• Home
  • News
  • નડિયાદમાં દસ વર્ષ પહેલા મેરિટમાં ન હોય તેવા નવ શિક્ષકોની ભરતી થઇ ગઇ, તત્કાલિન શિક્ષણાધિકારી બામણિયા સામે ફરિયાદ
post

ખેડા જિલ્લામાં 2009ના ગાળામાં થયેલી પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં વધુ નવ શિક્ષકોની બોગસ ભરતી થઇ હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-17 10:41:23

ખેડા જિલ્લાને એજ્યુકેશન હબની ઉપમા આપવામાં આવી છે. પરંતુ જિલ્લામાં એક પછી એક શિક્ષક ભરતી કૌભાંડો બહાર આવતા જાય છે. છેલ્લા વરસમાં બોગસ સ્પોર્ટ્સ સર્ટીફિકેટ, દિવ્યાંગ સર્ટીફિકેટ બાદ હવે મેરીટમાં ન હોય તેવા શિક્ષકોની ભરતી થઇ ગઇ છે. તેમાં તત્કાલિન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ખેડા જિલ્લામાં 2009ના ગાળામાં થયેલી પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં વધુ નવ શિક્ષકોની બોગસ ભરતી થઇ હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ અંગે ફરિયાદ આધારે રાજ્ય સરકાર દ્વારા ત્રણ અધિકારીની તપાસ નિમાઇ હતી. આ તપાસના અહેવાલમાં તત્કાલિન જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી કે.એન. બામણિયાએ નવ જેટલા શિક્ષકો મેરિટમાં ન હોવા છતાં તેમની ભરતી કરી નાંખી હોવાનું ખુલ્યું હતું. આથી, તેમની સામે પગલાં ભરવા આદેશો છુટ્યાં હતાં. આ આદેશના પગલે જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી કમલેશ પટેલે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે તત્કાલિન પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એન. બામણિયા સામે ફરિયાદ આપી છે. આ ફરિયાદ આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે, પોલીસના જણાવ્યાનુસાર, આ ફરિયાદમાં હજુ નિવેદન લેવામાં આવશે. આ નિવેદન બાદ સત્તાવાર FIR દાખલ કરાશે.

કે.એન. બામણિયા 2014માં નિવૃત્ત થઇ ગયા
ખેડા જિલ્લામાં 2009ના ગાળામાં નવ શિક્ષકોને મેરિટ વગર ભરતી કરવાના કૌભાંડમાં જવાબદાર ઠેરવેલા તત્કાલિન પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એન. બામણિયા 2014માં જ સેવા નિવૃત્ત થઇ ગયાં છે. હાલ તેઓ ક્યા રહે છે ? તે બાબતે પોલીસે સરકારમાંથી જરૂરી કાગળો મંગાવ્યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post