• Home
  • News
  • નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સની બહાર:વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં થઈ હતી ઈજા, હવે કોમનવેલ્થમાં રોહિત યાદવ કરશે જેવલિન થ્રો
post

વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ચોથા રાઉન્ડમાં પહોંચી હતી ઈજા

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-26 19:33:42

ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડાને ઈજા થતા તે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયો છે. આ ગેમ્સ 28 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. નીરજ ચોપડાને વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપની જેવલિન થ્રોના ફાઈનલ દરમિયાન ઈજા થઈ હતી. ફાઈનલ દરમિયાન નીરજ ચોપડા સાથળ પર પટ્ટી બાંધતો પણ નજરે ચડ્યો હતો.

ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના જનરલ સેક્રેટરી રાજીવ મેહતાએ કોમનવેલ્થમાં રમી શક્શે નહી તે વાતની જાણ કરી છે. તેમણે જણાવ્યુ હતુ કે WACના ફાઈનલ દરમિયાન નીરજને ઈજા પહોંચી હતી. તે હજુ સુધી સંપૂર્ણપણે ફિટ થયો નથી.

નીરજને એક મહિના આરામની સલાહ, હવે રોહિત યાદવ પર રહેશે જવાબદારી
વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપની ફાઈનલ પૂરી થયા પછી નીરજ ચોપડાનો MRI સ્કેન કરવામાં આવ્યો હતો, જેમાં તેને ગ્રોઈન ઈંજરી થઈ હોવાની વાત બહાર આવી હતી. તેવામાં નીરજ ચોપડાને લગભગ એક મહિનો આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપડાનો મેચ 5 ઑગસ્ટે હતો. જોકે તેને ઈજા પહોંચતા હવે આ ઈવેન્ટમાં મેડલની આશા ડીપી મનુ અને રોહિત યાદવ પર રહેશે. જેવલિન થ્રોમાં આ બન્ને ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ચોથા રાઉન્ડમાં પહોંચી હતી ઈજા
વર્લ્ડ ચેમ્પિયનશિપના ફાઈનલમાં નીરજે ચોથા રાઉન્ડમાં 88.13 મીટરનો થ્રો ફેંકીને ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. આ દરમિયાન તેના પગમાં ઈજા થઈ હતી. ફાઈનલમાં નીરજના 6 થ્રોમાંથી 3 થ્રો તો ઈજાની કારણે ફાઉલ થયા હતા. તેના પહેલો અને છેલ્લા બે થ્રો ફાઉલ થયા હતા. નીરજે ખુદ કહ્યુ હતુ કે ચોથા થ્રોમાં તેને ગ્રોઈનમાં વધુ ઈજા પહોંચી હતી. જેના કારણે છેલ્લા બે થ્રોમાં પૂરી રીતે જોર લગાવી શક્યો નહતો.

નીરજ ચોપડાને કોમનવેલ્થમાં રમવાની આશા હતી
વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ નીરજને ચોથા થ્રો પછી સાથળમાં પ્રોબ્લેમ થયો હતો. તેણે કહ્યુ હતુ કે, 'મેં પટ્ટી બાંધી અને થ્રો કર્યો. અત્યારે મેડલ જીતવાનો જોશ છે એટલે કંઈ ખ્યાલ નથી. હવે સવારે જ ખ્યાલ આવશે કે ઈજા કેટલી ગંભીર છે! આશા છે કે ઈજા ગંભીર નહિ હોય અને કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શકીશ'.

2019માં ઈજાના કારણે કરિયર ખતમ થવાનું જોખમ હતુ

2019માં નીરજ ચોપડાને કોણીમાં ઈજા થઈ હતી. ઈજા એટલી ગંભીર હતી કે તેનુ કરિયર જોખમમાં હતુ. જોકે નીરજે ઓપરેશન કરાવ્યુ હતુ. તેણે અંદાજે એક વર્ષ સુધી પોતાનો ફોન બંધ રાખ્યો હતો, અને વાપસી કરી હતી. ત્યારબાદ તેણે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.