• Home
  • News
  • નીરવ રાયચુરાની એક IPS સાથે સ્વિમિંગ પૂલમાં મિત્રતા થઈ અને કોલસેન્ટર કૌભાંડની શરૂઆત થઈ
post

નીરવ રાયચુરાનો અકસ્માત થયો અને સેગી કોલસેન્ટરનો કિંગ બની ગયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-02 11:05:39

કોલસેન્ટર કૌભાંડનો પાયો નાખનાર નીરવ રાયચુરા વૈભવી લાઈફસ્ટાઇલ માટે જાણીતો હતો. કોલસેન્ટરની આંધળી કમાણી માટે તેને એક IPS અધિકારીની મદદ મળી અને તેની કમાણી ટોપ ગિયરમાં આવી ગઇ હતી. સેગી ઉર્ફે સાગર ઠાકરને કોલસેન્ટરનો એ-ટુ-ઝેડ પાઠ નીરવ રાયચુરાએ શીખવ્યો હતો અને સેગી પાછળથી નીરવના કોન્ટેક્ટ અને સ્ટાઇલથી કામ કરવા માંડ્યો હતો. આ આખા કોલસેન્ટર કૌભાંડની શરૂઆત અમદાવાદના એક સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ શીખવા જતી વખતે IPS અધિકારી સાથે હોવાની વિગત સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.

ગુજરાતના એક IPS અધિકારી પણ ચર્ચામાં આવ્યા
કોલસેન્ટર કૌભાંડમાં સેગી ઉર્ફે સાગર ઠાકર અન્ય રાજ્યની પોલીસ તપાસમાં સામે આવ્યો ત્યારે ગુજરાતના એક IPS અધિકારી પણ ચર્ચામાં આવ્યા હતા, પણ કોઇ કારણસર સેગી સીધો પોલીસના હાથમાં આવ્યો ન હતો. હાલ સેગીને કોલસેન્ટરના પાઠ ભણાવનાર નીરવ રાયચુરા પોલીસ કસ્ટડીમાં છે, પણ તેની વૈભવી લાઇફસ્ટાઈલ જોઇને પોલીસ પણ ચોંકી ઊઠી છે.

દારૂ ખરીદવા નીરવ વિદેશ જતો હતો
માહિતી પ્રમાણે સ્પેશિયલ દારૂની બોટલ ખરીદવા માટે નીરવ વિદેશ જતો હતો. એટલું જ નહીં, ડ્યૂટી ફ્રી શોપ પરથી તે દારૂ ખરીદીને પોતાના બારમાં સજાવતો હતો. નીરવ રાયચુરાએ જ્યારે કોલસેન્ટર કૌભાંડની શરૂઆત કરી ત્યારે તેના કોઇ કોન્ટેક્ટ ન હતા, પરંતુ તે રોજ સવારે સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરવા જતો હતો ત્યારે એક પોલીસ અધિકારી પણ ત્યાં આવતા હતા અને તેણે નીરવને મદદ કરી અને તે કોલસેન્ટરનો બાદશાહ બની ગયો હતો.

કોલસેન્ટર પર કોઈ પોલીસ પહોંચે તો તેની સીધા અધિકારી વાત કરાવી દેતો
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પોલીસ અધિકારીની વગના કારણે નીરવના કોલસેન્ટર પર કોઇ પોલીસ જાય તો તે તેની વાત સીધી પોલીસ અધિકારી સાથે વાત કરાવી દેતો હતો. આ દરમિયાન સેગી પણ નીરવ સાથે કોન્ટેક્ટમાં હતો, પણ નીરવનો એ દરમિયાન સ્પોર્ટ્સ બાઈક પર અકસ્માત થયો અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત થયા બાદ ઘણા સમય સુધી નીરવ નિષ્ક્રિય રહ્યો, જેનો લાભ સેગીએ લીધો અને તે નીરવના કોન્ટેક્ટનો ઉપયોગ કરવા માંડ્યો હતો. તેણે પોલીસ અધિકારી સાથે હાથ મિલાવી લીધા હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post