• Home
  • News
  • અમદાવાદમાં વધુ એક પોઝિટિવ કેસ સાથે કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 22 પર પહોંચી
post

અમદાવાદમાં વધુ 4 પોઝિટિવ કેસ આવતા રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો 58એ પહોંચ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-30 08:51:26

અમદાવાદ: શહેરમાં વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ત્યારે અમદાવાદમાં કુલ 22 કેસ પોઝિટિવ થયા છે. ઉલ્લેખનીય છે કે, ઘણા ક્વોરેન્ટાઇન લોકોનો ઇન્ક્યુબિશન પિરિયડ પૂરો થતો હોવાથી આ અઠવાડિયું ઘણું જ સંવેદનશીલ હોવાથી લોકોને ઘરેથી બહાર ન નીકળવા કડક સૂચના આપવામાં આવી છે.

સીસીટીવીથી કડક કામગીરી કરવાની સૂચના

કોરોના વાઈરસને પગલે હાલમાં 21 દિવસ સુધી દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફ્રોન્સ કરી લોકડાઉન પર કેટલાક કડડ પગલા ભરવા પર વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, હાલમાં ચાલી રહેલા લોકડાઉનના સમયે સ્થાનિકોએ પોલીસને સહકાર આપવો જોઈએ. મહાનગરોમાં જ્યાં લોકડાઉનનો અમલ નથી થતો ત્યાં ક્રાઈમ બ્રાન્ચને મોકવામાં આવશે. સાથે જ સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવનાર સાથે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં જાહેરનામાના ભંગના 680 ગુના જ્યારે ક્વોરોન્ટાઇનના 418 ગુના નોંધાયા છે. બીજીતરફ તેઓએ પોલીસ કર્મચારીઓને પણ જણાવ્યું છેકે, તેઓ લોકડાઉન સમયે સ્થાનિકો સાથે સારો વ્યવહાર કરે છે. શહેરમાં ડ્રોન અને સીસીટીવી આધારે 14 ગુના દાખલ થયા છે. સાથે જ DGPએ અપીલ કરી છે કે, હોમ કવોરન્ટાઈન કરાયેલી કોઇપણ વ્યક્તિ ઘરની બહાર નીકળે તો પડોશીઓ 100 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરે.

15 માર્ચ પછી ગાંધીનગર બહારથી આવેલા લોકોએ મહાનગરપાલિકાને જાણ કરવી પડશે 
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 15મી માર્ચ પછી મહાનગરપાલિકા બહારના કોઈપણ વિસ્તારમાંથી આવેલા નાગરિકોએ નીચે જણાવેલ કોઈ એક પદ્ધતિ અનુસાર મહાનગરપાલિકાને ફરજિયાત જાણ કરવાની રહેશે અન્યથા તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

·         મોબાઇલ નંબર 8141800751 પર ફોન, મેસેજ, વોટ્સએપ મેસેજ કરીને 

·         www.gandhinagarmunicipal.com વેબસાઇટ પર ઉપલબ્ધ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરીને. 

·         gmc8gandhinagar@gmail.com ઉપર ઇ-મેલ કરીને. 

અત્યાર સુધી ક્યાં કેટલા કેસ પોઝિટિવ આવ્યાં તેની માહિતી

શહેર

પોઝિટિવ કેસની સંખ્યા

અમદાવાદ

22

વડોદરા

9

રાજકોટ

9

સુરત

8

ગાંધીનગર

9

મહેસાણા

1

ભાવનગર

1

ગીર-સોમનાથ

1

કચ્છ

1

પોરબંદર

1

AMCના નામે કોરોના વાઇરસના હાઇરીસ્ક વિસ્તારનું 'ફેક' લિસ્ટ સોશિયલ મીડિયામાં ફરતું થયું

કોરોના વાઇરસની મહામારીનો વ્યાપ હવે વધી રહ્યો છે. રાજ્યમાં પોઝિટિવ કેસો અને મોતના આંકડા સામે આવી રહ્યા છે. જેની વચ્ચે કોરોના વાઇરસના હાઇરિસ્ક વિસ્તારનું એક લિસ્ટ સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે આ લિસ્ટ ફરી રહ્યું છે. લિસ્ટમાં પાલડી, નવરંગપુરા, વાસણા, સ્ટેડિયમ, નારણપુરા, નવાવાડજ, રાણીપ, સાબરમતી અને ચાંદખેડા વિસ્તારની ચાલીઓ અને સોસાયટીઓના નામ લખવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં ફરી રહેલા આ લિસ્ટ લોકો ખૂબ જ શેર કરી રહ્યાં છે અને લોકો એક પ્રકારનો ડર પણ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં ફરી રહેલું આ લિસ્ટ ફેક હોવાનું જાણવા મળ્યું છે. જો કે હજી આ મામલે કોર્પોરેશન કે આરોગ્ય વિભાગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

