• Home
  • News
  • ગોડાઉનમાં ધડાકા મામલે ઇન્વેસ્ટિગેશન:4 કેમિકલમાંથી MEG સૌથી વધુ વિસ્ફોટક હતું, 100 ટન RCC બાંધકામ તૂટી પડ્યું
post

નાની ઓરડીમાં 3 વર્ષથી ચાલતાં ગોડાઉનમાં ધડાકો થતાં પત્તાના મહેલની જેમ ફેક્ટરીઓ ધરાશાયી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-05 12:25:42

પિરાણા-પીપળજ રોડ પર આવેલા રેવાકાકા એસ્ટેટમાં સાહિલ એન્ટરપ્રાઈઝ નામનું ગોડાઉન 25x50ની ઓરડીમાં છેલ્લા 3 વર્ષથી ગેરકાયદે ચાલી રહ્યું હતું. આંબાવાડી એલ કોલોનીમાં રહેતા હેતલ સુતરિયાએ ગોડાઉન રાખ્યું હતું. આ ગોડાઉનમાં વિસ્ફોટક પ્રકારના 4 કેમિકલનું પ્રોસેસિંગ થતું હતું. જેમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ, (ડીએમટી) હાઈ મિથાઈલ થેલેટ, (ડી.ઈ.જી.) ડાય ઈથાઈલ ગ્લાયકોલ, (એમ.ઈ.જી.) મિથાઈલ ઈથાઈલ ગેરોનનો સમાવેશ થાય છે. આ ચારેય પ્રચંડ વિસ્ફોટકો છે. પરંતુ તેમાં સૌથી વધુ ઘાતક એમઈજી માનવામાં આવે છે. જેના પ્રચંડ વિસ્ફોટને કારણે આસપાસના 4 ગોડાઉનોના અંદાજે 100 ટનથી વધુ આરસીસીનું બાંધકામ તૂટી પડ્યું હતું અને 12 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા.

સાહિલ એન્ટપ્રાઈઝના ગોડાઉનમાં માત્ર એક જ વ્યક્તિ કામ કરતો હતો. સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે, બુધવારે સવારે પ્રચંડ ધડાકો થયા પછી આસપાસના ગોડાઉનો અને ફેક્ટરીના માલિકોને સાહિલ એન્ટરપ્રાઈઝમાં કેમિકલનું કામકાજ ચાલતું હોવાની ખબર પડી હતી. જો કે, આ કેમિકલ ગોડાઉનમાં બોઈલર હતું કે નહીં તે તપાસનો વિષય છે. પરંતુ ફાયર વિભાગે દાવો કર્યો હતો કે, બોઈલર ફાટવાથી નહીં પરંતુ કેમિકલ બ્લાસ્ટ જ થયો હતો.

સવારે 11 વાગે લાગી આગ કાબૂમાં લેતા 5 વાગ્યા હતા. ફાયર ટેન્કર સહિત 24 ગાડી અને ફાયરના 60 અને એનડીઆરએફના 30 જવાનોએ 12 મૃતદેહ અને 9 લોકોને જીવતા બહાર કાઢ્યા હતા. જેમને સારવાર માટે એલજીમાં ખસેડાયા હતા. સરકારે ઘટનાની તપાસ શ્રમ રોજગારના અધિક સચિવ વિપુલ મિત્રા અને જીપીસીબીના ચેરમેન સંજીવ કુમારને સોંપી હતી.

કેમિકલનો નમૂનો ભર્યો એ કોથળી પીગળી ગઈ
ફાયરબ્રિગેડ દ્વારા સ્થળ પર કેમિકલયુક્ત જે માટી દેખાઇ તેને પ્લાસ્ટિકની કોથળીમાં ભરવાનો પ્રયત્ન કરતાં જ પ્લાસ્ટિકની થેલી ઓગળી ગઇ હતી. કેમિકલની તીવ્રતા કેટલી જલદ હશે તે આ બનાવ પરથી જ સમજી શકાય તેમ છે. બીજી તરફ આ કેમિકલની વાસ અત્યંત તીવ્ર ન હતી, પરંતુ તેની તેજ અસર કદાચ કોઇના બુટના સોલ પણ ઓગાળી દે તેવી સ્થિતિ હતી. જે દર્શાવે છે કે, આ કેમિકલની તીવ્રતા કેટલી જલદ હશે.

