• Home
  • News
  • ટોક્યોમાં ભારતીય એથ્લિટ પાસેથી મેડલની આશા નથી: મિલ્ખા
post

એથ્લેટિક્સમાં ઓલિમ્પિક મેડલ સરળ વાત નથી, આ ક્રિકેટ નથી કે 5-7 દેશ જ રમે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-11 10:58:03

ભોપાલ. એથ્લેટિક્સમાં ઓલિમ્પિક મેડલ જીતવું સરળ નથી. તે માટે ખેલાડી અને કોચમાં ધીરજ, મહેનત અને શિસ્ત હોવી જરૂરી છે. આ રમતમાં મેડલ જીતાડવા માટે ભારતની વિવિધ એજન્સીઓએ સાથે મળી ગંભીરતાથી કામ કરવાની જરૂર છે. મને ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય એથ્લિટ પાસેથી મેડલની આશા નથી. ફ્લાઈંગ શીખ નામથી જાણીતા દેશના દિગ્ગજ એથ્લિટ મિલ્ખા સિંહે આ વાત જણાવી હતી. તેમણે એથ્લેટિક્સમાં મેડલની આશા મુદ્દે કહ્યું કે,‘આ એટલી સરળ વાત નથી. એથ્લેટિક્સ ઓલિમ્પિકમાં નંબર-1 રમત છે. બાકીની રમત તેના કરતા પાછળ છે ભલે તે શૂટિંગ હોય કે બોક્સિંગ. આ ક્રિકેટ નથી જેમાં 5-7 દેશ રમતા હોય. જેમાં આજે ભારત જીત્યું તો કાલે હાર મળી હોય. ઓલિમ્પિક ગેમ્સમાં 200થી 220 દેશોના એથ્લિટ ભાગ લેતા હોય છે. એવામાં એથ્લેટિક્સમાં ઓલિમ્પિક મેડલ મળશે નહીં. આઝાદી બાદથી અમુક જ એથ્લીટ એવા છે જે ફાઈનલ સુધી પહોંચી શકે છે, જેમકે તેઓ પોતે, પીટી ઉષા, શ્રીરામ, ગુરુબચન સિંહ રંધાવા, અંજુ બોબી જ્યોર્જ. જોકે હવે આપણે મેડલ નથી જીતી શકતા. પરંતુ ફાઈનલમાં પહોંચવું પણ સરળ નથી હોતું.
કેન્યા, જમૈકાના એથ્લિટ ફિનિશ લાઈન પહેલા બાજી પલટતા હોય છે 
90
વર્ષીય મિલ્ખાએ કહ્યું કે,‘મને નથી લાગતું કે ટોક્યો ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં એક પણ મેડલ મળશે. દુતી ચંદ અને હિમા દાસ ઘણી સારી ખેલાડી છે. પરંતુ તેમને વધુ સારી ટ્રેનિંગની જરૂર છે. તેમને યોગ્ય માર્ગદર્શન મળે તો તેઓ કંઈ કરી શકે છે. હાલ ભારત પાસે એથ્લેટિક્સ સ્ટાન્ડર્ડ વિશે માહિતી નથી. અમેરિકા, કૈન્યા, જમૈકા, ઓસ્ટ્રેલિયાની યુવતીઓ તોફાન છે. તેઓ ફિનિશ લાઈન અગાઉ બાજી પલટતી હોય છે.
ખેલાડીએ વર્લ્ડ રેકોર્ડને ધ્યાનમાં રાખી પ્રેક્ટિસ કરવી પડશે
મિલ્ખાએ કહ્યું,‘હું કોચને જવાબદાર નથી ઠેરવતો કારણ કે તેઓ હંમેશા મારી વિરુદ્ધ રહેતા. મારું માનવું છે કે, પુલેલા ગોપીચંદે વર્લ્ડ લેવલના શટલર તૈયાર કર્યા છે. પીટી ઉષાને કોચ પીતાંબરમે તૈયાર કરી. કુશ્તી, બોક્સિંગ, શૂટિંગના કોચ ઓલિમ્પિક મેડલિસ્ટ ખેલાડી તૈયાર કરી શકે છે તો એથ્લેટિક્સના કોચ કેમ નહીં. જરૂર છે તો દ્રઢ ઈચ્છા શક્તિ અને આકરી મહેનતની અમારા કોચ અને ખેલાડીઓને જરૂર કરતા વધુ ગંભીર થવાની જરૂર છે. દરેક એથ્લિટે પોત-પોતાની ઈવેન્ટના વર્લ્ડ રેકોર્ડને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરવી પડશે.
મળીને કામ કરવાની જરૂર

·         મેડલ માટે 5 એજન્સીઓએ મળીને કામ કરવું પડશે. જેમાં એથ્લીટ, કોચ, ભારતીય એથ્લેટિક્સ ફેડરેશન, ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન સામેલ છે. રમત મંત્રાલયે આ તમામ સાથે મિટિંગ કરવી જોઈએ, જેમાં તમામ ફેડરેશનના અધ્યક્ષ અને સેક્રેટરી સામેલ હોય.

·         તેમને પ્રશ્ન કરવા જોઈએ કે જ્યારે સરકાર પૈસા, સ્ટેડિયમ, રમત સાધનો, કોચ ઉપલબ્ધ કરાવે છે તો મેડલ કેમ નથી મળતા.

·         આપણે સ્કૂલ ગેમ્સની નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ થકી એથ્લિટ શોધવા પડશે અને તેમને તૈયાર કરવા પડશે કારણ કે દરેક એજ ગ્રૂપમાંથી ટેલેન્ટ સામે આવે છે. સિલેક્ટેડ એથ્લિટને એકેડમીમાં મોકલવા પડશે.

·         દરેક સ્ટેટમાં એથ્લેટિક્સ એકેડમી શરૂ કરવી પડશે. એકેડમીમાં મોટી સેલેરી (2 થી 3 લાખ) પર કોચની નિયુક્તિ કરાર પર આધારિત હોય.

·         કોચને જણાવવાનું રહેશે કે 2 વર્ષમાં એશિયન, 4 વર્ષમાં ઓલિમ્પિક મેડલિસ્ટ ખેલાડીઓ જોઈશે. તમે જણાવો કે તમને કેવી સુવિધાઓ જોઈએ છે.