રાજ્યમાં કોરોનાના પ્રથમ દર્દી સારવાર બાદ સ્વસ્થ, SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

આજે રાજ્યમાં પ્રથમ કેસ સામે આવ્યો છે જ્યાં કોરોના વાઈરસની પોઝિટિવ મહિલા દર્દી સ્વસ્થ થઈ છે અને તેને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 34 વર્ષીય મહિલા દર્દીને 18 માર્ચે દાખલ કરવામાં આવી હતી. 10 દિવસની કાળજીપૂર્વકની સારવાર બાદ તેનો 24 કલાકમાં બે વાર રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. બીજીતરફ આજે અમદાવાદમાં વધુ ચાર પોઝિટિવ કેસ આવતા આંકડો 58 પર પહોચ્યો છે. ત્યારે આજે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું છે. આ વ્યક્તિ ડાયાબિટીસની બીમારીથી પણ પીડાતો હતો. આજના મોત સાથે રાજ્યમાં કોરોનાથી મૃત્યુપામનારનો આંકડો 5 પર પહોંચ્યો છે.

સોસાયટીમાં ક્રિકેટ રમશો તો પણ પોલીસ ધરપકડ કરશે
કોરોના વાઇરસના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા છે. લોકડાઉન છતાં લોકો ઘરની બહાર ભેગા મળે છે. અમદાવાદ પોલીસે હવે કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસે હવે ક્રિકેટ રમતા લોકો સામે પણ ગુનો નોંધ્યો છે. રન્નાપાર્ક સોસાયટીમાં ભેગા મળી ક્રિકેટ રમતા 7 લોકો સામે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. ઉપરાંત અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં જાહેરનામાં ભંગના 40થી વધુ ગુના નોંધાયા છે અને 130થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. સાબરમતી, રાણીપ, નિકોલ, રામોલ, ગોમતીપુર,રખિયાલ, ઇસનપુર,  પાલડી, સેટેલાઇટ, સરખેજ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ ટોળા કરીને ઉભેલા લોકો સામે કાર્યવાહી કરી છે.

કામદારોને આશરો આપવા 2500 ફ્લેટ, 2400થી વધુ ગાદલાં ફાળવાયાં
રાજ્યમાંથી હિજરત કરી પોતાના વતન જતા કામદારોને અટકાવવા કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે, જેના પગલે મ્યુનિ. વિવિધ આવાસ યોજના હેઠળના 2500થી વધુ ફ્લેટમાં તેઓને આસરો આપી રહી છે. ગોતામાં 1200થી વધુ, થલતેજમાં 250થી વધુ જ્યારે નિકોલમાં 1600થી વધુ ફ્લેટમાં હિજરત કરનારા કામદારોને ખસેડવામાં આ‌વ્યા છે. નિકોલમાં હાલ 826 જેટલા ફ્લેટ હોમ ક્વોરન્ટાઇન હેઠળ ફાળવાયા છે, જેનો ઇક્યુબેશન પિરિયડ પૂરો થવા ઉપર હોવાથી ત્યાં આવા કામદારોને થોડા સમય બાદ ખસેડવામાં આવશે. આ તમામ માટે ખાવા-પીવા સહિત તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. વિવિધ ટ્રક મારફતે રવિવારે 2400થી વધુ ગાદલા પહોંચાડવામાં આવ્યા હતા. ખાલી પડેલા આવાસ યોજનાના આ ફ્લેટના એક રૂમમાં હાલ 4 લોકો રહી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
મહિલા 2 દિવસમાં કોરોનાથી મૃત્યુ પામી, લોકોએ કબ્રસ્તાનમાં દફનાવવાનો વિરોધ કર્યો
અમદાવાદમાં કોરોના વાઈરસને કારણે આસ્ટોડિયાની 46 વર્ષની એક મહિલાનું મૃત્યુ થયું હતું.  જ્યારે શનિવારે વધુ ત્રણ કેસ પોઝિટિવ આવ્યા હતા. આ મહિલાએ વિદેશ પ્રવાસ કર્યાની કોઈ હિસ્ટ્રી નથી. અર્થાત્ મહિલાને કોરોનાનો ચેપ સ્થાનિક સ્તરેથી જ લાગ્યો હોવાનું મનાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હાલ મહિલાને ચેપ કેવી રીતે લાગ્યો તેની તપાસ કરી રહ્યું છે. મહિલાને 26 માર્ચે એસવીપીમાં દાખલ કરવામાં આવી હતી અને બે દિવસમાં જ તેનું મૃત્યુ થયું છે. શ્વાસ લેવામાં તકલીફને કારણે તરત વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. મહિલા હાયપર ટેન્શન અને ડાયાબિટીસથી પીડાતી હતી. શનિવારે જે ત્રણ પોઝિટિવ કેસ આવ્યા તેમના સંપર્કમાં આવેલા 40ને ક્વોરન્ટાઈનમાં મુકાયા છે.

