• Home
  • News
  • PAK પાસે બોલરની સારવાર માટે પણ રુપિયા નથી:શાહિદ આફ્રિદીએ કહ્યું- ઈજાગ્રસ્ત શાહીન પોતાના ખર્ચે ઈંગ્લેન્ડ જઈને સારવાર કરાવી રહ્યો છે
post

આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમની જાહેરાત કરવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-17 16:22:33

ઈસ્લામાબાદ: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આર્થિક સ્થિતિ ખરાબ છે. સ્થિતિ એવી છે કે તેના ખેલાડીઓની સારવાર માટેના પણ રુપિયા તેમની પાસે નથી. પાકિસ્તાન ટીમના ખેલાડી શાહીન શાહે પોતાની ઈજાની સારવારનો ખર્ચ જાતે ઉઠાવવો પડી રહ્યો છે આ વાતનો ખુલાસો તેના ભાવિ સસરા અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કર્યો છે.

હાલમાં પાકિસ્તાનનો સૌથી સફળ બોલર શાહીન આફ્રિદી ઈજાના કારણે એશિયા કપ 2022માં રમી શક્યો નહોતો. જો કે, તે ટીમની સાથે UAE ગયો હતો. શાહીન આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાન જશે. ટીમમાં પણ પસંદગી પામ્યો છે.

પૂર્વ કેપ્ટનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહી રહ્યો છે કે શાહીને પોતાની સારવાર જાતે કરાવવી પડી રહી છે. શાહીન આફ્રિદી પોતાના ખર્ચે ઈંગ્લેન્ડ ગયો હતો. અહીં તેણે પોતે જ ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો. તેની સારવાર માટે PCBએ કંઈ જ કર્યું નથી.

તેમણે કહ્યું કે શાહીનની જગ્યાએ કોઈ પણ ખેલાડી હોય, જે દેશ માટે રમી રહ્યો છે અને તમારી ટીમનો મહત્વનો સભ્ય છે, તેને ઈજા થતા તેની સારવાર કરાવવી અને સંભાળ લેવાની PCBની જવાબદારી છે. એવું નહીં કે તેને તેના હાલ પર છોડી દેવો જોઈએ.

ડૉક્ટરે કહ્યું હતું- શાહીનના ઘૂંટણની ઈજાને ખાસ સારવારની જરૂર છે
શાહીન શાહ આફ્રિદીના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. નજીબુલ્લાહ સૌમરોએ લંડન જતા પહેલા કહ્યું હતું કે શાહીનના ઘૂંટણની ઈજાને ખાસ સારવારની જરૂર છે અને લંડનમાં વિશ્વની શ્રેષ્ઠ સ્પોર્ટ્સ મેડિસિન અને રિહેબિલિટેશનની વધુ સારી સુવિધાઓ છે. તેમણે કહ્યું કે અમારા ડૉક્ટરો પણ તેમના સંપર્કમાં છે અને તેમના પર નજર રાખશે. આશા છે કે વર્લ્ડ કપ પહેલા તે સ્વસ્થ થઈ જશે.

શાહીન 15 ઓક્ટોબર સુધીમાં ટીમ સાથે જોડાશે
શાહીન આફ્રિદી 15 ઓક્ટોબર સુધી ટીમ સાથે જોડાશે. ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને શાહીન આફ્રિદી પાસેથી ઘણી આશાઓ છે. લેફ્ટ આર્મ પેસર શાહીન ઓસ્ટ્રેલિયાની ઝડપી અને ઉછાળવાળી પીચો પર પાકિસ્તાન માટે અસરકારક સાબિત થઈ શકે છે.

PCB સંબંધિત વિવાદ

·         PCBના વડા બન્યા બાદ રમીઝ રાજાએ નિવેદન આપ્યું હતું કે દુનિયાભરમાં ક્રિકેટ BCCIની મદદથી ચાલે છે. તેમણે કહ્યું હતું કે ICCને તેની આવકનો 90 ટકાનો ભાગ BCCI પાસેથી મળે છે.

·         પાકિસ્તાનના ફાસ્ટર મોહમ્મદ આમિરે 2020માં 28 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધો હતો. તેણે નિવૃત્તી બાદ PCBના અધિકારીઓ પર અનેક આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતુ કે મને તે સન્માન મળી રહ્યું નહોતુ, જેનો હું હકદાર હતો અને આ જ કારણે મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાનો નિર્ણય લીધો હતો.

આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ગુરુવારે જાહેર કરાયેલી આ ટીમમાં શાર્પ બોલર શાહીન શાહ આફ્રિદી પરત ફર્યો છે.