• Home
  • News
  • રાજનીતિના મૌસમ વૈજ્ઞાનિક હતા પાસવાન:નીતીશ પહેલાં રાજનીતિમાં આવ્યા હતા; બે લગ્ન કર્યાં, પહેલી પત્ની આજની તારીખે પણ ગામડામાં રહે છે અને બીમાર છે
post

લાલુ યાદવ, શરદ યાદવ અને રામવિલાસ પાસવાન. આ ફોટો લગભગ 35 વર્ષ જૂનો છે. ત્યારે પાસવાન 1977 અને 1980ની લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-09 09:57:21

ભારતના રાજકારણમાં 'મૌસમ વૈજ્ઞાનિક'ના નામથી ઓળખાતા રામવિલાસ પાસવાનની રાજકીય સફર પાંચ દશકાથી પણ જૂની છે. આ સદી કે છેલ્લા બે દશકામાં તેઓ કેન્દ્રની દરેક સરકારમાં મંત્રી રહ્યા. પાંચ દશકામાં રામવિલાસ પાસવાન 8 વખત લોકસભાના સભ્યા બન્યા. પાસવાન એ સમયે બિહાર વિધાનસભાના સભ્ય બની ગયા હતા, જ્યારે લાલુપ્રસાદ યાદવ અને નીતીશ કુમાર હજુ પોતાના વિદ્યાર્થીકાળમાં જ હતા.

ઈમર્જન્સી દરમિયાન ઈન્દિરા ગાંધીવાળી કોંગ્રેસ સરકાર સામે લડવાથી લઈને પાંચ દશકા સુધી પાસવાન અનેક વખત કોંગ્રેસની સાથે જોવા મળ્યા, તો ઘણી વખત વિરુદ્ધમાં ચૂંટણી લડતા અને જીતતા રહ્યા. 1977ની લોકસભા ચૂંટણીમાં હાજીપુર સીટ પરથી જનતા દળની ટિકિટ પર ચૂંટણી લડેલા પાસવાને ચાર લાખથી વધુ વોટથી જીત મેળવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જે બાદ 2014 સુધી તેમમે આઠ વખત ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી. હાલ તેઓ રાજ્યસભાના સભ્ય હતા.

1969માં શરૂ થઈ રાજકીય સફર
રામવિલાસ પાસવાનની રાજકીય સફર 1969માં ત્યારે શરૂ થઈ હતી, જ્યારે તેઓ સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતીને વિધાનસભાના સભ્યા બન્યા હતા. ખગડિયામાં એક દલિત પરિવારમાં 5 જુલાઈ, 1946ના રોજ જન્મેલા રામવિલાસ પાસવાન રાજકારણમાં આવ્યા એ પહેલાં બિહાર પ્રશાસનિક સેવામાં અધિકારી હતા. પાસવાને ઈમર્જન્સીનો પિરિયડ જેલમાં જ પસાર કર્યો હતો. ઈમર્જન્સી પૂરી થતાં જ પાસવાન જેલમાંથી છૂટ્યા અને જનતા દળમાં સામેલ થઈ ગયા. જનતા દળની ટિકિટ પરથી જ તેમણે હાજીપુર સંસદીય સીટથી 1977ની લોકસભા ચૂંટણી લડી અને જીત મેળવી, જે ઐતિહાસિક બની રહી.

વીપી સિંહની સરકારમાં પહેલી વખત કેબિનેટમાં સામેલ થયા પાસવાન
1977
ની રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ રામવિલાસ પાસવાન ફરીથી 1980 અને 1989ની લોકસભા ચૂંટણી જીત્યા. એ બાદ વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકારમાં તેઓ પહેલી વખત કેબિનેટ મંત્રી બન્યા. એ બાદ અનેક વર્ષો સુધી અલગ અલગ સરકારમાં પાસવાને રેલથી લઈને દૂરસંચાર અને કોલસા મંત્રાલય સુધીની જવાબદારી સંભાળી. આ વચ્ચે તેઓ ભાજપ, કોંગ્રેસ, આરજેડી અને જેડીયુની સાથે અનેક ગઠબંધન સાથે જોડાયેલા રહ્યા અને કેન્દ્ર સરકારમાં મંત્રીપદ યથાવત્ રાખ્યું. પાસવાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી બંને સરકારમાં ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી રહ્યા.

એનડીએ છોડ્યાં બાદ પરત ફર્યા
રામવિલાસ પાસવાને 2002માં ગોધરા રમખાણ બાદ તત્કાલીન અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રીપદેથી રાજીનામું આપ્યું અને એનડીએ સાથેનો સંબંધ પણ તોડી નાખ્યો. એ બાદ પાસવાન કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએમાં સામેલ થયા અને મનમોહન સિંહ સરકારમાં બે વખત કેબિનેટ મંત્રી રહ્યા. જોકે 2014 શરૂ થતાં થતાં પાસવાન ફરી એક વખત યુપીએ સાથેનો સંબંધ તોડીને એનડીએમાં સામેલ થઈ ગયા. 2014 અને પછી 2019માં કેન્દ્રમાં આવેલી મોદીસરકારમાં તેમને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરી મહત્ત્વના મંત્રાલય આપવામાં આવ્યું.

પાસવાનનું જીવન હંમેશાં ખાનગી જ રહ્યું
દેશના રાજકારણમાં આટલા લાંબા સમય રહ્યાં બાદ પણ રામવિલાસ પાસવાનનું જીવન લગભગ ખાનગી જ રહ્યું. તેમના જીવન પર વાતો ત્યારે જ થઈ જ્યારે વિવાદ થયો. પાસવાને બે લગ્ન કર્યાં હતાં. તેમની પહેલી પત્નીથી બે દીકરી છે, જ્યારે બીજી પત્નીથી એક પુત્ર ચિરાગ પાસવાન અને પુત્રી છે. તેમની પહેલી પત્ની હાલ પણ તેમના ગામ શહરબન્નીમાં જ રહે છે અને હાલના દિવસોમાં તે બીમાર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post