• Home
  • News
  • AMTSની 700માંથી 575 બસ મુકાતા પેસેન્જરો રઝળશે, ટ્રમ્પ-મોદીનો રોડ શો લગ્નના વરઘોડા માટે વિઘ્નરૂપ બનશે
post

રોડ શોનાં રૂટ પર યોજાનારાં લગ્નની પોલીસે માહિતી મેળવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-24 10:12:03

અમદાવાદ: ટ્રમ્પના રોડ શોમાં લોકોને લાવવા-લઈ જવા માટે AMTSની 575 અને બીઆરટીએસની 40 બસો મૂકી દેવાઈ છે. AMTSની રોજ 700 બસ ઓન રોડ દોડે છે તેમાંથી 575 બસ મૂકી દેવાતા શહેરમાં એએમટીએસ બંધ થઈ જશે. જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. આ ઉપરાંત આરટીઓથી ઝુંડાલ સુધી પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ સવારે 8 વાગ્યાથી કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી આ રૂટ પરની BRTSની તમામ બસો બંધ રહેશે.


એસટીની 2200 બસ એટલે કે કુલ 25 ટકા જેટલી બસ ફાળવવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારના કેટલાક રૂટ કેન્સલ કરતા પેસેન્જરોને ભારે હાલાકી ભોગવવી પડશે.


રોડ-શો વખતે ટ્રેનો પણ અટકાવી દેવાશે
ટ્રમ્પનો કાફલો એરપોર્ટથી રિવરફ્રન્ટ થઈ શિલાલેખ ટાવરની બાજુમાંથી સુભાષ બ્રિજ થઈ ગાંધી આશ્રમ પહોંચશે. આ સમય દરમિયાન સાબરમતી રેલવે બ્રિજ પરથી પસાર થતી ટ્રેનોને સાબરમતી સ્ટેશન તેમજ અમદાવાદ સ્ટેશને જ અટકાવી દેવામાં આવશે. વધુમાં આરપીએફ અને જીઆરપીના જવાનો બ્રિજની બન્ને બાજુ તહેનાત કરવામાં આવશે. આ કાફલો પસાર થયા બાદ જ ઊભી રખાયેલી ટ્રેનોને આગળ વધારવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. રવિવારે બપોરે એસપીજીના ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં સુરક્ષાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.


લગ્નના વરઘોડા નહીં કાઢવા પોલીસે સૂચના આપી
સોમવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કોન્વેય એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી અને રોડ શોના 22 કિ.મીના રૂટ ઉપર આવતા પાર્ટી પ્લોટમાં યોજાનારા લગ્નના વરઘોડા નહીં કાઢવા માટે પોલીસે સંચાલકો અને વર-વધૂના પરિવારોને સૂચના આપવામાં આવી છે. જેના કારણે લગ્નપ્રસંગ યોજાનારા પરિવારમાં નારાજગી જોવા મળી હતી.


લગ્નમાં આવનારા મહેમાનોને રવિવાર રાત સુધીમાં પાર્ટી પ્લોટ અથવા ઘરે બોલાવી લેવાની સૂચના
ટ્રમ્પ અને મોદીનો રોડ શો લગ્નના વરઘોડામાં વિધ્નરૂપ બનતા જેના ઘરે પ્રસંગ છે તે લોકો અવઢવમાં મુકાયા છે. પોલીસે આ લોકોને લગ્નમાં આવનારા મહેમાનોને રવિવાર રાત સુધીમાં પાર્ટી પ્લોટમાં બોલાવી દેવાની સૂચના આપી છે. પોલીસે આ લોકોને લગ્નમાં આવનારા મહેમાનોને રવિવાર રાત સુધીમાં પાર્ટી પ્લોટમાં અથવા તો જે તે પરિવારના ઘરે બોલાવી દેવાની સૂચના આપી છે. આ સૂચનાથી જેના ઘરે પ્રસંગ છે તે પરિવારના લોકોમાં ઘણી નારાજગી જોવા મળી હતી.


એરપોર્ટથી લઇને કોટેશ્ર્વર અને ત્યાંથી મોટેરા સ્ટેડિયમના રૂટ પર 7 પાર્ટી પ્લોટ આવેલા છે. તેમજ ગાંધી આશ્રમથી મોટેરાના રૂટ ઉપર પણ પાર્ટી પ્લોટો આવેલા છે. આ પાર્ટી પ્લોટમાં પોલીસે જઇને યોજાનારા લગ્નપ્રસંગો અંગેની માહિતી મેળવી હતી. તેમજ જેમણે પાર્ટી પ્લોટ બુક કરાવ્યા છે તે લોકોની પણ માહિતી અને મોબાઇલ નંબરો મેળવ્યા છે. પોલીસે આ લોકોને લગ્ન પ્રસંગમાં આવનારા મહેમાનોને રવિવાર રાત સુધીમાં પાર્ટી પ્લોટમાં બોલાવવાની સૂચના આપી છે. તેમજ સોમવારે બન્ને મહાનુભવોના કોન્વેય અને રોડ શો વખતે વરઘોડો નહીં કાઢવાની ખાસ સૂચના આપવામાં આવી છે. જેના કારણે જે લોકોએ પાર્ટી પ્લોટ બુક કરાવ્યા છે એ લોકોને ઘણી હાડમારી ભોગવવી પડશે.


GCA
અને CBCAના હોદ્દેદારો ટ્રમ્પના કાર્યક્રમમાં ભૂલાયા
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટના તમામ હોદ્દેદારો ટ્રમ્પના કાર્યક્રમ હજી સુધી ટ્રમ્પના કાર્યક્રમનું આમંત્રણ મળ્યું નથી. હોદ્દેદારો ટ્રમ્પના કાર્યક્રમમાં ભુલાઇ જતાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ટેડિયમની ઓથોરિટી જીસીએ પાસે છે. અને સીબીસીએ તેનો મહત્ત્વનો ભાગ છે. અગાઉ કોઇ પણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય મેચ હોય તો જીએસએ તમામ અને સીબીસીએના મોટાભાગના હોદ્દેદારોને વીઆઇપી ટિકિટોની ફાળવણી થતી હતી, પરંતુ ટ્રંપના કાર્યક્રમમાં હજી સુધી આમંત્રણ મળ્યું નથી. જીસીએના ટોચના ગણતરીના લોકોને જ આમંત્રણ મળે તેવી શક્યતા છે. જ્યારે સીબીસીએના હોદ્દેદારોને આમંત્રણ મળવાની શક્યતા નહિવત છે. તેમને પૂછવામાં આવે તો આમંત્રણની આશા હોવાનું જણાવી વાતને ટાળી રહ્યા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post