• Home
  • News
  • હીરણ ડેમના દરવાજા ખોલતાં પાણી જ પાણી:નદી વચ્ચે ગામ હોય એવા હૃદય કંપાવનારા દૃશ્યો; અનેક મકાનો ધરાશાયી થયા; લોકો પોતાનો જીવ બચાવવામાં બાંધેલા પશુઓને છોડી ન શક્યા
post

લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-19 18:32:02

ગીર સોમનાથમાં જાણે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં હોય તેમ છેલ્લા 24 કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે ગત મોડી રાત્રે હિરણ ડેમ-2ના તમામ દરવાજા સંપૂર્ણ ખોલાતા ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું. રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી અને ગાડીઓ છાતીસમા પાણીના ભારે પ્રવાહમાં તણાઈ હતી. તાલાલા પંથકમાં કોર્ટની પાછળના ભાગે પાણીના પ્રવાહમાં ઘર વેરવિખેર થઈ ગયા છે. તેમજ મકાન ધરાશાયી થયા હોવાનુ જાણવા મળ્યું છે. જેમાં મકાન ધરાશાયી થતા ઘરવખરી દટાઈ ગઈ હતી.

ખીલા સાથે બંધાયેલા પશુઓ મોતને ભેટ્યા
હિરણ ડેમ-2ના તમામ સાત દરવાજાઓ મોડી રાત્રે ખોલાતા હિરણ નદીના કિનારા પર આવેલ સોનારીયા ગામના દૃશ્યો સામે આવ્યા છે. નદી વચ્ચે ગામ હોય એવા હૃદય કંપાવનારા દૃશ્યો સામે આવ્યા છે. તમામ લોકોએ ઘરવખરી છોડી અને ઊંચા અને પાકા મકાનોમાં આશરો લેતા જીવ બચાવી શક્યા હતા. જ્યારે રાત્રિના દરવાજા ખોલાતા લોકો પોતાના જીવ બચાવવામાં પોતાના બાંધેલા પાલતુ પશુઓને તેને છોડી ન શક્યા. જેના લીધે ખીલા સાથે બંધાયેલા પશુઓ મોતને ભેટ્યા. આવા અનેક બનાવો હૃદય કંપાવનારા સામે આવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ તાલાલામાં અનેક મકાનો ધરાશાયી થવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યાં છે. પાણીના ભારે પ્રવાહમાં ઘરો તૂટી પડતા લોકો ઘરવિહોણા બન્યાં છે.

મધ્યરાત્રિએ તમામ દરવાજા સંપૂર્ણ ખોલવામાં આવ્યા
રાજ્યમાં હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. જેમાં પણ ગીર સોમનાથના વેરાવળમાં છેલ્લા 24 કલાકમાં 20 જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ગીર સોમનાથના તાલાલા તાલુકાની વાત કરવામાં આવે તો હિરણ ડેમ-2ના ઈતિહાસમાં એકસાથે મધ્યરાત્રિએ તમામ દરવાજા સંપૂર્ણ ખોલવામાં આવ્યા હતા. જેના કારણે પૂરનું પાણી શહેરમાં ઘૂસતાં રહેણાક વિસ્તારમાં નદીઓ જેવાં દૃશ્યો સર્જાયાં હતાં. રસ્તાઓ પર અનેક વાહનો તણાયાં હતાં. મોડી રાત્રિના સમયે લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. પાણીના ભારે પ્રવાહમાં ગાડીઓ તણાતી જોવા મળી હતી. ત્યારે એક છકડો પાણીના ફુલ પ્રવાહમાં તણાયા બાદ ડૂબી ગયો હતો.

ઘરવખરી સહિતનો સામાન પાણીમાં તરવા લાગ્યો
તાલાલામાં અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. લોકોનાં ઘરોમાં ઘૂંટણસમાં પાણી ઘૂસતાં ઘરવખરી સહિતનો સામાન પાણીમાં તરવા લાગ્યો હતો અને સાથે અનાજ પણ પાણીમાં પલળી જવાથી લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. રાત્રિના ત્રણ વાગ્યે હિરણ-2 ડેમના તમામ દરવાજા સંપૂર્ણ ખોલવામાં આવતા પૂરનાં પાણીએ લોકોને ઊંઘમાંથી ઊભા કર્યા હતા. હિરણ ડેમ-1, 4 ફુટે ઓવરફલો થતાં આ પેઢીના હયાત વ્યક્તિઓએ આવો ભયંકર વરસાદ ક્યારેય નથી જોયો કે નથી તાલાલામા જલતાંડવ જોયું. સમગ્ર જિલ્લાભરની સાથે ગીર પંથકમાં રેકોર્ડ બ્રેક મુશળધાર વરસાદ વરસતા ગીરની હિરણ નદી ગાંડીતૂર બની હતી. તાલાલા શહેરમાં હિરણ નદીના પૂરનાં પાણી ઘૂસી ગયાં હતાં.

લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી
તાલાળાના નરસિંહ ટેકરી, આંબેડકર નગર, ગુંદરણ ચોકડી, સોમનાથ સોસાયટી સહિતના અનેક વિસ્તારમાં જલતાંડવ જોવા મળ્યું હતું. પોલીસ, વહીવટી તંત્ર સહિત સેવાભાવી લોકોએ જ્યાં જ્યાં વધુ પાણી ઘરોમાં ઘૂસ્યાં હતાં ત્યાં જઈ લોકોને સાવચેત કરી અને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મોડી રાત્રિના શરૂ કરી હતી. જ્યાં બીજી બાજુ નદીનાં પાણી સાથે મગર પણ શહેરમાં આવી પહોંચ્યો હતો. કોઈ સ્થાનિકની નજર ગેરેજમાં પડેલા ટાયર પર જતાં ત્યાં મગર દેખાયો હતો. જે બાદ મગર રોડ પર ચાલતો જતો હોય તેવો વીડિયો સ્થાનિકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post