• Home
  • News
  • નવાઝ-રિઝવાન ભારે પડ્યા, પાકિસ્તાને ભારતને 5 વિકેટે પરાજય આપ્યો
post

એશિયા કપ-2022ના સુપર-4 મુકાબલામાં પાકિસ્તાને દમદાર બેટિંગ કરી ભારતને 5 વિકેટે પરાજય આપ્યો છે. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું હવે પાકિસ્તાને ભારતને પરાજય આપ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-05 17:38:02

દુબઈઃ મોહમ્મદ રિઝવાન (71 રન) અને મોહમ્મદ નવાઝ (42) ની શાનદાર બેટિંગની મદદથી પાકિસ્તાને એશિયા કપ-2022ના સુપર-4 મુકાબલામાં ભારતને 5 વિકેટે પરાજય આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે કોહલીના 60 રનની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 181 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને 19.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

બાબર આઝમ ફરી ફ્લોપ
પાકિસ્તાન માટે એશિયા કપ-2022માં કેપ્ટન બાબર આઝમનું ફોર્મ ચિંતાનો વિષય છે. બાબર આઝમ સતત ત્રીજી મેચમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. બાબર ઈનિંગની ચોથી ઓવરમાં 14 રન બનાવી રવિ બિશ્નોઈનો શિકાર બન્યો હતો. તો ફખર ઝમાન 15 રન બનાવી યુઝવેન્દ્ર ચહલનો શિકાર બન્યો હતો. 

રિઝવાન અને મોહમ્મદ નવાઝ વચ્ચે 75 રનની ભાગીદારી
પાકિસ્તાને 62 રન પર બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મીડલ ઓવરમાં મોહમ્મદ રિઝવાન અને મોહમ્મદ નવાઝે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ 16મી ઓવરમાં ટીમનો સ્કોર 135ને પાર પહોંચાડી દીધો હતો. મોહમ્મદ નવાઝે 20 બોલમાં 6 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 42 રન બનાવ્યા હતા. તે ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો. 

ખુશદીલ શાહે 11 બોલમાં અણનમ 14 રન બનાવ્યા હતા. ઇફ્તિખાર અહમદ 2 રન બનાવી અણનમ રહ્યો હતો. આસિફ અલી 8 બોલમાં 16 રન બનાવી આઉટ થયો હતો. 

રિઝવાનની શાનદાર અડધી સદી
મોહમ્મદ રિઝવાને પોતાનું ફોર્મ જાળવી રાખતા એશિયા કપમાં પોતાની બીજી અડધી સદી ફટકારી હતી. મોહમ્મદ રિઝવાને ભારત સામે 51 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 71 રન બનાવ્યા હતા. તે 17મી ઓવરમાં મેચ રોમાંચક બની હતી, ત્યારે હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. 

રોહિત શર્મા અને રાહુલે ભારતને અપાવી આક્રમક શરૂઆત
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે આક્રમક શરૂઆત કરી હતી. પ્રથમ ઓવરથી જ કેએલ રાહુલ અને રોહિત શર્માએ આક્રમક રૂપ અપનાવ્યું હતું. ભારતે પાવરપ્લેમાં જ 62 રન બનાવી દીધા હતા. રોહિત શર્મા 16 બોલમાં 2 સિક્સ અને 3 ફોર સાથે 28 ન બનાવી રાહિસ રઉફનો શિકાર બન્યો હતો. તો કેએલ રાહુલ 20 બોલમાં 2 સિક્સ અને 1 ચોગ્ગા સાથે 28 રન બનાવી શાદાબ ખાનનો શિકાર બન્યો હતો.

વિરાટ કોહલીએ સંભાળી ઈનિંગ
ભારતે 62 રન પર બીજી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ વિરાટ કોહલી ક્રીઝ પર આવ્યો હતો. કોહલીએ એશિયા કપમાં સતત બીજી અડધી સદી ફટકારી હતી. કોહલી 44 બોલમાં 4 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 60 રન બનાવી છેલ્લી ઓવરમાં રનઆઉટ થયો હતો. આ વિરાટ કોહલીના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની 32મી અડધી સદી હતી. કોહલી હવે આંતરરાષ્ટ્રીય ટી20માં સૌથી વધુ 50+ સ્કોર કરનાર બેટર બની ગયો છે. તેણે રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો હતો. 

સૂર્યકુમાર, પંત ફેલ
સૂર્યકુમાર યાદવ માત્ર 13 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમાર નવાઝનો શિકાર બન્યો હતો. રિષભ પંત 12 બોલમાં 2 ચોગ્ગા સાથે 14 રન બનાવી આઉટ થયો હતો. તો હાર્દિક પંડ્યા ખાતુ ખોલાવ્યા વગર હસનૈનનો શિકાર બન્યો હતો. દીપક હુડ્ડાએ 16 રન ફટકાર્યા હતા. રવિ બિશ્નોઈ 8 અને ભુવી 0 રન બનાવી અણનમ રહ્યાં હતા.  પાકિસ્તાન તરફથી શાદાબ ખાને 4 ઓવરમાં 31 રન આપી બે વિકેટ લીધી હતી. આ સિવાય નસીમ શાહ, મોહમ્મદ હસનૈન, હારિસ રઉફ અને નવાઝને એક-એક સફળતા મળી હતી.