• Home
  • News
  • રાજકોટ મનપામાંથી વિપક્ષ નેતાનું કાર્યાલય ખાલી કરવા આદેશ, કોંગ્રેસે કહ્યું- RMCનાં બગીચામાં બેસી વિપક્ષ નેતા લોકપ્રશ્નો સાંભળશે
post

ભાજપના કુશાસનથી બચાવવા અમારી લડાઈ ચાલુ રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-26 18:13:43

રાજકોટ: ગઈકાલે મનપાનાં સેક્રેટરી દ્વારા વિપક્ષ નેતાનું કાર્યાલય અને કાર પરત લેવા માટે મ્યુનિ. કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો. જેને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા આજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભાજપના શાસકો દ્વારા કાર ભલે પરત લેવામાં આવે પરંતુ કાર્યાલય ચાલુ રાખવું જોઈએ. આ માટે મેયરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. છતાં જો કાર્યાલય ખાલી કરાવી કોઈ જગ્યા આપવામાં નહીં આવે તો વિપક્ષ નેતા અને કોંગ્રેસના કોર્પોરેટરો સહિતના નેતાઓ RMCનાં બગીચામાં બેસી લોકોના પ્રશ્નો સાંભળશે.

કોંગ્રેસના નેતા અશોક ડાંગરે શાસકો પર આકરા પ્રહારો કર્યા
પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતા અશોક ડાંગરે શાસકો પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, પોતાના આકાઓને ખુશ કરવા માટે વિપક્ષ પદ છિનવી લીધું છે. ભૂતકાળ યાદ કરાવતા તેમણે રાજકોટ ભાજપના પીઢ નેતા ચીમનભાઈ શુક્લને પણ યાદ કર્યા હતા. તેમના સમયમાં વિપક્ષને જરૂરી સુવિધા અપાઈ હોવાનું કહ્યું હતું અને ભાનુબેન સોરાણીએ અલગ અલગ ભાજપની ફાઈલો કાઢી એટલા માટે વિપક્ષ નેતાનું પદ લઈ લીધું હોવાનો આરોપ લગાવ્યો હતો.

ભાનુબેને ફાઈલો ખોલી હોવાથી તેનો અવાજ દબાવવા પ્રયાસ
અશોક ડાંગરે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ સમિતિ આખેઆખી બરખાસ્ત કરવામાં આવી તે ફાઈલો ભાનુબેને ખોલી હોવાથી તેમનો અવાજ દબાવવા કાર્યાલય ખાલી કરાવવામાં આવ્યું હોવાનું કહી RMCનાં બગીચામાં બેસી લોકોના પ્રશ્નો હલ કરવા માટે તૈયારી દર્શાવી હતી.

કોંગ્રેસમાં કોઈ પણ પ્રકારનો જૂથવાદ નથી
શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતનાં નેતાઓની ગેરહાજરી અંગે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજપુતે કહ્યું હતું કે, આ પત્રકાર પરિષદમાં કોણ હાજર રહેશે તેનો નિર્ણય કાલે જ લેવાયો હતો અને એ મુજબનાં નેતાઓ હાજર રહ્યા છે. કોંગ્રેસમાં કોઈ પણ પ્રકારનો જૂથવાદ નથી. કોંગ્રેસ હંમેશા લોકોના પ્રશ્નો માટે લડતી જ રહી છે.

કાર્યાલય અને કાર છીનવી લેવામાં આવી
મહેશ રાજપુતે વધુમાં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં પણ કાર્યાલય કે કાર નહીં હોય તો પણ અમારી લડાઈ ચાલુ રહેશે. ભાજપ દ્વારા વિપક્ષનો અવાજ દબાવવાનાં ભાગરૂપે અને વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીએ બિલ્ડરો દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર અંગે પત્રો લખી કરેલી રજૂઆતનાં કારણે કાર્યાલય અને કાર છીનવી લેવામાં આવી છે. પરંતુ અમે મનપાનાં પ્રાંગણમાંથી લોકોના પ્રશ્નો સાંભળી તેનો ઉકેલ લાવીશું.

ભાજપના કુશાસનથી બચાવવા અમારી લડાઈ ચાલુ રહેશે
વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું કે, તેમણે ભાજપના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો અને અમુક બિલ્ડરોની ફાઈલો વિશે પત્ર લખતા કાર્યાલય અને વાહન સુવિધા પરત લઈ લેવામાં આવી છે. ભાજપ લોકશાહીનું ખૂન કરી શાસન ચલાવી રહી છે. પરંતુ અમે લોકોના પ્રશ્નોની લડત આપતા રહ્યા છીએ અને લડત આપતા રહીશું. જો કાર્યાલય આપવામાં નહીં આવે તો પણ લોકોને ભ્રષ્ટાચાર અને ભાજપના કુશાસનથી બચાવવા અમારી લડાઈ ચાલુ રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post