટર રિંગ રોડ પર જોખમી રીતે નબીરા દ્વારા બર્થ-ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. તેમણે રિંગ રોડ પર ચારથી વધુ કારને રસ્તા ઉપર મૂકી દીધી હતી. ત્યાર બાદ કારના બોનેટ પર 8થી 10 કેક મૂકવામાં આવી હતી અને જાહેર રસ્તા પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા. એટલું જ નહીં, રસ્તા ઉપર નબીરાઓએ બર્થ-ડે સેલિબ્રેશનની આડમાં ભારે ધમાલ મચાવી હતી. એને લઇ અન્ય રાહદારીઓ માટે પણ જીવનું જોખમ ઊભું કર્યું હતું.

સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કર્યા
સુરત પોલીસના જાહેરનામાનો ભંગ કરીને જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશન કર્યું હોવા છતાં નબીરાઓએ આવી પાર્ટીનો વીડિયો બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયામાં રીલ્સ મૂકી વાઇરલ કર્યો હતો. એમાં નબીરાઓની ધમાલ અને તેમના આ કાર્યથી અન્ય લોકોને મુશ્કેલી ઊભી થતી હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયો બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

કામરેજ પોલીસે સાત નબીરાની ધરપકડ કરી
પોલીસના જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં જોખમી રીતે બર્થ ડે સેલિબ્રેશન કરનારા સાત નબીરા સામે કામરેજ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કામરેજ પોલીસે ચિરાગ માંડાણી સહિત અન્ય છ યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કામરેજ પી.આઇ., આર.બી. ભટોલે જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં ચિરાગ મંડાણી તથા તેના મિત્રો દ્વારા ખડસદ ગામની સીમમાંથી પસાર થતો નવો બનેલા રિંગ રોડ પર સરદાર ચોકીની નજીક ભાઈ ભાઈ હોટલ સામે રસ્તો બ્લોક કરીને લોકોને અડચણરૂપ થાય એ રીતે ગાડીઓ રસ્તામાં મૂકી હતી. આ યુવકોએ ભયજનક રીતે બીજાની જિંદગી જોખમમાં મુકાય એ રીતે જાહેર માર્ગની વચ્ચે લાઇન બંધ બેદરકારીપૂર્વક ફટાકડા અને આતશબાજી કરી રહ્યા હતા, જેથી પોલીસે ચિરાગ મંડાણી અને તેના મિત્રોની જાહેરમાં રોડ ઉપર જન્મદિવસની ઉજવણી સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post