દાણીલીમડા પાસેના કબ્રસ્તાનમાં દફનાવી
આસ્ટોડિયાની મહિલાની દફનવિધિ બહેરામપુરાના છીપા કબ્રસ્તાનમાં કરવા ગયા ત્યારે ટોળા ભેગા થઈ ગયા હતા અને વિરોધ કર્યો હતો. અંતે મ્યુનિ.એ દાણીલીમડા ચાર રસ્તા પાસેના કબ્રસ્તાનમાં અંતિમવિધિ કરી હતી. દરમિયાન સરખેજના 70 વર્ષના પુરુષ સગાંની ખબર કાઢવા ઈન્દોર ગયા હતા ત્યાંથી આવ્યા પછી તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગુલબાઈ ટેકરાનો 33 વર્ષનો યુવક અમેરિકાથી આવેલા મિત્રને મળ્યો હતો અને એ પછી શ્રીલંકાથી આવેલા તેના બે ભાગીદારને મળ્યો હતો.

દફનવિધિ માટે 10 ફૂટ કબર ખોદવામાં આવી
મહિલાની દફનવિધિ માટે 10 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. તેમજ તેના પરિવારજનોને પણ મહિલાના મૃત શરીર પાસે જવા દેવામાં આવ્યા ન હતા. તબીબો અને એસવીપી હોસ્પિટલના સ્ટાફના સભ્યો દ્વારા જ આ સંપૂર્ણ દફન વિધિ કરવામાં આવી હતી. તેમાં પણ મહિલાના મૃત શરીરને પ્લાસ્ટિકની બેગમાં લપેટીને લાવવામાં આવ્યું હતું. સાથે તે બેગમાં કેટલાક  ચીજો એવી પણ મૂકવામાં આવી હતી જેથી તેનું બોડી જલદીથી ડીસ્પોઝ થઇ શકે. મહિલાના મૃત શરીરને 10 ફૂટ ઉંડા ખાડામાં ઉતાર્યા બાદ તેના પર માટી નાંખી દેવામાં આવી હતી.

ઈમરજન્સીને પહોંચી વળવા તૈયારી
અમદાવાદ મ્યુનિ. સંચાલિત એસવીપી હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલમાં કોરોના માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ સંજોગોમાં તમામ હોસ્પિટલમાં હાલ કાર્યરત 250 જેટલા વેન્ટિલેટર સજ્જ છે. મ્યુનિ. દ્વારા આ તમામ વેન્ટિલેટર હાલ આવશ્યકતાં પ્રમાણે કોરોના માટે અનામત કક્ષામાં મૂકવામાં આવ્યા છે. જો અન્ય દર્દીને જરૂરિયાત હોય તો તે આપવામાં આવે છે. જોકે હાલ તંત્રની સંપૂર્ણ પ્રાથમિકતા માત્ર કોરોનાને લગતી છે. મ્યુનિ. દ્વારા ખરાબ હાલતમાં હોય તેવા વેન્ટિલેટર પણ હાલ તૈયાર કરી લેવામાં આવ્યા છે.

વેન્ટિલેટર વગર દર્દીનું મોત નીપજી શકે છે
કોરોનાના દર્દીને શ્વાસમાં સૌથી વધુ તકલીફ પડતી હોય છે. ફેફસાંમાં ઈન્ફેક્શનને કારણે દર્દીની હાલત અત્યંત ઝડપથી કથળતી હોય છે. કોરોનાના મોટાભાગના કેસમાં વેન્ટિલેટરની જરૂરિયાત ઊભી થતી હોય છે. જો વેન્ટિલેટર ન મળે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. હાલ ભારત સરકારે પણ તમામ હોસ્પિટલોને શક્યતા તેટલા વધુ વેન્ટિલેટરની વ્યવસ્થા કરવાની સૂચના આપી દીધી છે. કેટલીક સરકારી ફેક્ટરીઓને પણ વેન્ટિલેટર સહિતની સારવાર સામગ્રી તૈયાર કરવા કહેવામાં આવ્યું છે.

