• Home
  • News
  • 50 વર્ષની બ્લૉકબસ્ટર કરિયર, 125 ફિલ્મો, 72 અભિનેત્રી સાથે અભિનય બાદ સાજણની અલવિદા, હવે માત્ર સંભારણા
post

1970માં પ્રથમ ફિલ્મ, 60 વર્ષમાં 15,000 શૉ કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-28 10:29:59

ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું 77 વર્ષની વયે નિધન થયું છે. નરેશ અને મહેશ કનોડિયાએ દારુણ ગરીબીમાં જીવીને સંઘર્ષ કરીને સફળતાનાં શિખરો સર કર્યા હતાં. એક મુલાકાતમાં નરેશ કનોડિયાએ કહ્યું હતું કે અમદાવાદમાં હું બુટપૉલિશ કરતા તથા ઘરેઘરે જઈને કચરો વીણતો. સવારે લોકો દાતણ કરતા હોય અને જે દાતણમાંથી ઊલિયું બનાવતા એની ચીરીઓ વીણી લેતો અને પછી એને તડકામાં સૂકવતા અને તે ચૂલામાં નાખતા અને પછી ચા બનતી. મહેશ-નરેશનો સંઘર્ષ પોતે જ એક ફિલ્મી કથા સમાન હતો.

ગાયક અને સંગીતકાર પ્રફુલ્લ દવેએ જણાવ્યું હતું કે, ‘નરેશભાઈ માટે મેં પહેલી વાર ફિલ્મ તમે રે ચંપો ને અમે કેળનું ટાઇટલ સોંગ ગાયું હતું. બસ, એ ગીતથી હું એમનો અવાજ બની ગયો. નરેશકુમાર કાયમ કહેતા કે આપણું રાજ કપૂર ને મુકેશ જેવું છે. ગીતમાં અવાજ ભલે મારો હોય પણ પડદા પર જાણે નરેશકુમાર જ ગાતા હોય, એવું લાગતું. મહેશકુમાર અને નરેશકુમાર બંને ગાતા હતા પણ તેમનાં પત્નીએ તેમને કહેલું કે તમારે સ્ક્રીન પર ચાલવું હોય તો અવાજ પ્રફુલ્લભાઈનો લેજો!

25-28 વર્ષની કરિયરમાં મારે કે એમને ક્યારેય જીભાજોડી કે દલીલબાજી થઈ નથી. નરેશભાઈનો તકિયાકલામ હતો, ‘માણહના પેટનો થા...

એક વખત અમારે મુંબઈમાં રેકોર્ડિંગ માટે જવાનું હતું. કાર મહાલક્ષ્મી બ્રિજ પાસેથી પસાર થઈ ત્યારે નરેશકુમાર દુ:ખી જણાયા. મેં દુ:ખી થવાનું કારણ પૂછ્યું. ત્યારે એમણે કહ્યું, આ બ્રિજની નીચે હું ને બાપા (મહેશ કનોડિયા) વર્ષો સુધી કંતાન બાંધીને રહ્યા છીએ. જ્યારે જ્યારે અહીંથી પસાર થાઉં છું ત્યારે ત્યારે એ દિવસો મને યાદ આવે છે. આટલાં વર્ષો પછી પણ મને એક ડર પણ લાગે છે કે ફરીથી અમારે આ જગ્યાએ આવવાનું નહીં થાય ને! એ સંઘર્ષના દિવસોમાં ખાવાસૂવાના કોઈ ઠેકાણાં નહોતા.

એક દિવસ નરેશભાઈ સાઇડમાં લઈ ગયા અને કહ્યું, હિતેનભાઈ હજુ શરૂઆત છે...
અભિનેતા હિતેન કુમારે જણાવ્યું હતું કે, ‘મહેશભાઈ અને નરેશભાઈએ કારમી ગરીબીમાંથી મહેનત કરીને સફળતા મેળવી. ગુજરાતી ફિલ્મોને જીવતી રાખવા માટે એમણે 4 દાયકા આપ્યા છે. આજે લોકચાહનાના આ સ્તરે કોઈ પહોંચી શકે, એ શક્ય નથી. મહેશભાઈ અને નરેશભાઈની જગ્યા કોઈ લઈ નહીં શકે. મેં નરેશભાઈ સાથે 5-6 ફિલ્મો કરી છે અને દરેક વખતે એમની પાસેથી કાંઈક ને કાંઈક શીખવા મળ્યું છે. ઊંચી મેડીના ઊંચા મોલમારી પહેલી ગુજરાતી ફિલ્મ હતી. નરેશભાઈ કેવી રીતે અભિનય કરે છે, એ જોવા હું જતો. મારી શરૂઆત હતી એટલે હું જોશપૂર્વક એક્શન કરતો. એક દિવસ નરેશભાઈ મને સાઇડમાં લઈ ગયા અને કહ્યું, ‘હિતેનભાઈ, હજી શરૂઆત છે. આટલા જોશથી એક્શન સીન ન કરવા જોઈએ. જાતને સાચવો.મોટા એક્ટર હોવા છતાં તેઓ નવાને માન આપતા.

