• Home
  • News
  • 'ક્યાર' વાવાઝોડાની અસર વચ્ચે નવી સિસ્ટમ સક્રિય
post

ગુજરાતમાંથી ચોમાસાએ જાણે ન જવાની હઠ પકડી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-30 14:26:59

અમદાવાદ : ગુજરાતમાંથી ચોમાસાએ જાણે ન જવાની હઠ પકડી છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસા દરમિયાન સરેરાશ 144 ટકા વરસાદ પડ્યો છે. ગુજરાતમાં એક પણ ઝોન એવો નથી જ્યાં સરેરાશ 100 ટકાથી ઓછો વરસાદ પડ્યો હતો. ચોમાસાની વિદાય નિશ્રિત હતી ત્યાં જ 'ક્યાર' વાવાઝોડની અસરને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. 'ક્યાર'ની અસર ચાલુ જ છે ત્યાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે. બીજી તરફ 'ક્યાર'ની અસરને પગલે હવામાન વિભાગે આગામી બીજી નવેમ્બર સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી આપી છે.

હાલ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય બન્યું છે. આ ડિપ્રેશન આગામી 24 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. હવે આ ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે કે નહીં તે અંગેની દેખરેખ હવામાન વિભાગ રાખી રહ્યું છે. બીજી તરફ 'ક્યાર' વાવાઝોડાની અસર યથાવત્ રહી છે. 'ક્યાર'ની અસરને પગલે જ ગુજરાતના વિવિધ શહેરમાં વાદળછાયું વાતાવરણ બની રહ્યું છે. 'ક્યાર'ની અસરને પગલે આગામી બીજી તારીખ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. જેના પગલે માછીમારોને દરિમયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં ઝોન પ્રમાણે આ ચોમાસા દરમિયાન પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો આ વર્ષે કચ્છ વિસ્તારમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે.

કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના?

30મી ઓક્ટોબર : સાબરકાંઠા, બનાસકાંઠા, ગાધીનગર, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી, આણંદ, ખેડા, વડોદરા, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, જામનગર, મોરબી, કચ્છ.

31 ઓક્ટોબર : આણંદ, ભરૂચ, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ.

1 નવેમ્બર : બનાસકાંઠા, ડાંગ, વલસાડ, દેવભૂમિ દ્વારકા, કચ્છ.

2 નવેમ્બર : બનાસકાંઠા, ડાંગ, વલસાડ, દેવભૂમિ દ્વારકા, કચ્છ.

3 નવેમ્બર : બનાસકાંઠા, ડાંગ, કચ્છ