• Home
  • News
  • એપિડેમિક એક્ટ હેઠળ બંધ ખાનગી દવાખાના ચાલુ કરાવ્યા, નહીંતર લાઈસન્સ રદ, 9 ખાનગી હોસ્પિ.માં 1000 નવા કોરોના બેડ
post

સુપર સ્પ્રેડર વડે કોરોનાનો ફેલાવો રોકવા દૂધ-દવા સિવાયની તમામ સેવા-દુકાનો 7 દિવસ માટે બંધ, રોજ દરેક વોર્ડમાં 500 સ્પ્રેડરનું સ્ક્રીનિંગ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-07 09:10:54

અમદાવાદ: રાજ્યમાં કોરોના કેપિટલ બનેલા અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિને કાબૂમાં લેવા રાજ્ય સરકારે ડો. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક કરી છે. આજે સવારે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે કોરોનાને કાબુમાં લેવા 10 મુદ્દાની નવી રણનીતિ ઘડવા ડો. ગુપ્તા અને નવા મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમારની અધ્યક્ષતામાં તમામ ઝોનના ડેપ્યૂટી કમિશનર અને અધિકારીઓ સાથે મિટિંગ યોજાઇ હતી. આ મેરેથોન મિટિંગમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતાં. મ્યુનિ. સત્તાધીશોએ હવે એપિડેમિક એક્ટનું હથિયાર ઉગામીને 9 ખાનગી હોસ્પિટલોમાં વધારાના 1000 કોવિડ-19 બેડ તૈયાર કરવા ઉપરાંત શહેરમાં તમામ ખાનગી ક્લિનિક/નર્સિંગ હોમ બંધ કરીને બેઠેલા ડોક્ટરોને કોરોના સામેની લડાઈમાં ફરજિયાત ઉતરવા અથવા લાઈસન્સ ગુમાવવાની ચેતવણી આપી છે. આ ઉપરાંત દૂધ અને દવા સિવાયની તમામ સેવાઓ જેવી કે કરિયાણું, શાક-ભાજી વગેરે આવતીકાલે સવારથી 7 દિવસ માટે બંધ કરાઈ છે જેથી સુપર સ્પ્રેડર દ્વારા કોરોનાનો ફેલાવો અટકાવી શકાય. આ ઉપરાંત શહેરમાં થ્રી-સ્ટાર અને નીચેની કેટેગરીની હોટલો જેમાં ઓછામાં ઓછી 50 એસી રૂમની વ્યવસ્થા હશે તેમાં કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવશે. આ મામલે તમામ ઝોનના ડેપ્યુટી કમિશનરોને જવાબદારી સોંપવામાં આવી છે. 

કોવિડ-19 સામેની લડાઈ માટે અમદાવાદ મ્યુનિ.ની નવી વ્યૂહરચના

1-વોર્ડવાર કોવિડ-19ની કન્ટેઈન્મેન્ટ સ્ટ્રેટેજી તમામ 48 વોર્ડ માટે નક્કી કરી આવતીકાલે મિટિંગમાં રજૂ કરાશે. આમાં જે-તે વોર્ડની વર્તમાન કોરોનાની સ્થિતિ, ટેસ્ટિંગ સ્ટ્રેટેજી, લોકડાઉન અમલ વગેરેનો સમાવેશ કરાશે.

2-શહેરની 9 ખાનગી હોસ્પિટલમાં કુલ 1000 બેડ એપિડેમિક એક્ટ હેઠળ કોવિડ-19 હોસ્પિટલ માટે ફાળવાશે. આની જવાબદારી જે-તે ડીવાયએમસીને સોંપાઈ છે.

3-દરેક ઝોનમાં 3-સ્ટાર કેટેગરી અને નીચેની પરંતુ ઓછામાં ઓછા 50 એસી રૂમ ધરાવતી ખાનગી હોટેલ્સની ઓળખ કરીને 500 બેડનું કોવિડ કેર સેન્ટર સ્થપાશે. આની જવાબદારી જે-તે ડીવાયએમસીને સોંપાઈ છે. 

4-તમામ ખાનગી ક્લિનિક/નર્સિંગ હોમ/હોસ્પિટલોને 48 કલાકમાં શરૂ કરવા નોટિસ અપાશે. જો તેઓ આમ નહીં કરે તો તેમના લાઈસન્સ રદ કરી દેવાશે. જે ડોક્ટર તેમના ક્લિનિક ખોલતા ન હોય તેમને કોવિડ કેર સેન્ટર અથવા ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓની સેવામાં તૈનાત કરાશે. 

5- શાકભાજી, ફળફળાદિ વેચનારા, કરિયાણું, પ્રોવિઝન સ્ટોર, સુપરમાર્કેટ અને આઈસક્રીમ પાર્લર ધરાવતા તેમજ સ્વીગી, ઝોમેટો, ડોમિનોઝ વગેરેના હોમ ડિલિવરી બોય જેવા સુપર સ્પ્રેડર્સ પર 7 મેના રોજ સવારે 6 વાગ્યાથી 7 દિવસ સુધી એએમસીની હદના વિસ્તારોમાં પ્રતિબંધ. આમાં ફક્ત દૂધ અને દવાની સેવાને છૂટછાટ મળશે.

6- દરેક ઝોનમાં સરેરાશ 2,000 સુપર સ્પ્રેડર નોંધાયા છે. આ તમામનું દરેક ઝોનમાં રોજના 500ના ટાર્ગેટ સાથે સ્ક્રીનિંગ કરાશે. આના આધારે શંકાસ્પદ સુપર સ્પ્રેડર્સનું પણ ટેસ્ટિંગ કરાશે. આગામી બુધવાર ને 15 મે સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરાશે.

7- વધુ સૂચના જારી ન કરાય ત્યાં સુધી એટીએમ સિવાય તમામ બેંકની બધી શાખાઓ જે રેડ ઝોનમાં આવેલી છે તે બંધ રહેશે.

8- સામાન્ય અને હળવા લક્ષણોવાળા દર્દીઓ માટે તેમના ઘરમાં સરકારી માર્ગદર્શિકા અનુસાર અલગ રૂમ અને શૌચાલયની સુવિધા હશે તો તેમને ત્યાં જ રહેવા દેવાશે. આવા દર્દીઓની હેલ્થ વર્કર દરરોજે મુલાકાત લેશે.

9- 2 લાખ કોવિડ કેર કીટનું વિતરણ કરાશે જે દરેકમાં 4 સાબુ, 4 વોશેબલ માસ્ક અને આયુર્વેદિક/હોમિયોપેથિક ઔષધિઓ હશે. આ કીટ વિતરણ હાલ શહેરમાં કાર્યરત 600 સર્વેલન્સ ટીમ મેમ્બર્સ કરશે.

10- વિવિધ એનજીઓ, યુથ સંસ્થાઓને કોરોના સામેની લડાઈ માટે મેદાનમાં ઉતારાશે અને એએમસીની ચૂંટાયેલી પાંખ સાથે તેમની ફીડબેક પ્રણાલિ સ્થાપિત કરાશે.