• Home
  • News
  • ગુજરાતમાં કોરોના કરતા માર્ગ અકસ્માતે વધુ જીવ લીધા, માર્ગ અકસ્માતમાં દર દોઢ કલાકે એક મોત, 5 વર્ષમાં 30 હજાર લોકોએ જીવ ગુમાવ્યા
post

2018માં સૌથી વધુ 2080 લોકો અકસ્માતમાં મોતને ભેટ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-23 11:35:33

હાલ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. પાંચ દિવસ ચાલનારા આ ચોમાસુ સત્રના બીજા દિવસે રાજ્યમાં વધી રહેલા અકસ્માતોના બનાવો અંગેના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે વિધાનસભામાં માર્ગ અકસ્માતને લગતી ચોંકાવનારી વિગત રજૂ કરી હતી. જેમાં માત્ર 5 વર્ષના ટૂંકાગાળામાં ગુજરાતમાં 30,000 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.ગૃહ વિભાગે કોંગ્રેસના તાલાલાના ધારાસભ્ય ભગાભાઇ બારડના પ્રશ્નોના લેખિત જવાબમાં આ માહિતી રજૂ કરી હતી. આ આંકડાઓ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે, રાજ્યમાં દરરોજ 16થી વધુ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. આમ દર દોઢ કલાકે માર્ગ અકસ્માતને કારણે એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે.

કોરોના કરતા માર્ગ અકસ્માતમાં વધુ મોત
માર્ગ અકસ્માતના આ આંકડાઓ પરથી એક વાત નક્કી છે કે, રાજ્યમાં કોરોના કરતા માર્ગ અકસ્માતમાં વધુ નાગરિકોના મોત થયા છે. વર્ષ 2018માં 8040 અને 2019માં 7409 લોકોના મૃત્યુ થયા છે. આમ 6 મહિને સરેરાશ 3,850 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુપામે છે. જ્યારે ગુજરાતમાં 19 માર્ચે કોરોનાની એન્ટ્રી થયા બાદ મહામારીને 6 મહિના પુરા થઈ ગયા છે. આ છ મહિના દરમિયાન કોરોનાને કારણે અત્યાર સુધી(22 સપ્ટેમ્બર)માં 3,355 લોકોએ જીવ ગુમાવ્યા છે.

સૌથી ઓછા મૃત્યુ 2019માં નોંધાયા
તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડે રાજ્યમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર અને માર્ગ અકસ્માતને ઘટાડવા માટે સરકારે લીધા પગલાની માહિતી માંગી હતી. સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2015થી 31 ડિસેમ્બર 2019 અકસ્માતના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મૃત્યુ 2018માં (8040 મૃત્યુ) નોંધાયા હતા. જ્યારે સૌથી ઓછા મૃત્યુ 2019માં (7409 મૃત્યુ) નોંધાયા હતા.

શહેરો અને જિલ્લાઓને માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુ મામલે ટાર્ગેટ આપ્યા છે
માર્ગ અકસ્માતને ઘટાડવા માટે લીધેલા પગલા અંગે સરકારે જણાવ્યું હતું કે શહેરો અને જિલ્લાઓને માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુ ઘટાડવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યા છે અને તેને લઇને નિયમિત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. જેના માટે RTOના અધિકારીઓ, પોલીસ, આર એન્ડ બી તથા અન્ય એજન્સીઓની ટીમ બનાવવામાં આવી છે. તેઓ અકસ્માતના સ્થળે રૂબરૂ જાય છે અને મૃત્યુ પાછળ ખામીયુકત માર્ગ જવાબદાર હતો કે પછી અન્ય કોઇ કારણ જવાબદાર હતું તેને લઇને તપાસ કરે છે.

માર્ગ સુરક્ષાને લઇને જાગૃતિ આવે તે માટે રાજ્યમાં નિયમિત રીતે ટ્રાફિક એજ્યુકેશન અને જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે. આ ઉપરાંત પોલીસ કમિશ્નર અને જિલ્લા કલેકટર દ્વારા સ્પીડ લિમિટને લઇને નિયમિત પરિપત્ર પણ બહાર પાડવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post