• Home
  • News
  • ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા ગામથી રિપોર્ટ:ફાયરિંગ થતાની સાથે જ ખેડૂતોએ ભાગવું પડે છે, ટોકન લઈને ખેતરમાં જાય છે; સાંજે 7 વાગ્યા પછી જવા પર પ્રતિબંધ
post

જમ્મુનું મકવાલ ગામ ભારત-પાકિસ્તાન બોર્ડરથી લગભગ 5 કિમીના અંતરે છે, કોરોનાના કારણે આ વખતે ગામના લોકોને ભારે નુકસાન થયું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-22 11:28:05

જમ્મુનું એક ગામ છે મકવાલ. આ ગામ ભારત-પાકિસ્તાન બોર્ડરની એકદમ નજીક આવેલું છે. ગામના મોટાભાગના લોકો ખેતી કરે છે. અહીંયા અનાજ, ઘઉં તરબૂચની ખેતી કરવામાં આવે છે ખેતર ભારત-પાકિસ્તાન બોર્ડરની એકદમ નજીક છે. જેના કારણે આ લોકો માટે ખેતી કરવી દેશના અન્ય ખેડૂતો જેટલી સરળ નથી.

બુધવાર બપોરે 1 વાગ્યે અમે ગામમાં પહોંચ્યા તો એક કરિયાણાની દુકાન પર જ ગામના સરપંચ, પંચ અને ગામવાસી મળ્યા. અમે અમારો પરિચય આપ્યો અને વાતચીત શરૂ કરી. અમે તેમને ગામની સ્થિતિ વિશે પુછ્યું તો જવાબ મળ્યો કે, અહીંયા ખેતી જીવને જોખમમાં મુકીને કરવામાં આવે છે અને આ વખત તો જે પૈસા નાંખ્યા એ પણ ડૂબી ગયા છે.

પાક મંડી તો પહોંચ્યો પણ ગ્રાહક ન હોવાના કારણે વેચાયો જ નહીં. થોડો ગણો માલ વેચાયો.એટલા માટે ઘણા લોકોએ તો ખેતરમાંથી તરબૂચ જ નથી કાઢ્યા કારણ કે મજૂરને ખિસ્સામાંથી પૈસા આપવાના હતા અને પાક વેચાવાનો નહોતો એટલા માટે ખેતરમાં જ તરબૂચ છે.

બોર્ડર હોવાથી ખેતી કરવામાં કેવા પડકાર આવે છે? આ સવાલ કર્યો તો અમારી નજીક બેઠેલા સતપાલ સિંહે કહ્યું, અમારા માટે ખેતી દેશના બીજા ખેડૂતો જેવી નથી. અમે દરરોજ ખેતરમાં જતા પહેલા અમારું ID આર્મીને દેખાડીએ છીએ. એ ID જમા કરાવવું પડે છે અને અમને ટોકન મળે છે. આખો દિવસ ટોકન અમારી સાથે રાખીએ છીએ અને ખેતરમાં કામ કરીએ છીએ. સાંજે જ્યારે પાછા ફરીએ ત્યારે ટોકન જમા કરાવીને ID પાછું લેવાનું હોય છે.

આવું શા માટે કરાવે છે? આ અંગે કહ્યું કે, બોર્ડર પાસે એ જ વ્યક્તિ જઈ શકે છે જેનું ખેતર હોય. તેના સિવાય આર્મીની મંજૂરી વગર કોઈ ન જઈ શકે. બોર્ડર પાસે જેટલા પણ ગામ છે,તમામ ગામમાં ખેતરમાં જવા માટે આવી જ પ્રોસેસ કરવામાં આવે છે.

સતપાલ સિંહે કહ્યું કે, ઘણી વખત સીમા પારથી ફાયરિંગ શરૂ થઈ જાય છે. ફાયરિંગ શરૂ થતાની સાથે જ અમારે ભાગવું પડે છે. જો કે, BSF અમારો પુરે પુરો સપોર્ટ કરે છે. જ્યારે અમે ખેતી કરીએ છીએ, તો આપણા જવાનો નજર રાખે છે અને આસ પાસ ફરતા રહે છે. તેમ છતા ઘણી વખત સીમા પારથી ફાયરિંગ થઈ જાય છે. બીક પણ લાગે છે કે અમારી રોજી રોટી છીનવાઈ ન જાય, એટલા માટે ખેતી કરવાનું છોડી નથી શકતા.

