• Home
  • News
  • PSI ભરતી કૌભાંડમાં ચર્ચા કરવા વિપક્ષની માગ, હર્ષ સંઘવીનું રાજીનામું માગ્યું; કોંગ્રેસનો વોક આઉટ
post

યુવરાજસિંહે ભાંડો ફોડતાં માહિતી લીક કરનાર કર્મચારીની તપાસ શરૂ

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-01 17:30:36

કરાઇ એકેડેમી ખાતે પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની બોગસ રીતે તાલીમ મેળવી રહેલા મયૂર તડવીનો મુદ્દો આજે ગૃહમાં ગુંજ્યો હતો. કોંગ્રેસ દ્વારા આજે એનો ગૃહમાં વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લે કાર્ડ દર્શાવી વિરોધ દર્શાવ્યો હતો.

કોંગ્રેસની માગણી હતી કે ગૃહમાં કરાઇ એકેડેમી ખાતે બનેલી ઘટના બાબતે ગૃહમાં ચર્ચા કરવામાં આવે. સરકારને આડે હાથ લઈ કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કોઈ બોગસ વ્યક્તિ એકેડમીમાં પ્રવેશ મેળવી એક મહિના સુધી તાલીમ મેળવીને પગાર મેળવ્યો, એનો જવાબ સરકાર પાસેથી માગવામાં આવ્યો હતો. આ બાબતે અધ્યક્ષે વિપક્ષ ધારાસભ્યને વિધાનસભાના કાયદા પ્રમાણે ચર્ચા કરવા માટે સૂચન કર્યું હતું. જોકે ગૃહમાં કરાઇ એકેડેમીમાં ચાલતા કૌભાંડ મામલે કોંગ્રેસે ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું.

ગૃહમાં 116 હેઠળની નોટિસ આધારે તાકીદે ચર્ચા કરવી જોઈએ- અમિત ચાવડા
આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યારસુધી પેપરલીક થાય છે, જેના માટે રાજ્ય સરકાર ગૃહમાં કાયદો લાવી. હવે એક મયૂર તડવી નામની વ્યક્તિ પરીક્ષા પાસ કર્યો વિના સીધી કરાઇ એકેડેમીમાં પીએસઆઇની તાલીમ મેળવી રહી છે. આ કેવી રીતે શક્ય બની શકે? આ બાબતે સરકારે ગૃહમાં 116 હેઠળની નોટિસ આધારે તાકીદે ચર્ચા કરવી જોઇએ, જેથી ગુજરાતના યુવાનો જે ચિંતા કરી રહ્યા છે એનો જવાબ યુવાનોને મળી જાય.

116ના નિયમ બનેલા છે એ મુજબ કાર્યવાહી થશે- અધ્યક્ષ
ગૃહમાં ચર્ચા કરવાની બધાને છૂટ આપવામાં આવી છે, એમ જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પેપરલીક બાબતે રાજ્ય સરકાર કાયદો લાવી છે. યુવાનો માટે સરકાર ખૂબ સારી રીતે કામ કરી રહી છે. રાજ્યમાં ડ્રગ્સ દૂષણ બાબતે પણ સરકારે સારી કામગીરી કરી છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે વિધાનસભાના નિયમ પ્રમાણે 116ની નોટિસ આપી છે, એનો મતલબ એ નથી કે આજે જ ચર્ચા થાય. 116ના નિયમ બનેલા છે એ મુજબ કાર્યવાહી થશે. વિધાનસભાના નિયમો મુજબ સમય ચર્ચા માટે સમય આપવામાં આવશે, પરંતુ આજે આ મામલે ચર્ચા નહીં થાય. જે કોંગ્રેસના ધારાસભ્યે વોક આઉટ કરવું હોય તો તે કરી શકે છે.

તમામના જવાબ આપીશ, આ ઘટના પાછળ મોટું રેકેટ- હર્ષ સંઘવી
કરાઇ એકેડેમી મામલો ગંભીર છે. વિધાનસભા બહાર હું તમામના જવાબ આપીશ એમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ ગંભીર ગુનાની તપાસ કેટલાય દિવસથી ચાલે છે. આ ઘટના પાછળ મોટું રેકેટ છે. રાજ્યના ડીજીપી દ્વારા ગઇકાલે આ બાબતે પ્રેસ-કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી છે. જવાબ આપવા માટે અમે તૈયાર છીએ. આજે જવાબ જોઇએ તો મારા ધારાસભ્ય મારા કાર્યાલયમાં આવે. આ બાબતે બીજા રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન ન થવો જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.

નકલી PSI 3 મહિનાથી ટ્રેનિંગમાં હતો- સરકારે સ્વીકાર્યું
કરાઈ એકેડેમીમાં તાલીમ લઈ રહેલા નકલી પીએસઆઈ મયૂર તડવી મામલે આખરે ડભોડા પોલીસમાં ગુનો નોંધાયો છે, જ્યારે કેસની તપાસ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે. બીજી તરફ, સરકારે સ્વીકાર કર્યો કે ત્રણ મહિનાથી મયૂર તડવી તાલીમ લેતો હતો. અકાદમીમાં તાલીમ લઈ રહેલા 582 તાલીમાર્થીના ફેબ્રુઆરીનાં પગાર બિલ બન્યાં ત્યારે મયૂર તડવીનું નામ પાસ થયેલા ઉમેદવારોના લિસ્ટમાં હતું જ નહીં. આ બાબત સ્પષ્ટ થતાં ચાર દિવસ પહેલાં જ ગુપ્ત તપાસ શરૂ કરાઈ હતી અને મયૂરની હિલચાલ પર પણ વોચ રખાઈ હતી. તેનો મોબાઇલ નંબર મેળવી તેણે છેલ્લા 3 મહિના દરમિયાન કઈ કઈ વ્યક્તિ સાથે વાત કરી હતી અને કોઈ ગેંગ સાથે મળી અકાદમીમાં પ્રવેશ મેળવ્યો છે કે કેમ એ અંગે તપાસ કરાઈ રહી છે. સરકારે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે 9 જાન્યુઆરીએ વડોદરા રેન્જના 5 પીએસઆઈને જે નિમણૂક પત્ર અપાયા હતા એમાં મયૂરે વિશાલ રાઠવા નામના પાસ થયેલા ઉમેદવારનો ઓર્ડર મેળવ્યો હતો. આ પછી તે નિમણૂકપત્રમાં પાસ થયેલા અન્ય ઉમેદવાર વિશાલ રાઠવા નામને કોઈ એપ દ્વારા ડિલિટ કરી પોતાનું નામ ઉમેર્યું હતું અને બનાવટી નિમણૂકપત્ર બનાવી કરાઈ અકાદમીમાં પ્રવેશ મેળવ્યો હતો.

યુવરાજસિંહે ભાંડો ફોડતાં માહિતી લીક કરનાર કર્મચારીની તપાસ શરૂ
40 લાખ આપી કરાઈ અકાદમીમાં ઘૂસેલા તડવીનો ખુલાસો યુવા નેતા યુવરાજસિંહે કરતાં સરકાર દોડતી થઈ હતી. સરકારે જારી કરેલા ખુલાસામાં યુવરાજસિંહને માહિતી આપનાર કરાઈ ખાતેના કર્મચારી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે સરકારની છબિ ખરડાય એ હેતુથી રાજકીય ઇરાદે ગુપ્ત ઇન્ક્વાયરીમાં અવરોધ ઊભો કરવા ગુપ્ત માહિતી યુવરાજસિંહને આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ ખોટા દસ્તાવેજો સાથે હાજર થયેલી અમદાવાદની ધારા જોષી સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post