• Home
  • News
  • હવે ટ્રાફિક મેમો કપાયા પછી જપ્ત વાહન માટે ભટકવું નહીં પડે
post

પ્રવાસ વખતે કોઈ કારણસર વાહનના દસ્તાવેજો સાથે નથી, તો વાહન ચાલકને 15 દિવસનો સમય અપાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-20 11:19:50

નવી દિલ્હી: વાહનોના દસ્તાવેજો કોઈ તપાસ વખતે અધૂરા હશે તો પોલીસ કે અન્ય અધિકારી તે જપ્ત કરે છે, તો તેને શોધવા માટે હવે ભટકવું નહીં પડે. કાગળિયા ક્યાં જમા છે, તેની જાણકારી એમ પરિવહન પોર્ટલ પર મળી જશે. આ પોર્ટલ પર જપ્ત કરનારા અધિકારીની પણ સંપૂર્ણ જાણકારી મળી જશે. તેનાથી વાહન માલિક સંબંધિત કાર્યાલયમાં જઈને દસ્તાવેજો પાછા લઈ શકશે. માર્ગ પરિવહન મંત્રાલયે એમ પોર્ટલ સાથે જોડાયેલી આ નવી પ્રક્રિયા મુદ્દે નોટિફિકેશન જારી કરી દીધું છે. માર્ગ પરિવહન મંત્રાલયે વાહનોના દસ્તાવેજ જપ્ત કર્યા પછી તેનાથી સંબંધિત જાણકારી એ જ દિવસે સાંજે એમ પરિવહન પોર્ટલ પર અપલોડ કરવાનો પણ આદેશ આપ્યો છે. તે જવાબદારી દસ્તાવેજ જપ્ત કરનારા અધિકારીની જ રહેશે.


આ ઉપરાંત મંત્રાલયે એવો આદેશ પણ આપ્યો છે કે, જો પ્રવાસ વખતે કોઈ કારણસર વાહનના દસ્તાવેજો સાથે નથી, તો વાહન ચાલકને 15 દિવસનો સમય અપાશે. એ ગાળામાં કોઈ પોલીસ અધિકારી કે અન્ય અધિકારી દ્વારા ખરાઈ કરેલા દસ્તાવેજ પોસ્ટ દ્વારા મોકલી શકાશે. જેમ કે, કોઈ વાહનની આરસી અને વીમો છે, પરંતુ પીયુસી સાથે નથી, તો પોલીસ અધિકારી બંને દસ્તાવેજ જપ્ત કરી લેતો હતો. ત્યાર પછી કોર્ટમાંથી વાહન છોડાવવું પડતું, પરંતુ નવા આદેશથી વાહન માલિક 15 દિવસમાં અન્ય દસ્તાવેજ મોકલી દેશે, તો નક્કી દંડ જમા કર્યા પછી તમામ દસ્તાવેજ આપી દેવાશે. સોફ્ટવેરમાં એવી વ્યવસ્થા પણ કરાઈ રહી છે કે, જપ્ત થયેલા દસ્તાવેજવાળા વાહનનો નંબર નાંખતા જ તે લાલ રંગમાં દેખાશે, જેનાથી તેની ઓળખ સરળતાથી કરી શકાય.


હાલ આ અસુવિધા થાય છે
હાલ પોલીસ કે માર્ગ પરિવહન અધિકારી દ્વારા વાહનના દસ્તાવેજ જપ્ત કર્યા પછી તેને છોડાવવા પોલીસ મથકથી લઈને જે તે વિસ્તારના પરિવહન કાર્યાલયના ચક્કર લગાવવા પડે છે. આ દરમિયાન વાહન માલિક કોઈ બીજા જિલ્લા કે રાજ્યનો હોય, ત્યારે તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post