શહેરમાં 3 ખાનગી લેબોરેટરીને કોરોનાના ટેસ્ટિંગની મંજૂરી
ખાનગી હોસ્પિટલમાં પણ જો કોઇ તબીબને જણાય કે, દર્દીનો કોરોના ટેસ્ટ કરવો આવશ્યક છે, તો તેવી સ્થિતિમાં સરકારી ઉપરાંત ખાનગી લેબોરેટરીમાં પણ તેઓ ટેસ્ટ માટે દર્દીને મોકલી શકે છે. શુક્રવારે જ 40 જેટલા લોકોએ આ રીતે ખાનગી લેબોરેટરીમાં પોતાનો ટેસ્ટ કરાવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. ખાનગી લેબોરેટરીનો વ્યક્તિ રૂ. 1000નો પીપીઇ સ્યૂટ પહેરીને દર્દીની તપાસ કરી તેના સેમ્પલ લે છે. સરકાર દ્વારા અમદાવાદની 3 અને સુરતની 1 મળીને કુલ 4 જેટલી ખાનગી લેબોરેટરીને કોરોના ટેસ્ટ માટેની મંજુરી આપવામાં આવી છે. જે મંજુરી બાદ હાલ અમદાવાદ શહેરમાં માત્ર સુપ્રાટેક લેબોરેટરી જ પોતાનું કોરોના ટેસ્ટિંગની કામગીરી ચાલુ કરી શકી છે. 

સેમ્પલ લીધા પછી પીપીઈ કિટ નષ્ટ કરવામાં આવે છે
અમે સરકારી ધોરણોનો અમલ કરીએ છીએ. અમે દર્દીના સગાને લેબોરેટરી પર બોલાવી દર્દીની પૂરતી માહિતી મેળવીએ છીએ. દર્દીને ક્વોરન્ટાઈનમાં રાખવા સૂચના અપાય છે. અમારા કર્મચારી એક કાળી બેગમાં પીપીઇ કીટ (જેમાં માસ્ક, ફુલ બોડી કવર સ્યૂટ, કેપ સહિતની અન્ય ચીજો હોય છે) સાથે દર્દીના ઘરે જાય છે.  પરત આવી આ પીપીઇ કિટને કેમિકલથી નષ્ટ કરી નાંખવામાં આવે છે. જે બાદ લેબોરેટરીમાં સેમ્પલની તપાસ કરવામાં આવે છે. -  ડો. સંદિપ શાહ, એમ.ડી., સુપ્રાટેક

ક્વોરન્ટાઇન પૂરો કરનારના ઘર બહાર ગ્રીન સ્ટિકર લાગ્યાં
શહેરમાં હોમ કવોરન્ટાઇનમાં રખાયેલા લોકોએ 14 દિવસ વિતાવતાં મ્યુનિ.અે તેમના ઘર બહાર ગ્રીન સ્ટિકર ચોંટાડવાનું શરૂ કર્યું છે. લોકો જાણી શકે કે  આ પરિવારે ક્વોરન્ટાઈનનો સમય પૂરો કર્યો છે. તે માટે આ નિર્ણય લેવાયો હતો. ગ્રીન સ્ટિકર લગાડવાનો હેતુ નાગરિકોને ખબર પડે કે, આ પરિવારે હોમ ક્વોરન્ટાઇનનો પીરિયડ પૂર્ણ કર્યો છે જેથી પડોશીઓ પણ ડર રાખે નહીં અને લોકોમાં ગેરસમજ થતી દૂર કરવા આ પગલું ભરવામાં આવ્યું છે. 

ભીડ ટાળવા શાકની લારીઓ દૂર કરવામાં આવી
લોકડાઉનને પગલે તમામ લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ છે. તેમ છતાં શાકભાજીની અનેક લારીઓ રોડ પર ઉભી રાખવામાં આવી રહી છે. જેના કારણે મોટી સંખ્યામાં મહિલાઓ શાક લેવા રોડ  પર નીકળી પડે છે. તંત્ર દ્વારા સતત લોકોને ઘરની અંદર રહેવા સૂચના આપવામાં આવી રહી છે અને લોકોને સોસાયટીના નાકે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શાકભાજી પહોંચાડવામાં આવી રહ્યું છે. તેમ છતાં પોલીસની વારંવારની સૂચના છતાં  રોડ પર સવારથી જ ઉભી રહી જતી શાકભાજીની લારીઓ હટાવવા મ્યુનિ. કોર્પોરેશનની દબાણ ખાતાની ટીમ બાપુનગરમાંથી રોડ પર ઉભી લારીઓ ઉઠાવી ગઈ હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post