• Home
  • News
  • હવે અમદાવાદ-દિલ્હી વચ્ચે બુલેટ ટ્રેન દોડાવાશે, રેલવે મંત્રાલયે NHRCLને પ્રોજેક્ટની કામગીરી સોંપી
post

દેશમાં 7 રૂટ પર બુલેટ ટ્રેન દોડાવાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 09:09:49

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન ( NHRCL) હાલમાં અમદાવાદને મુંબઈ સાથે જોડતા હાઈ સ્પીડ (બુલેટ) રેલ કોરિડોરની કામગીરી કરી રહી છે. રેલવે મંત્રાલયે હવે દેશના અન્ય 6 રૂટ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી સોંપી છે. જેમાં અમદાવાદને દિલ્હી સાથે જોડતા અમદાવાદ - ઉદયપુર - જયપુર - દિલ્હીના 886 કિલોમીટર લાંબા દેશના સૌથી મોટા રૂટ પર બુલેટ ટ્રેન દોડાવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. એનએચઆરસીએલ દ્વારા આ રૂટની ડિઝાઈન, ટ્રાફિક સ્ટડી સહિત ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

એનએચઆરસીએલના ઉચ્ચ અધિકારીએ આ પ્રોજેક્ટ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું કે, રેલવેએ દેશના સૌથી વધુ વ્યસ્ત રહેતા 7 રૂટ પર બુલેટ ટ્રેન દોડાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ તમામ રૂટ પર 300થી 320 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડાવાશે.

બુલેટ ટ્રેન માટે નક્કી કરાયેલા 7 રૂટમાંથી અમદાવાદ - મુંબઈ રૂટ પર જમીન સંપાદન સહિતની કામગીરી ચાલી રહી છે અને આ પ્રોજેક્ટ ડિસેમ્બર 2023 સુધી પૂર્ણ કરી દેવાનો ટાર્ગેટ છે. જ્યારે બાકીના 7 રૂટ પર તબક્કાવાર કામગીરી શરૂ કરાઈ રહી છે. દિલ્હી-વારાણસી રૂટ પર હાલ ડીપીઆર તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે.

હવે અમદાવાદ - દિલ્હી રૂટ પર બુલેટ ટ્રેન માટે પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેમાં ડેટા કલેક્શનની કામગીરી ઝડપી કરાઈ છે. જેમાં આ રૂટના કોરિડોરની સાથે જ ટ્રાફિક સર્વે, રોડ બ્રિજ, નદી અને કેનાલ પર આવનારા બ્રિજ, સ્ટેશન સહિત ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે ટેન્ડર બહાર પાડી દેવાયા છે. દિલ્હી-નોઈડા-આગરા-લખનઉ-વારાણસી રૂટ પર પણ બુલેટ ટ્રેન દોડાવવાની વિચારણા છે.

દેશમાં 7 રૂટ પર બુલેટ ટ્રેન દોડાવાશે

શહેર

કિલોમીટર

અમદાવાદ-વડોદરા-સુરત-મુંબઈ

503

અમદાવાદ-ઉદયપુર-જયપુર-દિલ્હી

886

દિલ્હી-નોઈડા-આગરા-લખનઉ-વારાણસી

865

મુંબઈ-પૂણે-હૈદરાબાદ

711

મુંબઈ-નાસિક-નાગપુર

753

ચેન્નઈ-બેંગલોર-મૈસૂર

435

દિલ્હી-ચંડીગઢ-લુધિયાના-જલંધર-અમૃતસર

459

અમદાવાદ-મુંબઈ રૂટ પર 70 ટકા જમીન સંપાદન

અમદાવાદ - મુંબઈ રૂટ પર એલિવેટેડ કોરિડોરની કામગીરી શરૂ કરતા પહેલા રૂટ પર વચ્ચે આવતી ઓફિસો, ઈલેક્ટ્રીકલ ટાવર, પાણી અને ગટર લાઈનો, તેલના કુવા વગેરે શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે અને મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ છે અથવા અંતિમ તબક્કામાં છે. તેની સાથે જ સંપૂર્ણ રૂટ પર જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ છે અને ગુજરાતમાં 90 ટકા જ્યારે સંપૂર્ણ રૂટ પર 70 ટકા જેટલી જમીનનું સંપાદન કામ પૂર્ણ કરી દેવાયું છે. અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12ની જગ્યાએ બુલેટ ટ્રેન માટે સ્ટેશન તૈયાર કરાનાર છે. જેના માટે એનએચઆરસીએલે આ ત્રણેય પ્લેટફોર્મ તોડી ત્યાં સ્ટેશન તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post