• Home
  • News
  • નિર્ધન કાંબલીને મળી નોકરીની ઓફર:સેલરી એક લાખ રૂપિયા, ફાઇનાન્સ વિભાગમાં કામ કરવાનું રહેશે
post

કાંબલીએ પોતાના સ્કૂલના દિવસોમાં સચિન તેડુંલકરની સાથે રેકોર્ડ 664 રનની ભાગીદારી કરી ક્રિકેટજગતમાં સનસની મચાવી દીધી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-24 18:08:39

આર્થિક સંકટમાં જીવન પસાર કરી રહેલા પૂર્વ ક્રિકેટર અને સચિન તેંડુલકરના ખાસ મિત્ર વિનોદ કાંબલીને નોકરીની ઓફર મળી છે. મહારાષ્ટ્રના એક વ્યવસાયી સંદીપ થોરાટે તેમને પોતાની કંપની સહ્યાદ્રિ ઉદ્યોગ સમૂહના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં 1 લાખ રૂપિયા મહિનાની સેલરીની સાથે જોબ ઓફરી કરી છે.

જોકે વિનોદ કાંબલીએ હજુ સુધી આ ઓફરને લઈને કોઈ જવાબ નથી આપ્યો. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરે 5 દિવસ પહેલાં જ મિડ-ડેને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની આર્થિક હાલતનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે બેરોજગાર છે અને કામ શોધી રહ્યો છે. હાલ BCCI દ્વારા આપવામાં આવતા 30 હજાર રૂપિયાના પેન્શન પર જીવી રહ્યો છે.

મિડ-ડે સાથેની વાતચીતમાં કાંબલીએ કહ્યું હતું....
'
હું એક રિટાયર્ડ ક્રિકેટર છું અને સંપૂર્ણપણે BCCIના પેન્શન પર નિર્ભર છું. મારી આવક માત્ર પેન્શનથી જ છે. હું BCCIનો આભારી છું. મને એસાઈનમેન્ટ જોઈએ છે કે જેથી યુવા ક્રિકેટરોની મદદ કરી શકું. મુંબઈએ અમોલ મજુમદારને મુખ્ય કોચપદે યથાવત્ રાખ્યો છે અને તેમને જો મારી જરૂરિયાત છે તો હું ત્યાં છું. મેં તેમને અનેક વખત કહ્યું કે જો તમને મારી જરૂરિયાત છે તો હું તમારી સાથે જ છું. મારો પરિવાર છે અને મારે તેમની દેખભાળ કરવાની છે. ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધા પછી તમારા માટે કોઈ ક્રિકેટ નથી, પરંતુ જો તમને જીવનમાં સ્થિરતા જોઈએ તો એસાઈનમેન્ટ હોવા જરૂરી છે. હું MCAના પ્રેસિડન્ટને અનુરોધ કરું છું કે જો મારી જરૂર છે તો હું તૈયાર છું.'

ચેઇન-બ્રેસ્લેટ બધું જ ગાયબ, મોબાઈલ સ્ક્રીન પણ તૂટેલી
મિડ-ડેને ઈન્ટરવ્યુ સમયે કાંબલીનો લુક ઘણો જ બદલાઈ ગયો હતો. પોતાના લુક અને સ્ટાઈલ માટે જાણીતો કાંબલી સફેદ દાઢીમાં જોવા મળ્યો. તેના ગળામાં ન તો ગોલ્ડ ચેઈન હતી કે ન તો હાથમાં બ્રેસ્લેટ અને ઘડિયાળ. અહીં સુધીની તેમના મોબાઈલ ફોનની સ્ક્રીન પણ તૂટેલી જોવા મળી હતી.

અનેક પ્રોફેશનમાં ટ્રાય કરી છે, પરંતુ અસફળ જ રહ્યો
વિનોદ કાંબલીએ વર્ષ 2000માં છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી. એ બાદ તે અનેક પ્રોફેશનમાં હાથ અજમાવી ચૂક્યો છે, પરંતુ તેને સફળતા કયાંય ન મળી. જે સંજય દત્તની સાથે કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળ્યો. તેણે પલ-પલ દિલ કે સાથ, આજ કા યુગાંધર અને અનર્થ જેવી ફિલ્મો કરી હતી. બાદમાં એડ ફિલ્મો પણ કરી. અંતે, કોચિંગ પણ કર્યું. કાંબલી એ રાજકીય પાર્ટી સાથે પણ જોડાયો હતો. છેલ્લે, તે 2019માં મુંબઈ ટી-20 લીગમાં એક ટીમની કોચિંગ કરી રહ્યો હતો.

સચિનની સાથે બનાવી હતી અનેક રેકોર્ડ ભાગીદારી

કાંબલીએ પોતાના સ્કૂલના દિવસોમાં સચિન તેડુંલકરની સાથે રેકોર્ડ 664 રનની ભાગીદારી કરી ક્રિકેટજગતમાં સનસની મચાવી દીધી હતી. 34 વર્ષ પહેલાં બનેલી આ રેકોર્ડ ભાગીદારીમાં વિનોદ કાંબલીએ 349 રન અને સચિન તેંડુલકર નોટઆઉટ રહીને 326 રન બનાવ્યા હતા. એટલું જ નહીં, કાંબલીએ પોતાની શરૂઆતની સાત મેચમાં 793 રન બનાવ્યા હતા. કાંબલીની હાલની સ્થિતિનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે તે મેદાન પર કોઈપણ કામ કરવા માટે તૈયાર છે.