મારી આંખોની સામે જ કપાયેલો પગ પડ્યો
બ્લાસ્ટની જગ્યાને અડીને આવેલી ટેક્સટાઇલ ફેક્ટરીના માલિકના પુત્ર ધ્રુવ ચોપડાએ જણાવ્યું હતું કે, અમારી ફેક્ટરી અહીં 17 વર્ષથી છે. હું રોજની જેમ સવારે 11થી 11.30 વાગ્યાની આસપાસ ટેક્સટાઇલ ફેક્ટરીએ આવ્યો હતો. ગાડી પાર્ક કરતાં ધડાકો સાંભળ્યો અને પછી તરત જ બીજો ધડાકો થવાની સાથે જ મારી સામે કોઈનો કપાયેલો પગ ઊછળીને પડ્યો. મારા કારીગરો પણ દોડાદોડ કરી રહ્યા હતા. બ્લાસ્ટ એટલો મોટો હતો કે મારી ફેક્ટરીનો સ્લેબ પણ તૂટી ગયો. મેં તરત જ 108 અને ફાયરને કોલ કર્યો હતો. ફાયરબ્રિગેડને સરળતાથી રસ્તો મળી જાય તે માટે બે કારીગરોને એસ્ટેટથી રસ્તા પર દોડાવ્યા હતા. બંને એસ્ટેટના રસ્તા અલગ હોવાથી કેમિકલનાં કારખાનાંની અંદરની કામગીરી જોઈ શકાઈ નહોતી.

12 ફૂટ દૂર બેઠેલો મજૂર 15 ફૂટ દૂર ફંગોળાયો
બ્લાસ્ટ પહેલાં સામાન્ય દિવસોની જેમ રૂપાલાલ કપડાનું પેકેજીંગ કરી રહ્યા હતા. ખુલ્લા શટરની નજીક તેઓ દુકાનની અંદર બેઠા હતા. બરાબર તે સમયે જ તેઓ જ્યાં બેઠા હતા ત્યાંથી 12 થી 15 ફૂટ દૂરની દુકાનમાં આ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને કારણે જે ધક્કો વાગ્યો તે ધક્કાથી રૂપાલાલ તેમની જગ્યાથી હવામાં ફંગોળાઇને 15 ફૂટ દૂર દુકાનની બહાર ઉછળી પડ્યા હતા. જોકે સદનસીબે તેમને કોઇ ખાસ ઇજા થઇ ન હતી. ફાયરબ્રિગેડ આવતાં જ તેમણે તત્કાલ અન્ય કામદારો ક્યાં બેઠા હતા અને કયાં ફસાયા હોઇ શકે તેની માહિતી આપવાનું શરૂ કર્યું હતું.

1 હજાર કિલોનો પિલ્લર 20 ફૂટ દૂર ઊડીને પડ્યો
બ્લાસ્ટની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે, દુકાનને ખેતર તરફની સાઇડનો આરસીસીનો 1 હજાર કિલોનો આ પિલ્લર અડધેથી તૂટી લગભગ 20 ફૂટ દૂર ફેંકાયો હતો. આ પિલ્લરના રસ્તામાં આવેલા બે ઝાડ પણ જમીનદોસ્ત થઇ ગયા હતા. નોંધનીય છેકે, આ પિલ્લરને જો ઉંચકીને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડવો હોય તો પણ 20 મજૂરોની જરૂર પડે તેટલો મોટો પિલ્લર એક ક્ષણમાં જ 20 ફૂટ દૂર પડ્યો હતો.

કેમિકલ જૂનું હોવાની સંભાવના: કેમિકલના પ્રોસેસિંગમાં તાપમાન ઊંચું જવાથી બ્લાસ્ટ થયો હોઈ શકે
ગોડાઉનમાં રહેલા હાઈડ્રોજન પેરોક્સાઈડ, (ડીએમટી) હાઈ મિથાઈલ થેલેટ, (ડી.ઈ.જી.) ડાય ઈથાઈલ ગ્લાયકોલ, (એમ.ઈ.જી.) મિથાઈલ ઈથાઈલ ગેરોન નામના ચાર કેમિકલ એક્સ્પ્લોઝિવ કેટેગરીમાં આવી છે. જેમાં એમઈજી સૌથી વધુ જોખમી હોય છે. સામાન્ય રીતે આ પ્રકારના કેમિકલનું પ્રોસેસિંગ કરવામાં આવે ત્યારે તેને નિયત તાપમાન સુધી પહોંચે તે પહેલાં જ રોકી દેવામાં આવે તે જરૂરી હોય છે. જો આમ ન કરવામાં આવે તો બ્લાસ્ટ થવાની શક્યતા વધુ રહે છે. બુધવારે દુર્ઘટનામાં પ્રાથમિક તબક્કે એટલું કહી શકાય કે, કેમિકલની પ્રોસેસ વખતે તાપમાન ઊંચું ગયું હોવું જોઈએ અથવા તો ચાર પૈકી જે કેમિકલનું પ્રોસેસિંગ કરાયું હોય તેની થીકનેસ ઘટી હોઈ શકે છે. થીકનેસ ઘટવા પાછળનું કારણ કેમિકલ જૂનું હોવાનું માની શકાય છે. કેમિકલના પ્રોસેસિંગ માટે રિએક્ટર જેવું સાધન વાપરવામાં આવ્યું હોય તેને ઓપરેટ કરતાં વ્યક્તિનો કંટ્રોલ ન રહ્યો હોય અને તાપમાન નિયત કરતાં વધી ગયું હોય ત્યારે બ્લાસ્ટ થઈ હોઈ શકે છે. એક્સ્પ્લોઝિવ કેટેગરીમાં આવતાં કેમિકલના પ્રોસેસિંગ દરમિયાન તેનું તાપમાન ખાસ ધ્યાનમાં રાખવું પડે છે. તેમાં દાખવવામાં આવતી બેદરકારીનું પરિણામ ગંભીર આવી શકે છે. પ્રોસેસિંગ માટે કયા સાધનોનો ઉપયોગ કરાયો હતો તે પણ જોવું પડે જેના આધારે કંટ્રોલ ગુમાવ્યો કે કેમ તે સ્પષ્ટ થઈ શકે તેવું શહેરની જાણીતી કોલેજના કેમિકલ વિભાગના એચઓડીએ નામ નહીં આપવાની શરતે કહ્યું હતું.

