• Home
  • News
  • સુરતના પાંડેસરામાં ચોથા માળેથી દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં બારીમાંથી નીચે પટકાતાં મોત, પરિવારજનોનું હૈયાફાટ રુદન
post

બાળકી બારી પાસે બેડ પર રમી રહી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-19 18:14:06

સુરત: સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં ચોથા માળેથી દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં બારીમાંથી નીચે પટકાતાં મોતને ભેટી હતી. પરિવારની એકની એક દીકરીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવાર બાળકીને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો, પણ એ પહેલાં જ તે મોતને ભેટી હતી.

પિતા કામ પર ગયા હતા
પાંડેસરા વિસ્તારમાં આવેલા આનંદો હોમ્સ એપાર્ટમેન્ટમાં ચોથા માળે સૌમિલ દેવા પત્ની અને દોઢ વર્ષની દીકરી સાથે રહે છે. સૌમિલ મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પુત્રી ત્રિશા આજે સવારે પોતાના ઘરમાં રમી રહી હતી. જ્યારે તેની માતા ઘરના કામમાં વ્યસ્ત હતી અને પિતા કામ પર ગયા હતા.

માતા દીકરીને લઈને હોસ્પિટલ પહોંચી પણ...
દરમિયાન માસૂમ બાળકી રમતાં રમતાં બારી પાસે પહોંચી ગઈ હતી અને બારીમાંથી નીચે પટકાઈ હતી. બાળકી નીચે પટકાવાની ઘટનાને પગલે આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા તેમજ તેની માતાને ખબર પડતાં તે પણ નીચે દોડી આવી હતી. દીકરીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

બાળકી બારી પાસે બેડ પર રમી રહી હતી
માસૂમ પુત્રીના મોતને પગલે માતા-પિતા સહિત પરિવારમાં ભારે શોક ફેલાઈ ગયો છે. જ્યારે ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. પરિવારના જણાવ્યા પ્રમાણે ત્રિશા બારી પાસે મૂકવામાં આવેલા બેડ પર રમી રહી હતી. રમતાં રમતાં તે બારી પાસે પહોંચી ગઈ હતી અને નીચે પટકાઈ હતી. બાળકીનું મોત થતાં આ કિસ્સો વાલીઓ માટે લાલબત્તી સામાન બની ગયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post