• Home
  • News
  • કોરોના ગાઇડલાઇન:સિદ્ધપુરમાં તર્પણમાં 3થી વધુ શ્રદ્ધાળુ હાજર નહીં રહી શકે, વૃદ્ધો અને 10 વર્ષથી નાના બાળકો નહીં આવી શકે
post

સરસ્વતી નદીના પટ અને માધુપાવડિયા ઘાટના 1 કિમીના વિસ્તારમાં ખાણી-પીણી અને લારી-ગલ્લા ઉપર પ્રતિબંધ

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-25 10:04:38

સિધ્ધપુરમાં કારતક સુદ એકમથી પૂનમ સુધી ભરાતો પ્રખ્યાત મેળો કોરોના મહામારીને કારણે તંત્ર દ્વારા મંજૂરી નહિ મળતા મોકૂફ રખાયો છે.પરંતુ પરંપરાગત સિદ્ધપુર સરસ્વતી નદીના પટમાં માધુપાવડિયા ઘાટ ખાતે કાર્તિકી પૂનમ સુધી ગુજરાત, રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રથી મોટા સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતૃતર્પણ અને સરામણ વિધિ માટે આવતા હોઈ થતી ભીડને કારણે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે ભીડ એકત્ર ન થાય તે માટે તર્પણવિધિ માટે ભૂદેવો પરિવારના ફક્ત 3 લોકોને જ બેસાડી વિધિ કરી શકશે તેમજ સરસ્વતી નદીના પટમાં, માધુપાવડિયા ઘાટના એક કિમી વિસ્તારમાં ખાણી-પીણીના લારી-ગલ્લા ઉપર પણ પ્રતિબંધ ફરમાવાયો છે. આ માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામુ પાડી 24થી 30 નવેમ્બર સુધી ચુસ્ત અમલની તાકીદ કરાઇ છે.

ક્લેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામું

·         એક જ સ્થળે વિધિમાં ત્રણથી વધુ વ્યક્તિઓ એકત્ર થવા પર પ્રતિબંધ રહેશે, એટલે કે ત્રણ વ્યક્તિ જ આવી શકશે.

·         તમામ વ્યક્તિઓએ ફરજિયાત માસ્ક પહેરવું અથવા રૂ.1 હજારનો દંડ વસૂલાશે.

·         ઑટો રિક્ષામાં ડ્રાઈવર ઉપરાંત માત્ર બે મુસાફરો,પરિવારના ઉપયોગ માટેના ખાનગી વાહનમાં ડ્રાઈવર ઉપરાંત માત્ર ત્રણ વ્યક્તિઓ, ટુ-વ્હિલર પર ચાલક સહિત મહત્તમ બે વ્યક્તિ તથા કેબ, ટેક્ષી, કેબ એગ્રીગેટર્સમાં ડ્રાઈવર ઉપરાંત ત્રણ વ્યક્તિઓ તેમજ જો બેઠક ક્ષમતા છ કે તેથી વધુ હોય તો ડ્રાઈવર ઉપરાંત ચાર વ્યક્તિઓ મુસાફરી કરી શકશે.

·         સિદ્ધપુર મુકામે કાર્તિકી પૂર્ણિમા સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા મેળા માટે કોઈ પરવાનગી અપાઇ નથી. માધુપાવડિયા ઘાટ તરફથી ચતુર્દિશામાં જતા તમામ માર્ગોના 1 કિમીના વિસ્તારમાં તથા સરસ્વતી નદીના પટમાં ચા-નાસ્તો, જમવાનું, રમકડાં વગેરેના લારી-ગલ્લાવાળા અને ફેરિયાઓ માટે સંપૂર્ણ પ્રવેશબંધી ફરમાવાઇ છે.

·         65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, કો-મોર્બિડિટી ધરાવતા વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને વિધિના સ્થળે પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.

વિધિમાં પરિવારના એક-બે સભ્યો આવે તો પણ વિધિ થઇ શકે છે
સિદ્ધપુર ગોર મંડળના પ્રમુખ કિરણભાઇ શાસ્ત્રીએ જણાવ્યું કે, યાત્રિકો ત્રણથી વધારે આવે નહીં અને મોટી ઉંમરના 50થી 60 વર્ષની ઉંમરના અને નાની ઉંમરના બાળકોએ વિધિ કરાવવા આવવું નહીં. કારણ કે વિધિ કરવામાં તો જે ગુજરી ગયું હોય તેમનો દીકરો એકલો આવે તો પણ વિધિ થઈ શકે છે. આ નિર્ણયને અમે ગૌરમંડળ આવકારીએ છીએ.

તર્પણવિધિ કરાવતા ભૂદેવોમાં 3 કોરોના સંક્રમિત
સરસ્વતી નદીના માધુપાવડિયા ઘાટ પર તર્પણવિધિ કરાવતા ભૂદેવો હજારો લોકોના સંપર્કમાં આવ્યા હોઈ કોરોના સંક્રમણ થવાના ભયને લઇ તંત્ર દ્વારા ઘાટ પરના 127 ભૂદેવોના કોરોના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી 3 ભૂદેવોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

બીજા દિવસે કલેક્ટર,એસપી સહિતે મેડિકલ કેમ્પની શરૂઆત કરાવી ટેસ્ટ કરાવાનું શરૂ કરાયું
સરસ્વતી નદીના માધુપાવડીયા ઘાટ પર પિતૃતર્પણનું અનેરું મહત્વ હોઈ કોરોના મહામારી છતાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા હોઈ ભારે ભીડ થતા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ઉપરાંત માસ્ક પણ ન પહેરતા હોઈ કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતા કોરોના ઘાટ સમાન દ્રશ્યો સર્જાયા છે.ત્યારે બીજા દિવસે મંગળવારે સવારે કલેક્ટર સુપ્રિતસિંહ ગુલાટી,પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નાયબ પોલીસ અધિક્ષક સી.એલ.સોલંકી,સિધ્ધપુર પ્રાંત,આરોગ્ય અધિકારી ડૉ સહિતના અધિકારીઓ ફરીથી મુલાકાત લઈ આદેશોના પાલન અંગે સ્થાનિક તંત્રને સૂચના આપી સ્થળ પર જ મેડીકલ કેમ્પની શરૂઆત કરાવી ટેસ્ટ કરાવાનું શરૂ કરાયું હતુ.

 

adv

Related News

post
post
post
post
post
post
post