• Home
  • News
  • ગુજરાતમાં આજથી ટ્રાફિકના નવા નિયમો હેઠળ પાંચ ગણા દંડનો અમલ શરૂ
post

રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો અને આકરા દંડનો અમલ લાભ પાંચમથી શરૂ

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-01 12:03:32

અમદાવાદ: રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો અને આકરા દંડનો અમલ લાભ પાંચમથી શરૂ થશે. હવે હેલ્મેટ, પીયુસી અને એચએસઆરપી નહીં હોય તો નાગરિકોએ જૂના દંડ કરતાં પાંચ ગણો દંડ ભરવો પડશે.કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં કરેલા સુધારા બાદ દેશભરમાં તેનો અમલ શરૂ કર્યો છે. ગુજરાતમાં પણ અમલ શરૂ થયો હતો. જો કે લોકોમાં નવા દંડ સામે રોષને જોતા સરકારે નવા નિયમો પ્રમાણે દંડ વસૂલવાની મર્યાદા વધારી હતી અને વાહનચાલકોને 10 સપ્ટેમ્બર સુધીની છૂટ આપી હતી ત્યારબાદ સરકારે નવા નિયમોમાં દંડની માંડવાળની રકમમાં ઘટાડો કર્યો હતો. અને છેલ્લે 15 ઓક્ટોબરથી નવા નિયમો અનુસાર દંડનીય કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે પાછળથી દિવાળીના તહેવારોને અનુલક્ષી સરકારે 31 ઓક્ટોબર સુધી નવા ટ્રાફિક નિયમોના પાલનની મુદત લંબાવી હતી.

હવે 1 નવેમ્બરથી નવા નિયમોનો અમલ શરૂ થશે. આ નિયમોનુસાર હેલ્મેટ પહેર્યા વિના વાહન હંકારનારા, સીટબેલ્ટ બાંધ્યા વિના કાર ચલાવતા નાગરિકો અને બ્લેક ફિલ્મ ધરાવતા ફોર વ્હીલર તેમજ ત્રણ સવારી વાહન ચલાવનારા પાસેથી નવા નિયમો પ્રમાણે જંગી દંડની રકમ વસૂલવામાં આવશે. જે વાહનચાલકો સ્થળ પર જ દંડની રકમ નહીં આપે તેમના વાહનો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

આ સાથે એચએસઆરપી નંબર પ્લેટ અંગે પણ ટ્રાફિક પોલીસની કામગીરી હાથ ધરાશે જેનું ઉલ્લંઘન કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકારે બે વખત મુદતમાં કરેલા વધારા બાદ અત્યાર સુધી નાગરિકો બિન્ધાસ્તપણે વાહન ચલાવતા હતા જો કે હવે આજથી નવા નિયમોનું પાલન શરૂ થતાં આવા લોકો સામે ટ્રાફિકના નવા નિયમ હેઠળ કાર્યવાહી કરાશે.

નાયબ પોલીસ કમિશનર(ટ્રાફિક વેસ્ટ) અજીત રાજીયાણે કહ્યું કે, 1 નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમનો અમલ થવાનો છે. પોલીસનું કામ કાયદાનો અમલ કરાવવાનું છે. પરંતુ તેનો મુખ્ય હેતુ લોકોની સલામતી વધારવાનો છે. હેલ્મેટ વિના વાહન હંકારનારાને અકસ્માત થાય તો તેના પરિવારને ભોગવવું પડે છે. પોલીસને દંડમાં નહીં લોકોની સુરક્ષામાં રસ છે.