• Home
  • News
  • બીજી T20માં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 38 રને હરાવ્યું:બાબરે 101 રનની અણનમ ઇનિંગ રમી, હારિસ રઉફે 4 વિકેટ લીધી
post

રિઝવાને 34 બોલમાં 50 રન બનાવ્યા હતા. તે જ સમયે બાબરે 58 બોલનો સામનો કર્યો અને અણનમ 101 રન બનાવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-17 19:06:47

લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20 મેચમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 38 રનથી હરાવ્યું હતું. કેપ્ટન બાબર આઝમે અણનમ 101 રન બનાવ્યા હતા. તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 4 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા.

જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 7 વિકેટ ગુમાવીને 154 રન જ બનાવી શકી હતી. બેટિંગમાં કેપ્ટન આઝમના શાનદાર પ્રદર્શન બાદ હારિસ રઉફે કિવી બેટર્સને ક્રિઝ પર સ્થિર થવા દીધા નહોતા અને 4 ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

બાબર અને રિઝવાન માટે સારી શરૂઆત
કેપ્ટન બાબર અને વિકેટકીપર રિઝવાન, જે પ્રથમ T20માં વહેલા આઉટ થઈ ગયા હતા, તેણે બીજી T20માં ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે 99 રનની ભાગીદારી થઈ હતી. મેટ હેનરીએ ઇનિંગની 11મી ઓવરમાં રિઝવાનને મિચેલના હાથે કેચ આઉટ કરાવીને ભાગીદારી તોડી હતી. ત્યાર બાદ બીજા જ બોલ પર હેનરીએ ફખર ઝમાનને ક્લીન બોલ્ડ કર્યો હતો.

રિઝવાને 34 બોલમાં 50 રન બનાવ્યા હતા. તે જ સમયે બાબરે 58 બોલનો સામનો કર્યો અને અણનમ 101 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 1 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા હતા. બાબર અને રિઝવાન સિવાય ઈફ્તિખાર અહેમદે 19 બોલમાં 33 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. આ સિવાય રચિન રવિન્દ્ર અને નીશમે 1-1 વિકેટ લીધી હતી.

હરિસ રઉફ સામે કિવી બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારી

193 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શાદાબ ખાને ન્યૂઝીલેન્ડને 44 રનના સ્કોર પર પહેલો ઝટકો આપ્યો હતો. તેણે કિવિ કેપ્ટન ટોમ લાથમને LBW આઉટ કર્યો હતો. લાથમે 20 બોલમાં 19 રન બનાવ્યા હતા.

તેના આઉટ થયા બાદ બીજો ઓપનર ચેડ બોવ્સ પણ 26 રન બનાવીને આઉટ થયો હતો. વિલ યંગ અને ડેરીલ મિશેલ કંઈ ખાસ કરી શક્યા ન હતા અને 9-9 રન બનાવીને આગળ વધ્યા હતા.

માર્ક ચેપમેને અડધી સદીની ઇનિંગ્સ રમી હતી

જોકે માર્ક ચેપમેને ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બીજા છેડેથી અન્ય બેટર્સનો સાથ મેળવી શક્યો નહોતો. ચેપમેને 40 બોલનો સામનો કર્યો અને 65 રન બનાવ્યા હતા.

બીજી તરફ પાકિસ્તાન તરફથી હારિસ રઉફે જબરદસ્ત બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ લીધી હતી. જ્યારે જમાન ખાન, ઈમાદ વસીમ અને શાદાબ ખાનને 1-1 વિકેટ મળી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post