નરેશ કનોડિયા: 1943-2020

·         નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ બહુચરાજી તાલુકામાં આવેલા કનોડા ગામે થયો હતો.

·         નરેશ-મહેશ કનોડિયાના પિતા મીઠાભાઈ અને માતા દલીબેન વણાટકામ કરતાં હતાં. ચાર ભાઈ, ત્રણ બહેનો અને માતા-પિતા એક રૂમના મકાનમાં રહેતાં હતાં.

·         સ્નેહલતા, જયા ભાદુરી, અરુણા ઈરાની, રોમા માણેક સુધીની અભિનેત્રીઓ સાથે કામ કર્યું.

·         નરેશ કનોડિયાએ 50 વર્ષ સુધી ગુજરાતી સિનેમામાં યોગદાન આપ્યું. અત્યાર સુધી 72 અભિનેત્રીઓ સાથે કામ કર્યું.

·         નરેશ કનોડિયાએ 125થી વધુ ફિલ્મો માં કામ કર્યું જ્યારે તેમના ભાઈ મહેશ કનોડિયાએ 150 જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું.

1970માં પ્રથમ ફિલ્મ, 60 વર્ષમાં 15,000 શૉ કર્યા
1970
માં વેણીને આવ્યા ફૂલ નરેશ કનોડિયાની પ્રથમ ફિલ્મ હતી. નરેશ કનોડિયાની જાણીતા ફિલ્મોમાં મેરુમાલણ, રાજરાજવણ, લાજુલાખણ, ભાથીજી મહારાજ, મેરુમુળાંદે, મોતી વેરાણાં ચોકમાં, વણઝારી વાવ, ઢોલામારુ, કડલાની જોડ, રાજરતન સહિતની અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે. મહેશ-નરેશ કનોડિયા તેમની પાર્ટી માટે પણ જાણીતા હતા. તેમણે મહેશ-નરેશ એન્ડ પાર્ટીએ 60 વર્ષ સુધી દેશવિદેશમાં 15 હજારથી વધુ શૉ કર્યા હતા.

વતન કનોડાથી ખાસ અહેવાલ: મુંબઈમાં શૉ કર્યો, પૈસા ભેગા એટલે આરોગ્યધામ બનાવ્યું
હર્ષદ પટેલ, કનોડા - બહુચરાજી તાલુકાના નાનકડા કનોડા ગામમાં પ્રવેશ કરતાં જ મહેશ-નરેશ આરોગ્ય ધામ નામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજરે પડે છે. ગુજરાતનું આ એક માત્ર એવું સરકારી આરોગ્ય કેન્દ્ર છે, જેના નામ સાથે કોઈ કલાકારનું નામ જોડાયું હોય! ગામના પૂર્વ સરપંચ અને નરેશ કનોડિયાના સમવયસ્ક રતિભાઈ પટેલે જણાવ્યું કે અમારું ગામ વર્ષોથી નદીથી ઘેરાયેલું, રસ્તો નહીં. પ્રસૂતિ કે બીમારી પ્રસંગે લોકોને ચાલીને છેક મહેસાણા જવું પડતું. મહેશ-નરેશે ગામનું આ દૃશ્ય જોયું ત્યારે દ્રવી ઊઠ્યા. દવાખાના માટે ફંડ ભેગું કરવા 15 ઓગસ્ટે મુંબઈના ષણ્મુખાનંદ હોલમાં ચેરિટી શૉ કર્યો અને 2.50 લાખનો ફાળો આપી સ્વખર્ચે આખું દવાખાનું બંધાવી આપ્યું. જેનો લાભ આસપાસનાં 10 ગામોની જનતાને મળી રહ્યો છે. 2017માં ઉદઘાટન વખતે સરકારે ઠરાવ કરી નવા બિલ્ડિંગને મહેશ-નરેશ આરોગ્યધામનામ આપ્યું. જ્યારે ગામમાં આવે ત્યારે કહેતા કે મહેશ-નરેશ હજુ જીવે છે તેમ ફિલ્મી અદામાં કહેતા. ગામના યુવા અગ્રણી સાગર દેસાઇએ જણાવ્યું કે, હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર શિક્ષણ મેળવી શકે તે માટે કનોડિયા પરિવારે રૂ.2 લાખનું દાન આપી 10 કોમ્પ્યૂટર ભેટ આપેલા. તે સમયે તેમણે કહેલું, અમે તો નથી ભણી શક્યા પણ ગામનો કોઇ યુવક કોમ્પ્યુટર શિક્ષણથી વંચિત ના રહે તે જોવાની આપણી ફરજ છે. મહેશ-નરેશ કનોડિયાના 81 વર્ષીય ભત્રીજા ધનજીભાઇ કનોડિયાએ જણાવ્યું કે, તેમનું જીવન ભારે સંઘર્ષમય રહ્યું, 9 વર્ષની ઉંમરે રોજગાર માટે ગામ છોડ્યું. પણ તેમનો ગામ સાથેનો નાતો ક્યારેય તૂટ્યો નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post