• Home
  • News
  • સુરતમાં 212 દર્દીના ‘પ્રાણ’વાયુ પર, સિવિલમાં સ્થિતિ સુધરવાની જગ્યાએ વધુ ક્રિટિકલ
post

5 દર્દી વેન્ટીલેટર પર, 25 બાઇપેપ અને 182 દર્દી ઓક્સિજન પર

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-09 11:50:56

સુરત:  સૌ પ્રથમ વખત સિવિલમાં કોરોનાને કારણે સ્થિતિ સુધરવાની જગ્યાએ વધુ ક્રિટિકલ બની રહી છે. સોમવારે સિવિલ હોસ્પિટલમાં ગંભીર દર્દીઓની સંખ્યા 200ને પાર કરી 212 થઈ ગઈ છે. કોવિડ હોસ્પિટલમાં તબીબોના ચહેરા પર દેખાતું ટેન્શન સ્પષ્ટ જણાવે છે કે હાલત ખુબ જ ગંભીર બની ગઇ છે. નર્સ અને તબીબોની દોડાદોડી જોઇ સ્થિતિનો તાગ મેળવી શકાય છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ 416 પોઝિટિવ દર્દીઓમાંથી 5 દર્દી વેન્ટીલેટર પર, 25 દર્દીઓ બાઈપેપ પર અને 182 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે. જે રીતે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરતા તેને જોતા ગંભીર દર્દીઓની સંખ્યામાં આગામી દિવસોમાં હજી વધારો જોવા મળી શકે છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ 19 હોસ્પિટલ હાલ અલમોસ્ટ ફુલ થઈ ગઈ છે. તેમજ સિવિલ હોસ્પિટલના જુદા જુદા વોર્ડમાં પણ દર્દીઓને દાખલ કરાઇ રહ્યા છે. ત્યારે સિવિલમાં કોરોનાના ગંભીર દર્દીઓમાં પણ રોજે રોજ વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉન ખુલ્યા બાદ સતત પોઝિટિવ દર્દીઓમાં વધારાની સાથે સાથે છેલ્લી ઘડીએ દર્દીઓ ગંભીર હાલત થયા બાદ સારવાર માટે આવતા હોવાથી ગંભીર દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે.

લક્ષણો જણાય તો તપાસ કરાવી લો
સિવિલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે લોકોના ડરને કારણે લક્ષણો હોવા છતા સમયસર સારવાર માટે આવતા નથી. તબિયત વધુ લથડ્યા બાદ દર્દીઓ સારવાર માટે આવતા હોવાથી ગંભીર દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આવા સંજોગોમાં દર્દીનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. જેથી થોડા પણ લક્ષણો જણાય તો તાત્કાલિક તપાસ કરાવી સારવાર શરૂ થાય તે દર્દી માટે ફાયદાકારક છે.

કોવિડ-19 ફુલ, માત્ર ક્રિટિકલ કેસ દાખલ
કોરોના માટે ખાસ તૈયાર કરવામાં આવેલી કોવિડ-19 હોસ્પિટલ ફુલ થવા પર છે, હવે ત્યાં માત્ર પોઝિટિવના ક્રિટિકલ કેસને જ દાખલ કરવામાં આવે છે.

adv

Related News

post
post
post
post
post
post
post