• Home
  • News
  • પ્રજા માટે અમારા દ્વાર હંમેશાં ખુલ્લા છે, પરંતુ મારા સુધી આવવું ન પડે તેવી વ્યવસ્થા કરીશું: સંજય શ્રીવાસ્તવ
post

શહેરમાં સાઈબર ક્રાઇમને લગતા ગુના ઘટે, આર્થિક નુકસાન અટકે તેવા પ્રયાસ કરાશે: શ્રીવાસ્તવ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-04 10:45:45

અમદાવાદ: અમદાવાદ શહેરના નવ નિયુક્ત પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે  સાઈબર ક્રાઈમ, કાયદો વ્યવસ્થા, મહિલાઓ, સિનિયર સિટીઝનોની સુરક્ષા અંગે ખાસ વાતચીત કરી..

સવાલઃ અમદાવાદ શહેર માટે આપની પ્રાથમિકતા શું રહેશે?
જવાબઃ શહેરમાં કોરોના મહામારીને નાથવા માટે આરોગ્ય વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન જે રીતે પ્રયત્ન કરી રહ્યું છે તેની સાથે સાથે ખભેખાભા મિલાવી સમગ્ર પોલીસ તંત્ર જે રીતે કાર્યરત છે તે પ્રક્રિયાને આગળ ધપાવીશું.

સવાલઃ કાયદો વ્યવસ્થા અને પ્રજાની સુરક્ષા માટે તમારી પાસે કોઈ પ્લાન છે?
જવાબઃ સર્વ ટુ સિક્યોરઆ મારો સૂત્ર છે. હું માનું છું કે, પોલીસની કામગીરી એવી હોવી જોઈએ કે, પોલીસ શહેરના નાગરિકોને સુરક્ષાનો અહેસાસ કરાવે અને કાયદાના શાસનની પ્રતિતિ કરાવે. લોકોના જીવ બચાવવા, લોકોના માલ મિલકતની રક્ષા કરવી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રાખવીએ પોલીસની પ્રાથમિક ફરજ છે.

સવાલઃ ગુનાખોરીને ડામવા માટે કઈ રણનીતિ સાથે કામ કરશો?
જવાબઃ આ શહેરથી હું વાકેફ છું. લૉકડાઉન પછીના સમયમાં સાઈબર ક્રાઇમના ગુનાની સંખ્યા વધુ છે. આ તબક્કે સાઈબર ક્રાઇમને લગતા ગુના ઘટે અને લોકોને આર્થિક નુકસાન થતું અટકે તેવા પ્રયાસ કરાશે.અકસ્માતોનું પ્રમાણ વધે નહીં અને લોકો સલામત રીતે વાહન ચલાવી શકે તે માટે સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થા ઉપલબ્ધ બને તે દિશામાં કામ કરીશું.

સવાલઃ હાલમાં શહેરમાં ડ્રગ્સની બદી વધી છે આ બાબતે આપ શું કરશો?
જવાબઃ મે અગાઉ સીઆઈડી ક્રાઈમમાં કામગીરી કરી છે એટલે અમદાવાદમાં ડ્રગ્સના કારોબાર વિશે મને જાણકારી છે. હું અનેક બાબતોથી વાકેફ પણ છું. આગામી સમયમાં નવી પેઢીને આ બદીથી બચાવવા અને ડ્રગ્સ માફિયા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સવાલઃ હવે રાત્રિ કર્ફ્યૂ નથી ત્યારે ગુનાખોરી વધવાની સંભાવના છે ત્યારે પોલીસની કામગીરી કેવી રહેશે?
જવાબઃ અમે લોકોની સુરક્ષા અને સલામતી માટે હંમેશાં સજાગ રહીશું. ક્રાઈમ કન્ટ્રોલ અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે શક્ય તેવા તમામ પગલાં લેવામાં આવશે.

સવાલઃ શહેરીજનોને સાથે રાખી કેવી રીતે કામ કરશો?
જવાબઃ મારો સ્વભાવ ઓછું બોલવાનો છે, પરંતુ હું કામ કરવામાં વધુ માનું છું અને મારા કામથી જ હું લોકોની સાથે સંવાદ સાધુ છું. મારા પહેલાના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ લોકોની સાથે મળીને કૉમ્યુનિટી પોલિસિંગનો જે માર્ગ બનાવ્યો છે તેને અનુસરીને કાયદો અને વ્યવસ્થા જાળવી લોકોને વધુને વધુ સુરક્ષા અને સલામતીનો અહેસાસ કરાવીશ.

સવાલઃ અંતમાં પ્રજાને શું સંદેશ આપવા માંગો છો?
જવાબઃ આપની મદદ માટે મારી કચેરીના દ્વાર હંમેશાં માટે ખુલ્લા રહેશે. પરંતુ મારા સુધી આપ સર્વેને આવવું ના પડે તેવી યોગ્ય વ્યવસ્થા અને સેવા પોલીસ કરે તેનો હું પ્રયત્ન કરીશ.

 

adv

Related News

post
post
post
post
post
post
post