• Home
  • News
  • 38 વર્ષીય જેમ્સ એન્ડરસન પર ઉંમરની કોઈ અસર નહીં, 30 વર્ષની વય પછી 332 વિકેટ લીધી
post

એન્ડરસને 35 વર્ષનો થયો પછી પ્રતિ વિકેટ રનોની સરેરાશ માત્ર 21.60 રન પર લાવી દીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-27 12:16:56

હાલમાં જ ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ લેનાર એકમાત્ર ફાસ્ટ બોલરનો રેકોર્ડ સર્જનાર 38 વર્ષીય જેમ્સ એન્ડરસન પર ઉંમરની કોઈ અસર થઈ નથી. ખરેખર તો ઉંમર વધતા તેની બોલિંગની ધાર વધારે મજબૂત થઈ રહી છે. ફાસ્ટ બોલરોમાં વિશ્વમાં સૌથી વધુ 156 ટેસ્ટ રમી ચૂકેલા એન્ડરસને પોતાની કરિયરમાં 55.3 ટકા એટલે કે અડધાથી પણ વધારે વિકેટ્સ 30 વર્ષની વય પછી મેળવી છે. જ્યારે ફાસ્ટ બોલર્સની દુનિયામાં 30ની વય પછી ધાર નબળી પડી જતી હોવાનું કહેવાય છે. એન્ડરસને 30 વર્ષની વય પછી 332 વિકેટ મેળવી છે.

વધતી વયની સાથે ખીલવાનો એક વધુ પુરાવો એ પણ છે કે પ્રતિ વિકેટ રન આપવાની એન્ડરસનની સરેરાશ પણ વધતી વય સાથે ઘટી રહી છે. અગાઉ 100 વિકેટ સુધી એન્ડરસન પ્રતિ વિકેટ 34.8 રન આપતો હતો અને હવે 600 વિકેટે પહોંચ્યા બાદ આ સરેરાશ ઘટીને 26.76ની થઈ ગઈ છે. ઉંમર સાથે સાંકળીએ તો એન્ડરસને 35 વર્ષનો થયો પછી પ્રતિ વિકેટ રનોની સરેરાશ માત્ર 21.60 રન પર લાવી દીધી છે. વયની સાથે એન્ડરસન વધુ ખીલી રહ્યો છે એ જોતા એવું લાગે છે કે હજુ વધુ બે વર્ષ તે ક્યાંય જશે નહીં અને નવા રેકોર્ડ રચશે.

બ્રૉડ સાથે સૌથી ખતરનાક
ટેસ્ટ ક્રિકેટની દુનિયામાં વર્તમાન ફાસ્ટ બોલરોમાં સૌથી ખતરનાક જોડી એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રૉડની છે. એન્ડરસન અને બ્રૉડે કુલમળીને 1114 વિકેટ મેળવી છે.

600 વિકેટ મેળવવા કેટલા બોલ ફેંક્યા

ખેલાડી

બોલની સંખ્યા

મુરલીધરન

33,711

જે.એન્ડરસન

33,717

શેન વોર્ન

34,919

એ.કુંબલે

38,496

એન્ડરસનની પ્રતિ વિકેટ સુધરતો રનરેટ

વિકેટ

રન રેટ

100મી

34.8

200મી

32.2

300મી

30.43

400મી

29.3

500મી

27.65

600મી

26.76