મકવાલના સરપંચ સોલોરામનું ખેતર પણ એકદમ બોર્ડર પાસે આવેલુ છે. તેઓ 10 વર્ષથી અહીં તરબૂચની ખેતી કરી રહ્યા છે. આ વખતે પણ તરબૂચની ખેતી કરી હતી પરંતુ લોકડાઉનના કારણે વેચાયા નહીં. તેમણે કહ્યું મોટાભાગનો માલ તો ખેતરમાંથી કાઢ્યો જ નથી. કારણ કે જે બહાર કાઢ્યો હતો તે પણ બજારમાં વેચાયો નહતો. થોડો ઘણો માલ વેચાયો, બાકીના બધા તરબૂચ ખરાબ થઈ ગયા. લાખોનું નુકસાન થયું.

રમેશ ગુપ્તા બોર્ડરની મુશ્કેલી જણાવતા કહે છે કે, વર્ષમાં ઘણી વાર એવું બને છે જ્યારે પાકિસ્તાનીઓની ફાયરિંગના કારણે અમે ખેતરેથી ભાગીને આ બાજુ આવીએ છીએ. તેમણે કહ્યું, હું આઝાદી પહેલાંથી આ ગામમાં રહું છું અને ત્યારથી અહીં આ જ પરિસ્થિતિ છે.

મકવાલ ગામનો એક જ હિસ્સો મકવાલ કેમ્પના નામથી ઓળખાય છે. અહીં યુદ્ધ પછી આવેલા રેફ્યુજી રહેતા હતા. આ એ લોકો હતા જે યુદ્ધ પછી ભાગીને ભારત આવ્યા હતા. તેમાં એક હરી સિંહ પણ સામેલ છે જે આર્મીમાંથી રિટાયર્ડ થયા છે. હરી સિંહે કહ્યું, અમારો પરિવાર 1965ના યુદ્ધ પછી જીવ બચાવીને ભાગ્યો હતો. કારણકે ત્યાં હિન્દુઓને મારવામાં આવતા હતા. અહીં આવ્યા તો ઘર પણ બની ગયું અને નોકરી પણ મળી ગઈ. મોદી સરકારે હવે દરેક રેફ્યુજીને 25-25 લાખની સહાય આપવાના છે.

હરી સિંહે કહ્યું, પહેલા 5 લાખના હપતાની રકમ પણ આવી ગઈ છે. જો લોકડાઉન ન થતું તો બીજા હપતાની રકમ પણ આવી જાત. આ મદદ શા માટે આપવામાં આવી રહી છે? એવું પુછતા તેમણે કહ્યું, અમે લોકો અમારી ઘર સંપત્તિ છોડીને અહીં આવ્યા છીએ, તેથી સરકાર અમારી મદદ કરી રહી છે. અમારી પાસે કશુ નહતું, તેથી સરકાર અમારા લોકોની મદદ કરી રહી છે, જેથી જે ખરાબ સ્થિતિ છે તેમાં સચવાઈ જઈએ.

મકવાલ કેમ્પ અત્યારે એક અલગ કારણોથી પણ ચર્ચામાં છે. અહીં રહેતા મદન સિંહને પાણીમાં તરતો પથ્થર મળ્યા છે. મદન સિંહ પણ રેફ્યુજી પરિવારમાંથી છે. તેઓ તાવી નદીના કિનારે ભેંસો ચરાવવા ગયા હતા. ત્યાં તેમને પાણીમાં તરતો પથ્થર મળ્યો તો તેઓ તે પથ્થર ઘરમાં લઈ આવ્યા. ગામમાં તે કુતુહુલનો વિષય બની ગયો અને લોકો તેની પૂજા કરવા લાગ્યા.

મદન સિંહની પત્ની રેખાદેવી કહે છે કે, જ્યારે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ થયો તેના પાંચ દિવસ પછી જ પાણીમાં તરતો આ પથ્થર મળ્યો હતો. તેથી અમે ગ્રામીણો તેની સ્થાપના કરીશુ અને મંદિર નિર્માણ કરાવીશું. તેમણે કહ્યું, રોજ ઘણાં લોકો તરતા પથ્થરના દર્શન કરવા આવે છે. અમારા ઘરે સત્સંગ પણ થઈ ગયો અને દીકરીના લગ્ન પણ થઈ ગયા. આ એક દિવ્ય શક્તિ છે જે અમને નસીબથી મળી છે.

adv

Related News

post
post
post
post
post
post
post