કેમિકલ ફેક્ટરી માલિકની અટકાયત, સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો
પીરાણા-પીપળજ રોડ પર રેવાકાકા એસ્ટેટમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા સાથે ફાટી નીકળેલી આગની ઘટનામાં 12 વ્યક્તિના મોત મામલે નારોલ પોલીસે ફેક્ટરીના માલિક અને અન્યો સામે સાપરાધ મનુષ્ય વધ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ફેકટરીના સંચાલક હેતલ સુતરિયા તથા અન્યો સામે ભારતીય ફોજદારી ધારાની કલમ 304 અંતર્ગત સાપરાધ મનુષ્ય વધ સહિતની કલમો સાથે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલના તબકકે નારોલ પોલીસે ફેક્ટરી સંચાલકની અટકાયત કરી પૂછપરછ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સંયુકત પોલીસ કમિશનર(સેકટર-2)ગૌતમ પરમાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, ફેક્ટરી માલિકની અટકાયત કરી છે.

મૃતકોની યાદી

·         કુલઆ બુન્દુ, ઉં.વ.41

·         યુનુસભાઈ મલેક, ઉં.વ.52

·         અજાણી વ્યક્તિ, પુરુષ

·         જેકલીન રાજુ ક્રિશ્ચિયન, ઉં.વ.17

·         અજાણી વ્યક્તિ, મહિલા

·         રાગીણી જુનુશભાઈ ક્રિશ્ચિયન, ઉં.વ.50

·         રામારામ દેવારામ દેવાસી, ઉં.વ.26

·         અજાણી વ્યક્તિ, પુરુષ, ઉં.વ.25

·         અજાણી વ્યક્તિ, પુરુષ, ઉં.વ.25

ઈજાગ્રસ્ત

·         શાંતિબેન કહાર, ઉં.વ.50

·         હેતલબેન પ્રજાપતિ, ઉં.વ.18

·         શમશાદ મન્સુરી, ઉં.વ.48

·         રિઝવાના શેખ શેખ, ઉં.વ.16

·         અશ્વિન પંચાલ, ઉં.વ.42

·         નરેશ સોલંકી,

·         રોહન ચૌહાણ, ઉં.વ.18

·         સુબ્રમણ્યમ કૃષ્ણમૂર્તિ, ઉં.વ.47

·         સુરેન્દ્ર ચૌહાણ

ભરૂચના GNFC કરતાં વધુ પ્રચંડ વિસ્ફોટ, ગેસના 10 બાટલા ફાટે તેટલી તીવ્રતાથી ધડાકો થયો હતો
કેમિકલ બ્લાસ્ટમાં 12નાં મૃત્યુની આ પહેલી ઘટના છે. અગાઉ 2003માં ભરુચ ખાતે જીએનએફસી ખાતે કેમિકલ રિએકશનમાં આ પ્રકારનો બ્લાસ્ટ થયો હતો. જેમાં 5 લોકો મૃત્યુ પામ્યા હતા. જો કે, 2003ના બ્લાસ્ટ કરતાં આ બ્લાસ્ટની તીવ્રતા વધુ હોવાનું ફાયરના ચીફ ઓફિસર એમ.એફ. દસ્તૂરનો દાવો છે. તેમના કહેવા પ્રમાણે ગેસના 10 બાટલા એકસાથે ફાટે અને ત્યારે જે બ્લાસ્ટ થાય તે પ્રકારની તીવ્રતાનો આ બ્લાસ્ટ હતો. જેનાથી અંદાજે આસપાસના ગોડાઉનના 100થી વધુ ટન જેટલા આરસીસીના બાંધકામ ધ્વસ્ત થઈ ગયા છે. જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તેનું ઉદભવ સ્થાન પણ હજુ સુધી શોધી શકાયું નથી. કારણ કે, આ ફેક્ટરીના તમામ સ્લેબ અને બાંધકામ ધરાશાયી થઈ ગયું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post