• Home
  • News
  • કોરોનાના પોઝિટિવ કેસમાં ગુજરાત નંબર વન ન બને તે માટે હવે નવો વ્યૂહ
post

અત્યાર સુધી રોજના 3000 ટેસ્ટ થતા હતાં, જે ઘટી 2000 કરવાનો નિર્ણય કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-23 11:53:12

ગાંધીનગર: ભારતમાં નંબર વન સ્ટેટ બનવાની હોડના મોહમાં બંધાયેલી ગુજરાત સરકારને હવે ભાન થયું છે કે કોરોના પોઝીટીવ કેસોમાં પણ જો નિયંત્રણ નહીં આવે તો સૌથી વધુ પોઝીટીવ કેસો સાથે ગુજરાત ભારતનું નંબર વન રાજ્ય બની જશે અને આમાં ગર્વ લેવાને બદલે ઠપકો આવે તેમ છે. તેથી હવે નક્કી કરાયું છે કે ગુજરાતમાં હવે રોજ 2000ની મર્યાદામાં જ ટેસ્ટ થશે.  છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ટેસ્ટિંગની ઝડપમાં વધારો લાવવામાં આવ્યો હતો અને તેથી પોઝિટિવ કેસ વધ્યા. અને હવે છેલ્લા બે દિવસથી તેમાં ખૂબ ઘટાડો કરાયો છે. એક સમયે 24 કલાકમાં રાજ્યમાં 4000ની આસપાસ ટેસ્ટ થતા હતા તેની સામે હવે આ આંકડો અડધો થયો છે. હમણાં રોજ નોંધાતા નવા પોઝિટિવ કેસના આંકડામાં થયેલા ઘટાડાની પાછળ આ બાબત કારણભૂત છે.

નવી કીટની ખરીદી અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી
આરોગ્ય સચિવ જયંતી રવિ એ જણાવ્યું હતું કે હવેથી રાજ્યમાં રોજના બે હજાર જેટલા ટેસ્ટ કરાશે. કારણ કે હાલ વિવિધ જગ્યાએ દાખલ લોકોને રજા આપવા માટે પણ તેમના ટેસ્ટ કરવા જરૂરી છે. આથી હવે તેમના ટેસ્ટિંગની સરેરાશ પણ જાળવવાની રહે છે. અર્થાત્ હવે સરકારને મહત્તમ લોકો રજા લઇ ઘરે જાય અને ગુજરાતના કોરોના પોઝિટિવ દર્દીઓનો સાજા થયાનો આંકડો વધુ દર્શાવવાની કવાયત શરૂ થશે તેથી આરોગ્ય વિભાગનું ખરાબ ન દેખાય અને દેખાવ સુધર્યો હોય તેમ લાગે. પરંતુ હજુ નવી ટેસ્ટ કીટની ઉપલબ્ધતા અને સાથે નવી ખરીદી અંગે કોઈ સ્પષ્ટતા કરાઇ નથી.

કોરોનાને ફેલાતો અટકાવવા માટે એસીનો ઉપયોગ ટાળો: ડૉ. જયંતી રવિ
કોરોના સંક્રમણ મુદ્દે અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે ACના કારણે વાયરસ ફેલાવવાની સંભાવના વધી શકે છે. તેથી તમામ હોસ્પિટલને AC સાથે હવાનું સર્ક્યુલેશન રહે તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી છે. એસીવાળા વાતાવરણમાં વાઇરલ લોડ વધી જાય છે. તેમણે ઉમેર્યું કે હોટસ્પોટ વિસ્તારમાં વધુ સામૂહિક ટેસ્ટની જરૂર નથી કારણ કે ત્યાં સ્થિતિ કાબૂમાં આવી છે અને કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. આથી હવે તેની આસપાસના અને શહેરના અન્ય વિસ્તારોમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. 

ગામડાંમાં મોબાઇલ ટેસ્ટિંગ યુનિટ 
ગામડાંના લોકોને શહેરમાં ટેસ્ટ કરાવવા લાંબા થવું પડે નહીં તથા તેઓ શહેરમાં આવી સંક્રમણના ભોગ બની ન જાય તે માટે હવે મોબાઇલ ટેસ્ટિંગ યુનિટ શરૂ કરાયા છે. તાલુકા મથકે રેફરલ હોસ્પિટલ કે સામૂહિક અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ યુનિટ રહેશે અને ગામડે ગામડે ફરી ટેસ્ટ કરી શકશે. 

રેપિડ ટેસ્ટિંગ જલદી શરૂ થશે
આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે હજુ રેપિડ ટેસ્ટિંગ કિટ માટે આઇસીએમઆરની મંજૂરી આવી નથી અને તેમને બે દિવસ રોકાઈ જવાનું કહ્યું છે. પરંતું જલદી આ ટેસ્ટ પણ શરૂ કરાશે.

તારીખ

24 કલાકમાં ટેસ્ટ

પોઝિટિવ

14 એપ્રિલ

1733

78

15 એપ્રિલ

3213

116

16 એપ્રિલ

1706

163

17 એપ્રિલ

2535

170

18 એપ્રિલ

2664

277

19 એપ્રિલ

3002

367

20 એપ્રિલ

4212

196

21 એપ્રિલ

3513

239

22 એપ્રિલ

2516

229